ગયા વર્ષે ગઝમ્પીંગના કારણે લગભગ ૬૦,૦૦૦ લોકો ઘર ખરીદ્યા વગર રહી ગયા હતા. ગત વર્ષે એપ્રિલ માસ સુધીમાં ૩ લાખ ઘરના સોદા થયા હતા. જેના ૨૦% એટલે કે ૬૦,૦૦૦ લોકો ઘર ખરીદ્યા વગર રહી ગયા હતા. કારણ કે વેન્ડર એટલે કે ઘર વેચનાર વ્યક્તિએ નિયત બદલીને મોટી રકમ આપનારને ઘર વેચી દીધા હતા. દર સાત વ્યક્તિએ એક વ્યક્તિ છેલ્લી ઘડીએ ઘર વેચવાનું માંડી વાળ્યું હતું. સરકારના જણાવ્યા મુજબ ગઝમ્પીંગના કારણે કન્વેયન્સીંગ, સર્ચીસ વગેરેના વર્ષે £૨૭૦ મિલિયનની રકમનું નુકશાન જાય છે.
પ્રોપર્ટી માર્કેટમાં તેજી આવે એટલે આપણા પરિચીતોમાં ગઝમ્પર્સનો ભોગ બનેલા એકાદ બે વ્યક્તિ તો મળી જ આવે. ગઝમ્પર્સ એટલે તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હો ત્યારે છેલ્લી ઘડીએ પ્રોપર્ટી માલીક કોઇની પાસેથી પાંચ-પચીસ હજાર કે તેથી વધુ રકમ લઇને તેને પ્રોપર્ટી વેચી દે. ઘણી વખત પ્રોપર્ટી માલીક વધતા જતા ભાવ જોઇને કે અન્ય કોઇ કારણસર પ્રોપર્ટી વેચવાનું માંડી વાળે. આવા સંજોગોમાં પ્રોપર્ટી ખરીદવા માટે ફાળવેલ સમય, સર્ચ, વકીલની ફી વગેરે માથે પડે. આ રકમ પ્રોપર્ટીની વેલ્યુના આશરે સવા ટકા જેટલી તો હોય જ.
સામે પક્ષે મંદીના સમયમાં ખરીદનાર વ્યક્તિ છેલ્લી ઘડીએ કડદા કે બાર્ગેઇન કરે અને પ્રોપર્ટીના અોછા ભાવ ચૂકવવાની વાત કરે છે અને મકાન માલીકની ગરજનો લાભ લેતા હોય છે.