પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં સરકારવિરોધી સશસ્ત્ર જૂથ ઇસ્લામિક સ્ટેટ ઈન ધ ગ્રેટર સહારા (ISGS)ના 200થી વધુ આતંકવાદીઓ દ્વારા સૌથી મોટા ઉત્તર-પૂર્વીય શહેર ગાઓથી 30 કિલોમીટરના અંતરે કોબે ખાવો ગામ પાસે 36 વાહનોના કાફલા પરના હુમલામાં 60 મજૂરોના મોત સાથે સંખ્યાબંધ લોકોને ઈજા થયાના અહેવાલ છે. માલીના લશ્કરની દેખરેખ હેઠળ 6 બસ, 22 મિની બસ અને 8 ટ્રક સહિત વાહનોના કાફલામાં મોટા ભાગે સોનાની ખાણોમાં કામ કરતા શ્રમિકોનો સમાવેશ થયો હતો. સશસ્ત્ર હુમલાખોરોએ કાફલામાંના ઘણા વાહનોમાં લૂંટફાટ ચલાવી આગ ચાંપી હતી. માલીમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી આતંકી હિંસામાં આ વર્ષે નાગરિકોને નિશાન બનાવીને કરાયેલો આ સૌથી ઘાતક હુમલો છે.
• રામફોસાએ અમેરિકી સહાયકાપને દાદાગીરી ગણાવી
સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ વાર્ષિક સંબોધનમાં રાષ્ટ્રવાદ અને સંરક્ષણવાદના વધતા પ્રભાવ સામે ચેતવણી આપી છે. તેમણે અમેરિકા દ્વારા દેશને અપાતાં સહાયભંડોળમાં કાપ મુદ્દે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો દેશ આ દાદાગીરીને વશ નહિ થાય. અમેરિકાએ ભંડોળ ઘટાડવા છતાં, સરકાર HIV/AIDS સર્વિસીસને જાળવી રાખશે તેવી સ્પષ્ટતા સાથે પ્રેસિડેન્ટ રામફોસાએ સાઉથ આફ્રિકાના અર્થતંત્રને ઉત્તેજન આપવા 50 બિલિયન ડોલરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન્સની પણ જાહેરાત કરી હતી.
• ઝૂમાની પાર્ટીની શ્વેત આફ્રિફોરમ જૂથ સામે દેશદ્રોહની ફરિયાદ
સાઉથ આફ્રિકામાં અમેરિકા દ્વારા સહાયકાપના મુદ્દે વિવાદ વધી રહ્યો છે. પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાની એમકે પાર્ટીએ શ્વેત આફ્રિફોરમ જૂથ સામે દેશદ્રોહની ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. આફ્રિફોરમ સાઉથ આફ્રિકાની શ્વેત લઘુમતીની તરફેણ કરે છે. જેકોબ ઝૂમાએ આક્ષેપ લગાવ્યો છે કે શ્વેત આફ્રિફોરમ જૂથ જમીનોની ફેરવહેંચણી મુદ્દે જૂઠાણાં ફેલાવી રહેલ છે જેના પગલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે શ્વેત લોકો સાથે ભેદભાવના આક્ષેપસહ દેશને અપાતી નાણાસહાયમાં કાપ મૂક્યો છે. જોકે, શ્વેત જૂથે દેશદ્રોહના આક્ષેપને વાહિયાત ગણાવી તેમની સામે જ સિતમ ગુજારાતો હોવાનો વળતો આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષી નેતા ઝૂમાની પાર્ટી જમીનોની ફેરવહેંચણીની જોરદાર તરફેણ કરે છે.શાસક પાર્ટ આફ્રિકન નેશનલ કોંગ્રેસે પણ ટ્રમ્પ દ્વારા સહાયકાપ મુદ્દે આફ્રિફોરમ જૂથ સામે દોષ લગાવ્યો છે પરંતુ, કાનૂની પગલાં લીધા નથી.
• યુગાન્ડાના નાણાખાતાના અધિકારીઓની અટકાયત
યુગાન્ડાની મધ્યસ્થ બેન્કની ઈલેક્ટ્રોનિક સિસ્ટમને હેક કરવાના આક્ષેપોની તપાસના સંદર્ભે પોલીસે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સહિત 9 ઓફિસરની અટકાયત કરી હતી. કેટલાક અધિકારી એકાઉન્ટન્ટ જનરલની ઓફિસ સાથે સંકળાયેલા છે. આ હેકિંગના પરિણામે, 62 બિલિયન શિલિંગ્સ (16.87 મિલિયન ડોલર)ની ચોરી થયાનું બહાર આવ્યું છે. સરકારી માલિકીના અખબારે જણાવ્યું હતું કે પોતાને ‘Waste’ તરીકે તરીકે ઓળખાવતા હેકર્સે બેન્ક ઓફ યુગાન્ડાની આઈટી સિસ્ટમ્સને હેક કરી નાણાને ગેરકાયદે ટ્રાન્સફર કર્યા હતા.
• દારફૂર પર હવાઈહુમલામાં 39ના મોત
સુદાનીઝ આર્મ્ડ ફોર્સીસ (SAF)ના યુદ્ધવિમાનોએ રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF)ના કબજા હેઠળના સાઉથ દારફૂરની રાજધાની ન્યાલા પર હવાઈહુમલાઓ કરતા બે દિવસમાં 39 લોકોના મોત અને 20ને ઈજા પહોંચ્યાના અહેવાલો છે. ગત રવિવાર અને સોમવારે અબુબકર ફેક્ટરી પર બોંબ ઝીંકાતા મગફળીનાં સ્ટોકનો નાશ થયો હતો અને ત્રણ વર્કરના મોત થયા હતા. બોંબમારાથી બજારોના કામકાજ ખોરવાઈ ગયા હતા. RSF દ્વારા ઓક્ટોબર 2023થી ન્યાલા પર કબજો જમાવ્યા પછી સંખ્યાબંધ હવાઈહુમલાઓ કરાયા છે અને સેંકડો લોકોના મોત થયા છે.
• યુગાન્ડામાં નવી ઈબોલા વેક્સિનની ટ્રાયલમાં અવરોધો
યુગાન્ડામાં 30 જાન્યુઆરીએ સુદાન ઈબોલા વાઈરસના હુમલાની સત્તાવાર જાહેરાત પછી એક પુરુષ નર્સના મૃત્યુને સરકારી સમર્થન અપાયું છે. સુદાન ઈબોલા સ્ટ્રેન માટે કોઈ વેક્સિન વિકસાવાઈ નથી અને ગણ્યાગાંઠ્યા લોકો પર નવા વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી છે. હાલ ટ્રાયલ પરની નવી વેક્સિનને સ્વીકારવામાં લોકો ખચકાઈ રહ્યા છે. બીજી તરફ, પરંપરાગત માન્યતાઓ, મેલી વિદ્યા, સ્થાનિક હર્બલ ઔષધો અને કાવતરા જેવી થીઅરીઝ ઈબોલાની સારવાર અને નિયંત્રણને અવરોધે છે. વર્તમાન રોગચાળા સંદર્ભે સરકારી સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કોમ્યુનિકેશન કરાયું નથી. કેસીસના આંકડા જાહેર કરાતા નથી. યુએસ, યુકે અને મોરેશિયસ સહિતના દેશોએ તેમના નાગરિકોને યુગાન્ડાનો પ્રવાસ ટાળવા અને સાવચેતી રાખવા સલાહ આપી છે ત્યારે ટુરિઝમ સેક્ટર સહિત બિઝનેસીસ તરફથી કરાતું દબાણ સહિતના પરિબળો કામે લાગ્યા છે.