નવી દિલ્હી: ગોધરામાં ટ્રેન સળગાવ્યા બાદ ગુજરાતમાં 2002માં ફાટી નીકળેલાં રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા 63 લોકોને સ્પેશયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ આપેલી ક્લિનચિટને આખરે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવીને ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે.
ઝાકીયાએ તેમની અરજીમાં વ્યાપક ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો. જોકે રમખાણોની તપાસને ફરી ખોલવાના પ્રયાસ પર પડદો પાડી દેતા જસ્ટિસ એ.એમ. ખાનવિલકરના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એકઠા કરવામાં આવેલા પુરાવા એવી મજબૂત કે ગંભીર આશંકા ઊભી કરતાં નથી કે મુસ્લિમો સામે હિંસા ફેલાવવાનું ઉચ્ચ સ્તરે વ્યાપક ગુનાહિત કાવતરુ ઘડાયું હતું.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ઝાકિયા જાફરીની અરજીને મેરિટ વગરની ગણાવી હતી. ખંડપીઠે ગુપ્ત ઇરાદા સાથે ચરૂને ઉકળતો રાખવાની કુટિલ છળકપટની ટીપ્પણી કરીને જણાવ્યું હતું કે પ્રક્રિયાનો આવો દુરુપયોગ કરતા તમામને કઠેડામાં ઊભા રાખવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે. ઝાકિયા ઝાફરીએ મોદી સહિત 64 લોકોને એસઆઇટીએ આપેલી ક્લિનચિટને પડકારી હતી અને ઉચ્ચ સ્તરે વ્યાપક ષડયંત્રનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતના રમખાણો વખતે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય પ્રધાન હતા.
એસઆઇટીની કામગીરી પ્રશંસનીયઃ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પડકારજનક સંજોગોમાં અથાક કામગીરી બદલ એસઆઇટીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તે સહીસલામત રીતે સંપૂર્ણ સફળતા સાથે બહાર આવી છે. એસઆઇટીના અભિગમમાં કોઇ દોષ શોધી શકાય તેમ નથી અને તેનો 8 ફેબ્રુઆરી 2012નો અંતિમ રોપોર્ટ નક્કર તર્ક આધારિત છે. એસઆઇટીએ વ્યાપક ગુનાહિત ષડયંત્રનોના આક્ષેપોને ફગાવી દેવા નિષ્પક્ષ રીતે તમામ પાસાંનો અભ્યાસ કર્યો છે અને એનાલિટિકલ માઇન્ડનો ઉપયોગ કર્યો છે.
ગુલબર્ગ સોસાયટીમાં 68નાં મોત
સુપ્રીમ કોર્ટે એસઆઇટી દ્વારા સબમિટ કરાયેલા અંતિમ અહેવાલને સ્વીકારવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યો હતો અને ઝાકિયા જાફરીની વિરોધ અરજીને ફગાવી દીધી હતી. ઝાકિયાએ એસઆઇટીના નિર્ણય સામેની તેમની અરજીને ફગાવી દેતા 5 ઓક્ટોબર 2017ના ગુજરાત હાઇ કોર્ટના આદેશને પડકાર્યો હતો. ગુજરાતના રમખાણો દરમિયાન 28 ફેબ્રુઆરી 2002ની હિંસા દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 68 લોકોના મોત થયા હતા.
ગોધરા ટ્રેનકાંડ બાદ રમખાણો
ગુજરાતમાં ગોધરા ટ્રેનકાંડ બાદ રમખાણો ચાલુ થયા હતા. આ રમખાણોમાં કુલ 1,044 લોકોના મોત થયા હતા. ભારત સરકારે મે 2005માં રાજ્યસભાને માહિતી આપી હતી કે ગોધરાકાંડ બાદ 254 હિન્દુ અને 790 મુસ્લિમોના મોત થયા હતા. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે તપાસમાં તમામ પુરાવા જોયા બાદ એસઆઇટીએ તેનો અભિપ્રાય બાંધ્યો હતો. વધુ તપાસનો સવાલ ત્યારે જ ઊભો થાય છે, જ્યારે ઉચ્ચસ્તરે વ્યાપક કાવતરાના આક્ષેપની નવી સામગ્રી કે માહિતી મળે. હાલ આવી કોઇ સામગ્રી કે માહિતી નથી. આ કેસમાં તપાસ દરમિયાન એકઠા કરાયેલા પુરાવા લઘુમતી સમુદાય સામે રાજ્યસભરમાં વ્યાપક હિંસા ફેલાવાનું ઉચ્ચસ્તરે વ્યાપક ગુનાહિત કાવતરું ઘડાયું હોય તેવી મજબૂત કે ગંભીર આશંકા ઊભી કરતાં નથી.
