અમદાવાદઃ ટેક્નોલોજી અને એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)નો સમન્વય કરીને કેવું શાનદાર પરિણામ મેળવી શકાય તે જાણવું - સમજવું હોય તો મળો ડો. મધુકાંત પટેલને. અમદાવાદ સ્થિત ઇંડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો)ના નિવૃત્ત વિજ્ઞાની ડો. મધુકાંત પટેલે માત્ર 10 સેકન્ડમાં સોઈલ ટેસ્ટ કરી શકતું ડિવાઈસ તૈયાર કર્યું છે.
એઆઈ અને સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ ડિવાઈસ જમીનની ચકાસણી અને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા સક્ષમ છે. જમીન ચકાસણી અને પરીક્ષણના જે કામમાં 10 દિવસ લાગે છે તે કામ આ ડિવાઇસ માત્ર 10 સેકન્ડમાં કરી આપે છે. નાનામાં નાનો ખેડૂત પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 સરકારી અને 2 સહકારી સોઈલ ટેસ્ટિંગ લેબ છે.
‘ઈસરો’ના પૂર્વ વિજ્ઞાનીએ બનાવેલા ડિવાઈસનું ફાઇનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને પ્રાથમિક તારણ મુજબ તે 95 ટકા ચોકસાઈ ધરાવે છે. આ ડિવાઈસથી જમીનમાં કયા તત્ત્વો ખૂટે છે તેની ચકાસણી થાય છે. પીએચ વેલ્યૂ જેવા માટીના ગુણધર્મો ચકાસે છે. પરંપરાગત સોઈલ ટેસ્ટિંગ સજીવ અને જીવાણુની હાજરી પારખી શકતા નથી, પરંતુ આ સાધનથી તે પણ શક્ય છે.
ખેડૂતો ટોર્ચની જેમ ઉપયોગમાં લઇ શકે તેટલું સરળ
નિવૃત્ત વૈજ્ઞાનિક મધુકાંત પટેલે જણાવ્યું કે આ ડિવાઈસ દ્વારા માટીના એક લાખ સેમ્પલ ટેસ્ટ કરી શકાય છે. ત્યારબાદ તેના પ્રોબ (નીચે લાગેલા સળિયા) અને સેન્સર બદલાય છે. લેબમાં સોઈલ ટેસ્ટિંગ ટેકનિક માત્ર અનુભવી ટેક્નિશિયનો દ્વારા જ કરી શકાય છે. જ્યારે આ ડિવાઈસનો ઉપયોગ ખેડૂત ટોર્ચ માફક ઉપયોગ કરી શકે છે. સરકારી લેબમાં સોઈલ ટેસ્ટિંગમાં પોષક તત્વો ‘વેટ કેમેસ્ટ્રી પદ્ધતિ’થી માપે છે. ખેતરમાંથી લીધેલી માટીનું સેમ્પલ સરકારી લેબમાં પહોંચે અને ત્યારબાદ તેનું ટેસ્ટિંગ કરાય તેમાં 10થી 12 દિવસનો સમય લાગી જતો હોય છે. જ્યારે આ ડિવાઈસથી સોઈલ ટેસ્ટ માત્ર 10થી 15 સેકન્ડમાં ખેતરમાં જઈને જ કરી શકાય જેથી તેમાં તરત જ માટીના સેમ્પલનું પરિણામ જાણવા મળી જશે.
સારો પાક લેવામાં ઉપયોગી
જમીન ફળદ્રુપ હોય અને તેમાં સારી ગુણવત્તાવાળા ફળ, શાકભાજી, અનાજ, કઠોળ વધારે જથ્થામાં ઉગે તો સ્વાભાવિક જ ખેડૂતો માટે આર્થિક લાભકારક બને છે. આ માટે સમયાંતરે જમીનની ચકાસણી કરાય છે જેથી જમીનમાં ક્યા તત્ત્વો ખૂટે છે કે ક્યા પોષક તત્વો વધુ રહેલા છે તે જાણીને તેના આધારે જમીન ક્યા પાક માટે વધુ સાનુકૂળ છે તે નક્કી કરાય છે.