ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા તા. ૧૪મી અોક્ટોબરના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે યોજાયેલા એક સમારોહમાં આફ્રિકામાં કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ કાર્ય કરનાર કોમ્ફેડના પ્રમુખ એન કોટનને વર્ષ ૨૦૧૫નો અહિંસા એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે અતિથી વિશેષ પદે એમપી ગેરેથ થોમસ તેમજ મહેમાન તરીકે લોર્ડ ધોળકીયા, એમપી બેરી ગાર્ડીનર અને એમપી અલોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સમણીજીના નમસ્કાર મહામંત્ર બાદ ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજીના ડાયરેક્ટર શ્રી જયસુખભાઇ મહેતાએ કોમ્ફેડના પ્રમુખ એન કોટનને વર્ષ ૨૦૧૫નો અહિંસા એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરી હતી. ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજીના ચેરમેન નેમુભાઇ ચંદરયાએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે 'અહિંસાના ક્ષેત્રે કાર્ય કરતી અગ્રગણ્ય વ્યક્તિઅોને આ એવોર્ડ એનાયત કરાય છે અને અત્યાર સુધીમાં આ એવોર્ડ નેલ્સન મેંડેલા, દલાઇ લામા, આચાર્ય મહાપ્રજ્ઞ અને પ્રિન્સ અોફ વેલ્સને આપવામાં આવ્યો છે. આજે આ એવોર્ડ આફ્રિકામાં કન્યા કેળવણીના પ્રસારમાં મહત્વનું કાર્ય કરનાર કોમ્ફેડના પ્રમુખ એન કોટનને આપતા અમને ખૂબજ આનંદ થાય છે.'
એવોર્ડ સ્વીકારી પ્રતિભાવ આપતાં એન કોટને જણાવ્યું હતું કે '૨૪ વર્ષ પહેલા પણ મેં જોયું હતું કે મા-બાપ ગમે તેટલા ગરીબ ભલે હોય પણ તેમનામાં પોતાની દિકરીઅોને શિક્ષણ આપવાની તિવ્ર ઇચ્છા દેખાય છે. અમે શિક્ષણ સહાય આપીએ છીએ ત્યારે કોઇ પણ કુટુંબ તેમની દિકરીને મળતી સહાય ઠુકરાવતુ નથી. અમે માનીએ છીએ કે કન્યા કેળવણી એક માનવીય અધિકાર છે અને તેના દ્વારા જ વસ્તીવધારા પર અંકુશ, બાળલગ્ન અને બાળ પ્રસુતિમાં ઘટાદો તથા પર્યાવરણની જાગૃતિ લાવી શકાય છે.'