નિષ્ક્રિયતા કે નિષ્ફળતા કાવતરું ન ગણાય
કોર્ટે ચુકાદો આપતા ટીપ્પણી કરી હતી કે વહીવટી તંત્રના એક વર્ગના કેટલાંક અધિકારીઓની નિષ્કિયતા કે નિષ્ફળતાથી એવું ન ધારી શકાય કે સત્તાવાળાનું પૂર્વઆયોજિત કાવતરુ હતું. તેને લઘુમતી સમુદાય સામે રાજ્યપ્રેરિત ગુનો પણ ગણી શકાય નહીં. રાજ્યપ્રેરિત કાયદા-વ્યવસ્થાના બ્રેકડાઉન અંગે વિશ્વસનીય પુરાવા હોવા જરૂરી છે. માત્ર રાજ્ય વહીવટી તંત્રની નિષ્ક્રિયતા કે નિષ્ફળતાને આધારે કાવતરાનું અનુમાન કરી શકાય નહીં.
એસઆઇટીએ નોંધ્યું છે કે કેટલાંક અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીની યોગ્ય સ્તરે નોંધ લેવાઇ છે અને તેમની સામે ખાતાકીય પગલાં લેવાયા છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે એસઆઇટીને ગોધરા ટ્રેનકાંડ સહિત અલગ-અલગ નવ ગુનાની તપાસ દરમિયાન રાજ્યભરમાં વ્યાપક હિંસાના અલગ અલગ બનાવોમાં કોઇ કાવતરુ જણાયું નથી. એસઆઇટીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ અને સુપરવિઝન હેઠળ તપાસ કરી છે અને તેને કોર્ટ સહાયકની પણ મદદ હતી.
સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના દાવા ખોટા
કોર્ટે જણાવ્યું હતું કે 2002ના રમખાણો અંગે ખોટા ખુલાસા બદલ ગુજરાત સરકારના અસંતુષ્ઠ અધિકારીઓને કઠેડામાં ઊભા રાખવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યની દલીલમાં વજૂદ લાગે છે કે સંજીવ ભટ્ટ (તત્કાલીન આઇપીએસ ઓફિસર), હરેન પંડયા (તત્કાલીન ગૃહપ્રધાન) અને આર.બી. શ્રીકુમાર (આઇપીએસ ઓફિસર) જુબાનીનો હેતુ આ મુદ્દાની સનસનાટી ફેલાવાનો અને રાજકીય રંગ આપવાનો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ભટ્ટ અને પંડ્યાએ એ બેઠકના સાક્ષી હોવાનો ખોટો દાવો કર્યો હતો કે જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાને કથિત ઉચ્ચારણો કર્યા હતા. એસઆઇટીએ આવા દાવાને નકારી કાઢ્યા છે.
કોર્ટે જણાવ્યું હતું કે એવું લાગે છે કે ગુજરાતના અસંતુષ્ઠ અધિકારીઓ અને બીજા લોકોએ ખોટા ખુલાસા કરીને સેન્સેશન ઊભું કરવાના સંગઠિત પ્રયાસ કર્યા હતા. તેમના ખોટા દાવાની એસઆઇટીએ પોલ ખોલી છે. ખંડપીઠે જણાવ્યું હતું કે રસપ્રદ બાબત એ છે કે દેખિતા ગુપ્ત ઇરાદા સાથે ચરુને ઉકળતો રાખવા માટે છેલ્લાં 16 વર્ષથી હાલની કાર્યવાહીને આગળ ધપાવવામાં આવી રહી છે અને તેમાં તપાસ પ્રક્રિયામાં સંકળાયેલી તમામ સંસ્થાની પ્રમાણિકતા સામે સવાલ કરવામાં આવ્યા છે. હકીકતમાં પ્રક્રિયાના આવા દુરુપયોગમાં સંડોવાયેલા તમામ સામે કઠેડામાં ઊભા રાખવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે.
‘સત્યમેવ જયતે’ઃ ભાજપ
સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન મોદીને એસઆઇટી દ્વારા અપાયેલી ક્લીન ચિટ યથાવત્ રાખતા ભાજપના નેતાઓએ એક સૂરમાં ‘સત્યમેવ જયતે’ બોલી પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘સત્યમેવ જયતે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના ગોધરા તોફાનો અંગેની ઝાકિયા જાફરી SITને પડકારતી અરજી ફગાવી દીધી છે અને ક્લીન ચિટ આપી છે.’
સુપ્રીમના આદેશથી નિરાશાઃ અહેસાન જાફરીનો પુત્ર
કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીના પુત્ર તનવીર જાફરીએ જણાવ્યું હતું કે, 2002ના ગોધરાના તોફાનોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપતા એસઆઇટીના અહેવાલને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા નિરાશ થયો છું. ઉલ્લેખનીય છે કે, ગોધરાના તોફાનોમાં અહેસાન જાફરી માર્યા ગયા હતા. ત્યાર પછી તેમના પત્નિ ઝાકિયા જાફરીએ એસઆઇટીના અહેવાલને પડકારતી પિટિશન ફાઇલ કરી હતી. જાફરીના પુત્રએ જણાવ્યું હતું કે, “કોર્ટના ચુકાદાથી નિરાશ છું. હું દેશની બહાર હોવાથી ચુકાદાનો અભ્યાસ કર્યા પછી વિસ્તૃત નિવેદન આપીશ.” વકીલના જણાવ્યા અનુસાર તનવીર જાફરી હજ માટે મક્કામાં છે. જ્યારે ઝાકિયા તેમની પુત્રી સાથે અમેરિકામાં રહે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાઢિયાના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.
સમગ્ર મામલાનો ઘટનાક્રમ
• 27 ફેબ્રુઆરી 2002: સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરતા કારસેવકો પર હુમલો, ગોધરા સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાં આગ ચાંપી જીવતા સળગાવાયા
• 28 ફેબ્રુઆરી 2002: અમદાવાદના મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટીમાં રહેતા લોકો પર ટોળાએ હુમલો કર્યો, જેમાં અરજદાર ઝાકિયા જાફરીના પતિ અહેસાન જાફરી સહિત 69 લોકોના મોત
• 6 માર્ચ 2002: ગુજરાત સરકારે ગોધરા કાંડ બાદ થયેલા હુલ્લડો માટે તપાસ આયોગની રચના કરી
• 8 જૂન 2006: ઝાકિયા જાફરીએ 2002ના હુલ્લડો પાછળ ષડયંત્રનો આરોપ લગાવીને તત્કાલીન મુખ્યમંત્રી મોદી તેમજ અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
• 26 માર્ચ 2008: સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આર.કે. રાઘવનના નેતૃત્વમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી
• 8 ફેબ્રુઆરી 2012: એસઆઈટીએ મોદી અને 63 લોકોને ક્લીનચિટ આપતો અંતિમ રિપોર્ટ સબમીટ કર્યો અને કહ્યું કે, કેસ ચલાવવા યોગ્ય કોઈ પુરાવા મળ્યા નથી
• 12 સપ્ટેમ્બર 2018: એસઆઈટીના ચુકાદા વિરુદ્ધની અરજી ગુજરાત હાઈ કોર્ટે ફગાવતા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
• 24 જૂન 2022: સુપ્રીમ કોર્ટે પણ ઝકિયા જાફરીની અરજી ફગાવી. મોદી તથા અન્યોને એસઆઈટીએ આપેલી ક્લીનચિટનો નિર્ણય યથાવત્ રાખ્યો.