અમદાવાદ: વર્ષ 2002ના હિંસક રમખાણો બાદ માત્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની છબિ અશાંત રાજ્ય તરીકે ખરડાઈ હતી. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંપર્ક કરાયા બાદ રતન ટાટાએ ગણતરીની પળોમાં મહત્ત્વાકાંક્ષી નેનો કારનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ખસેડીને ગુજરાતના સાણંદ ખાતે લાવવાનો નિર્ણય કર્યો હતો. ખુદ રતન ટાટાના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીએ તેમને માત્ર ‘વેલકમ ગુજરાત...’ લખેલો મેસેજ કર્યો ને તેમણે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા નિર્ણય કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે નેનો કાર પ્લાન્ટને આવકારવા માટે અનેક રાજ્યો સ્પર્ધામાં હતા. તો ટાટા ગ્રૂપ પ્લાન્ટને વિદેશમાં લઇ જવા પણ વિચારણા કરી રહ્યું હતું. તે સમયે મોદીએ ટાટા ગ્રૂપના એક ઉચ્ચ અધિકારી સમક્ષ એવી લાગણી વ્યક્ત કરી હતી કે પ્લાન્ટ ભલે ભારતના કોઇ પણ રાજ્યમાં સ્થપાય, પરંતુ તે દેશ બહાર જવો જોઇએ નહીં.
નેનો કાર પ્લાન્ટના ગુજરાતમાં આગમન સાથે જ રાજ્યમાં જંગી મૂડીરોકાણના દરવાજા ખુલી ગયા હતા. નેનો કાર ભલે સફળ ન થઈ પણ નેનો પ્લાન્ટે ગુજરાતને ઔદ્યોગિક રાજ્ય બનાવવામાં સિંહફાળો ફાળો આપ્યો છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
રતન ટાટાના જીવનગાથામાં ઝાંકી કરીએ તો તેમનો જન્મ 1937માં સુરતમાં થયો હતો. પિતા નવલ ટાટા જમશેદજી ટાટાના દત્તક પૌત્ર હતા. માતાનું નામ સુની ટાટા હતું. રતન ટાટા 10 વર્ષની હતા ત્યારે એમના માતા-પિતા અલગ થયા હતા જે પછી એમના દાદી નવજબાઈએ એમનો ઉછેર કર્યો. રતન ટાટા આજીવન અપરિણીત રહ્યા હતા. 1991માં ટાટા ગ્રૂપના ચેરમેન બન્યા પછી ટાટા ગ્રુપને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી. એમના નેતૃત્વમાં ટાટા ગ્રુપની રેવન્યૂ 40 ગણી વધી અને નફો લગભગ 50 ગણો વધ્યો. તેમના નેતૃત્વ હેઠળ સમૂહે લેન્ડ રોવર અને કોરસને ટેકઓવર કરી હતી. આ ઉપરાંત ટાટા સમૂહનો કારોબાર 100થી વધુ દેશમાં ફેલાયેલો છે.
હાલમાં જ મુંબઈમાં શેરીના કૂતરાઓ સહિતના અબોલ પ્રાણીઓ માટે આશ્રયસ્થાનો અને સારવાર કેન્દ્ર શરૂ કર્યા હતા. શિક્ષણ, વિજ્ઞાનથી લઈને વિવિધ સામાજિક સેવાઓ માટે ટાટા સમૂહે અઢળક દાન આપ્યું છે. તેમને 2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.