6 ગુજરાતી નરબંકાઓની પેડલ પર પૃથ્વીની પરિક્રમાના 100 વર્ષ

Tuesday 17th October 2023 09:00 EDT
 
 

સુરતઃ ગુજરાત કે ગુજરાતી આવે એટલે પહેલાં વેપાર-વણજની વાત યાદ આવે. ગુજરાતીઓને પ્રિય બાબતોની યાદી તૈયાર થાય તો એડવેન્ચર કે સાહસ નીચલા ક્રમે આવે તેવી સામાન્ય માન્યતા છે. જોકે આ તો વાત થઇ માન્યતાની, પરંતુ આ સાથે રજૂ કરેલી 6 ગુજરાતીની વાત પર નજર ફેરવશો તો તેઓ કેવા સાહસિક હતા. આ નરબંકાઓએ આજથી 100 વરસ પહેલાં સાઇકલ પર પૃથ્વીની પરિક્રમા કરી હતી.

15મી ઓક્ટોબર 1923ના રોજ શરૂ થયેલા આ સાહસક પરિક્રમાએ સોમવારે 100 વર્ષ પૂર્ણ થયા છે. આજે 2023માં પણ વ્યક્તિ આવું સાહસ કરતાં બે વખત વિચારે જયારે આ 6 ગુજરાતી પારસી બાવાઓએ 1923માં સાયકલ પર વિશ્વની પરિક્રમાનું સાહસ કર્યું હતું.
ઝોરાષ્ટ્રીયન ફિઝિકલ કલ્ચર સાથે જોડાયેલા અને બોમ્બે વેઇટલિફ્ટિંગ ક્લબના આ પહેલવાનો, શરીરે એકદમ ફિટ, રોજની સો-બસો દંડબેઠક આમ જ કરી લે. વજન ઉંચકીને ફુલાવેલા બાવડાં. આજથી બરોબર સો વર્ષ પહેલા 15 ઓક્ટોબર 1923 પહેલાં સોમવારના દિવસે શરૂ થયેલી એમની સફરને સો વર્ષ પૂર્ણ થયા છે. લગભગ સાડા ચાર વર્ષમાં 44,000 માઈલ (71,000કિલોમીટ૨) 29 દેશો (આજના હિસાબે 39 દેશો)ની પેડલ પર પૃથ્વીની પરકમ્મા કરનારા આ છ સાહસવીરોમાં જાલ બાપાસોલા, રુસ્તમ ભુમગરા, અદિ હકીમ, કેકી પોચખાનવાલા, ગુસ્તાદ હાથિરામ અને નરિમાન કાપડિયાનો સમાવેશ થાય છે.

સાહસ શબ્દ પણ નાનો લાગે એવી આ સફર હતી. આને એક જાતનું પાગલપન જ કહી શકાય. કારણ કે ના કોઇ પાક્કા રસ્તા, ન કોઈ સારા નકશા, ના કોઈ સાધન, ના કોઈ સપોર્ટ અને ના તો તે સમયે એમની પાસે કોઈ સારી કંપનીની સાયકલો હતી. માત્ર એક જીદ હતી, અને તે હતી દુનિયા ફરવી છે. પોતાની માતૃભૂમિ ભારતનું નામ આખી દુનિયામાં ખૂણે ખૂણે લોકો જાણે એ માટે ફરવું છે. મુંબઈ સ્થાયી થયેલા આ ગુજરાતીઓએ આ જીદ પૂરી કરી હતી.

કોઇ વાહન કે ટ્રેનમાં મુંબઈથી સુરત જતાં દિવસ પૂરો થઈ જાય એવા સમયે માત્ર 22 વર્ષની આસપાસના આ કસરતબાજ પહેલવાનોએ સાયકલ પર દુનિયા ફરવાનો સંકલ્પ લીધો હતો. આર્થિક અને પારિવારિક પરિસ્થિતિની પ્રતિકૂળતા છતાં તેવો અડગ રહ્યા અને તેમણે સાડા ચાર વર્ષ માં 71,000 કિલોમીટર ની સફર ખેડી હતી. 15 ઓક્ટોબર 2023 નાં રોજ આ સાયકલ યાત્રા ને 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દરેક ગુજરાતીએ આ વાતનું ગૌરવ પણ લેવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter