ABPL ગ્રૂપના અમદાવાદસ્થિત કાર્યાલયના ૧૬મા સ્થાપના દિવસની ઉજવણી

અચ્યુત સંઘવી Wednesday 03rd March 2021 03:24 EST
 
આપના પ્રિય ગુજરાત સમાચાર - Asian Voice સાપ્તાહિકોના અમદાવાદ કાર્યાલયે ૧૮ ફેબ્રુઆરીના રોજ ૧૬મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગુજરાત હાઇ કોર્ટના માન. જસ્ટિસ (નિવૃત્ત) શ્રી સુબોધચંદ્ર શાહના હસ્તે કાર્યાલયમાં એબીપીએલ ગ્રૂપના હિતચિંતક-શુભેચ્છક સ્વ.શ્રી ભૂપતરાય ટી. પારેખ અને સ્વ.શ્રીમતી સરલાબહેન બી. પારેખની તસવીરોનું અનાવરણ કરાયું હતું. આ અવસરે આશાબહેન એસ. શાહ, પારેખ પરિવારના ડો. ભાવેશ પારેખ અને ડો. ઉર્વિ બી. પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાાં હતા. (તમામ ફોટો સૌજન્યઃ જાટકિયા સ્ટુડિયો)
 

યુકેમાં ગુજરાતી અને ભારતીય ડાયસ્પોરાની વાચનભૂખને સંતોષવા, જ્ઞાનસભર માહિતી અને સમાચારો પીરસવામાં સદા અગ્રેસર ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’નું પ્રકાશન કરતા એશિયન બિઝનેસ પબ્લિકેશન લિમિટેડ (ABPL) ગ્રૂપના અમદાવાદ ભારતસ્થિત કાર્યાલયના ૧૬મા સ્થાપના દિવસની ઉજવણી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ કરવામાં આવી હતી. કાર્યાલયના સમગ્ર પરિસરને પુષ્પમાળાઓ અને ગુલાબના પર્ણોથી શણગારાયું હતું અને ધૂપસળીઓની મહેંકે વાતાવરણને વધુ પવિત્ર બનાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી સુબોધચંદ્ર શાહના હસ્તે ABPL ગ્રૂપના શુભચિંતક સ્વર્ગસ્થશ્રી ભૂપતભાઈ ટી. પારેખ અને તેમના પત્ની સ્વર્ગસ્થ શ્રીમતી સરલાબહેનની તસવીરોનું અનાવરણ પણ કરાયું હતું. ‘ઝૂમ’ પર સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી તુષારભાઈ જોષી દ્વારા ભાવનગરથી કરાયું હતું.
આ શુભ પ્રસંગે, મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. લંડનથી પણ સીબી. પટેલ સહિત મહાનુભાવોએ ‘ઝૂમ’ દ્વારા કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી સહુને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, કાર્યાલયના કર્મચારીગણ અને શુભેચ્છકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
‘ગુજરાત સમાચાર’ના ન્યૂઝ એડિટર અચ્યુત સંઘવીએ સરસ્વતી વંદના સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. અગાઉ, ડો. ભાવેશભાઈ પારેખે ‘ઓમ નમો અરિહંતાણમ્’ સ્તવન ગાયું હતું. જાણીતા ગાયિકા શ્રીમતી માયાબહેને ‘મળી છે કાયા માનવની, જગતમાં ધૂપસળી થાજો’ અને ‘પાયોજી મેને રામરતન ધન પાયો’ પ્રાર્થના સાથે વાતાવરણમાં અદ્ભૂત પવિત્રતા પ્રસરાવી દીધી હતી.

દોઢ દસકા પૂર્વે સાકાર કર્યું ડિજિટલ ઇન્ડિયાનું સપનું

બ્યૂરો ચીફ શ્રી નીલેશ પરમારે ઉપસ્થિત મહાનુભાવોનું આનંદસહ સ્વાગત કરતા જણાવ્યું હતું કે લંડનસ્થિત ABPL ગ્રૂપના અમદાવાદ કાર્યાલયે ૧૫ વર્ષ પૂર્ણ કરી ૧૬મા વર્ષમાં મંગળપ્રવેશ કર્યો છે. આમ તો, કાર્યાલયનો સ્થાપના દિન બે દિવસ અગાઉ એટલે કે મંગળવાર ૧૬ ફેબ્રુઆરીએ હતો પરંતુ તે દિવસે સંસ્થાના બંને પ્રકાશનો ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ની પ્રિન્ટિંગ ડેડલાઈન હોવાથી ગુરુવાર ૧૮ ફેબ્રુઆરીના શુભ દિને ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે.
તેમણે જણાવ્યું હતું કે આજે દેશભરમાં દરેક ક્ષેત્રે ડિજિટલ ઈન્ડિયાની વાતો ચાલી રહી છે પરંતુ, આપને એ હકીકત જણાવતા હું અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે ABPL ગ્રૂપ આજથી દોઢ દસકા પૂર્વે જ આ સ્વપ્ન સાકાર કરી ચૂક્યું છે. આનો યશ ABPL ગ્રૂપના શુભેચ્છક, સમર્થક, હિતચિંતક સ્વર્ગસ્થ ભૂપતભાઈ પારેખના દિશાસૂચનને અને ગ્રૂપના સ્થાપક પ્રકાશક તંત્રી શ્રી સી.બી. પટેલની હિંમતને જાય છે. ભૂપતભાઈ પારેખે ઈન્ટરનેટના વધતા વ્યાપને ધ્યાનમાં રાખી અમદાવાદમાં કાર્યાલય સ્થાપવા સૂચવ્યું અને શ્રી સી.બી. પટેલે તેનો અમલ કર્યો. પટેલ અને સાહસનો સમન્વય થાય ત્યારે સફળતા ન મળે તો જ નવાઈ કહેવાય.

નાના પાયે પ્રારંભ, આજે અમદાવાદથી સીધું લંડન

તેમણે વધુમાં કહ્યું હતું કે ૨૦૦૬માં અમદાવાદ કાર્યાલયનો આરંભ થયો ત્યારે અહીં ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના છથી આઠ પેજ તૈયાર થતાં હતાં અને બાકીના પેજ લંડન ઓફિસમાં તૈયાર થતાં હતાં. આજે બંને સાપ્તાહિકો સંપૂર્ણપણે અમદાવાદ કાર્યાલયમાં તૈયાર થાય છે અને અહીંથી જ સીધા લંડનમાં પ્રિન્ટરને અપલોડ થાય છે. આ વિશ્વવ્યાપી ટેકનોલોજીની કમાલ છે. આજે લોકો વિશ્વને ગ્લોબલ વિલેજ તરીકે ઓળખે છે. ગ્લોબલ વિલેજ ઈન્ટરનેટના લીધે શક્ય બન્યું છે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે સફળતા પ્રાપ્ત કરી શક્યા છીએ. અહીં ઉપસ્થિત મહેમાનોમાંથી મોટા ભાગના લોકો શ્રી સીબી પટેલ પરિવાર સાથે દાયકાઓ જૂનો સંબંધ ધરાવે છે અને તેઓ ABPL ગ્રૂપની જ્વલંત સફળતાના સાક્ષી છે. આથી, હું કેટલીક પુનરુક્તિ ટાળું છું. આ પ્રસંગે હું ફરી એક વખત આપ સહુનું સ્વાગત કરું છું.

પૂર્વ જસ્ટિસ શ્રી શાહના હસ્તે અનાવરણ

આ પછી ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી સુબોધચંદ્ર શાહે સ્વર્ગસ્થ ભૂપતભાઈ ટી. પારેખ અને તેમના સ્વર્ગસ્થ પત્ની સરલાબહેન બી. પારેખની તસવીરોનું અનાવરણ કર્યું હતું. જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયું હતું. શ્રી સુબોધચંદ્ર શાહ અને આશાબહેન શાહ, ડોક્ટર દંપતી શ્રી ભાવેશભાઈ અને ઉર્વિબહેન પારેખે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.

પાંચ દસકાથી જ્ઞાનસભર માહિતીની સેવા

પૂર્વ જસ્ટિસ શ્રી સુબોધચંદ્ર શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘ABPL ગ્રૂપના સર્વેસર્વા અને કર્તાહતા શ્રી સીબી. અંકલ, અન્ય મહાનુભાવો, અહીયાં ઉપસ્થિત તેમજ લંડન અને અન્યત્રથી જોડાયેલા મહેમાનો. કલમથી કાંઈક કરવાની જે તાકાત છે તેની કોર્ટોને અને પ્રેસને બરાબર ખબર છે. ABPL ગ્રૂપ વર્ષો, આશરે પાંચ ડિકેડ્સથી જે કામ કરે છે, યુરોપમાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં, લંડનમાં ભારતીયોને ભારત વિશે અને દુનિયા વિશે જે સમાચારો અને જ્ઞાનસભર માહિતી પીરસે છે તે અકલ્પનીય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સૌથી મહત્ત્વનું તો એ છે કે આજે ગુજરાતમાં, અમદાવાદમાં ABPL ગ્રૂપની ૧૬મી વર્ષ વર્ષગાંઠનો આરંભ થાય છે ત્યારે જે જન્મભૂમિ પર સ્વર્ગસ્થ ભૂપતભાઈ પારેખનો પરિવાર રહેતો હતો તે ભૂમિ પર તેમના જ બિલ્ડિંગમાં તેમની આ ઓફિસમાં સ્વ. ભૂપતભાઈ અને તેમના પત્ની સરલાબહેનની તસવીરોનું અનાવરણ કરીએ છીએ તે ભારે આનંદનો અને સર્વ માટે ગર્વનો પ્રસંગ છે. બધા સભ્યોને અભિનંદન. જયહિંદ’

એબીપીએલ ગ્રૂપ સાથે પેઢી જૂનો અતૂટ નાતો

વર્ષોથી ABPL ગ્રૂપ સાથે સંકળાયેલા ડો. ભાવેશભાઈ પારેખે આ પ્રસંગે જણાવ્યું હતું કે,‘અમદાવાદમાં આજના આ પ્રસંગે જ્યારે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર શ્રી સીબી. પટેલ ફેમિલી અને પારેખ ફેમિલી ઉપસ્થિત થયું છે ત્યારે શ્રી તુષારભાઈ જોશીએ શરુઆતમાં જ કહ્યું તેમ આપણે ૧૬મા વર્ષમાં માંગલિક પ્રવેશ કર્યો છે. ખાસ કરીને આજે મારા પિતાશ્રી અને માતુશ્રીની તસવીરોનું અનાવરણ કરાયું છે અને અમે હજુ પણ, અમારી પેઢી પણ આજે આ સંસ્થા સાથે જોડાયેલી છે અને આ સારો પ્રસંગ થયો છે અને આપણે બધા જ આ પ્રસંગ નિમિત્તે ભેગાં થયા છીએ. લંડનથી, ભારતમાંથી અને અમદાવાદથી અને ખાસ કરીને અહીંની ઓફિસમાંથી બધા જ સ્ટાફ અને મહેમાનો એકત્ર થયા છે તે બદલ મને ખરેખર ગર્વની લાગણી અનુભવાય છે. ભૂપતભાઈ પારેખ અને સીબી. પટેલનો સંગાથ, આ નવું જ ડિજિટલ ઈન્ડિયા કે કોરોના કાળમાં જે બન્યું તે રીતે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણે સહુ કોઈ આ રીતે ભેગા થયા છીએ તે જ રીતે હજુ આપણે સહુ કોઈ ૨૫મા વર્ષની ઉજવણીમાં સાથે મળીએ તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું.’
આ પછી, લંડનથી ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી શ્રી સીબી પટેલે. જણાવ્યું હતું કે, ‘ABPL ગ્રૂપના અમદાવાદ કાર્યાલયના ૧૬માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આપણે સહુ એકત્ર થયા છીએ. વિદેશમાં સક્રિય અને પ્રકાશિત ગુજરાતી અને ભારતીય ભાષાઓમાં અખબારોમાં ગુજરાત સમાચાર વિશિષ્ટ અને અગ્રસ્થાન ધરાવે છે. ABPL ગ્રૂપના ‘જ્ઞાનયજ્ઞ એ જ સેવાયજ્ઞ’ અભિયાનમાં આ સાપ્તાહિકોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત સમાચારની સફળતાના પાયામાં અમદાવાદ કાર્યાલયનું વિશેષ પ્રદાન છે. આ કાર્યાલયની સ્થાપનામાં વરિષ્ઠ પત્રકાર અને ગ્રૂપના શુભચિંતક સ્વર્ગસ્થ ભૂપતરાય પારેખનો અનન્ય ફાળો રહેલો છે. આપણે એમના ઋણી છીએ. આ પ્રસંગે કાર્યાલયમાં સ્વર્ગસ્થ ભૂપતભાઈ અને તેમના પત્ની સ્વ. સરલાબહેનની તસવીરોનું અનાવરણ ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી સુબોધચંદ્ર શાહના હસ્તે કરવામાં આવ્યું છે તેનો આનંદ છે.’
યુકેમાં બ્રાઈટન ગુજરાત કલ્ચરલ એસોસિયેશનના પ્રમુખ શ્રી ધીરુભાઈ ગઢવીએ પત્રકારત્વ અને સમાચારપત્રોને લોકશાહી અને સંસ્કૃતિના અખંડ પ્રહરી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકો થકી શ્રી સીબી. પટેલ યુકેસ્થિત ગુજરાતી અને ભારતીય ડાયસ્પોરાને સંસ્કૃતિને જાળવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
અમદાવાદ કાર્યાલયના પૂર્વ સંચાલક શ્રી કમલેશભાઈ અમીને જણાવ્યું હતું કે સીબી અંકલે મને અમદાવાદ કાર્યાલયમાં કામ કરવાની તક આપી તે બદલ હું તેમનો આભારી છું. મારી વર્તમાન કામગીરીમાં આ અનુભવ મને કામ લાગી રહ્યો છે. કાર્યક્રમના સમાપનમાં મહેમાનો અને કાર્યાલયના કર્મચારીગણે સાથે મળીને સ્વાદિષ્ટ વાનગીઓને માણી હતી.

મુખ્ય મહેમાનોનો પરિચય

• સ્વ. ભૂપતરાય ટી. પારેખઃ ABPL ગ્રૂપના સ્વજન, શુભચિંતક અને વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય ટોકરશી પારેખ ‘ગુજરાત સમાચાર’ના અમદાવાદ કાર્યાલયના સલાહકાર તંત્રી તથા ‘હિન્દુસ્થાન સમાચાર’ ન્યૂઝ એજન્સીના બ્યુરો ચીફ હતા. તેમણે અમદાવાદમાં જ બી.કોમ અને LLBના અભ્યાસ પછી બે વર્ષ સુધી વકીલાત કરી હતી. પત્રકારત્વ જગતમાં શ્રી ભૂપતરાય પારેખ નિખાલસ, પ્રામાણિક અને કદી પણ કોઈની શેહશરમમાં ન આવતા અને સાચેસાચું સંભળાવી દેવાની હિંમત ધરાવતા પત્રકાર તરીકે જાણીતા હતા. તેમણે ૨૦ વર્ષ સુધી બીબીસી રેડિયોના પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેઓ ગુજરાત અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ઘરોબાનો સંબંધ ધરાવતા હતા. શ્રી ભૂપતરાય પારેખ રાષ્ટ્રીય જૈન સેવા સંસ્થાનના સહસ્થાપક હતા. ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાપ્તાહિકો દ્વારા અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે હાથ ધરાયેલા અભિયાનમાં પણ તેમનું પ્રશંસનીય યોગદાન હતું. ABPL ગ્રૂપની જ્વલંત સફળતાના હિસ્સેદાર ભૂપતરાય પારેખનું ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૮૨ વર્ષની વયે નિધન થયું હતું.
• પૂર્વ જસ્ટિસ સુબોધચંદ્ર જી. શાહઃ ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુબોધચંદ્ર ગુણવંતલાલ શાહ હાલ આર્બિટ્રેટર (લવાદ) અને કન્સલ્ટન્ટ તરીકે કામગીરી બજાવે છે. તેઓ ૬ માર્ચ, ૧૯૯૭ના દિવસે કાનૂની સેવામાં જોડાયા હતા અને ૧૨ નવેમ્બર ૨૦૧૨ના દિવસે હાઈ કોર્ટના જજ તરીકે પદોન્નતિ મેળવી હતી. જસ્ટિસ શાહ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ના દિવસે નિવૃત્ત થયા છે. તેમણે વિદ્યાર્થીવસ્થામાં રાષ્ટ્રપતિના હાથે બેસ્ટ સ્કાઉટનો એવોર્ડ મેળવ્યો હતો. તેમણે ૧૯૯૭માં બીએસ.સીના સ્નાતક, ૧૯૮૧માં કાયદાની સ્નાતક અને ૧૯૮૭માં બંધારણ વિષય સાથે LL.M ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે ૧૯૮૧થી ફેબ્રુઆરી ૧૯૯૭ સુધી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી હતી. તેમણે વિવિધ કોર્ટ્સ, ટ્રિબ્યુનલ્સ અને કમિશન્સમાં સેવા આપી છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, સુપ્રીમ કોર્ટ, મદ્રાસ હાઈ કોર્ટ ગુજરાતની તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સમાં કોમ્પ્યુટરાઈઝેન પ્રોજેક્ટ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. તેમણે સીટી સિવિલ અને સેશન્સ જજ તેમજ સીબીઆઈ જજ તરીકે પણ કામગીરી બજાવી છે. જસ્ટિસ શાહે ભારતમાં સૌપ્રથમ વખત ઈ-કોર્ટનો ખયાલ વિકસાવ્યો હતો. ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ તરીકેની કારકીર્દિમાં તેમણે તમામ વિષયોના કેસીસ હાથ ધર્યા હતા અને ૧૨૬૦ દિવસમાં આશરે ૧૯,૮૩૨ ચુકાદા આપ્યા હતા.
• ડો. ભાવેશ બી. પારેખઃ અમદાવાદ સહિત ભારત અને વિદેશમાં જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશ બી. પારેખ શેલ્બી હોસ્પિટલ્સ ગ્રૂપના સીનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે સેવા આપે છે. તેમણે કેન્સરની સારવારને સંબંધિત થિસીસ લખવા ઉપરાંત, વિવિધ પેપર્સ પણ રજૂ કરેલા છે. તેઓ M.D- General Medicine અને D.M- Medical Oncologyની ડીગ્રી ધરાવે છે. D.M પછી MBA ડીગ્રી મેળવનાર તેઓ ગુજરાતના પ્રથમ ડોક્ટર છે. ડો. ભાવેશભાઈ ૧૪ વર્ષથી ગુજરાતના રાજ્યપાલના માનદ સલાહકાર તરીકે સેવા આપે છે. નેશનલ મેડિકલ સંસ્થા ICONના સ્થાપક સભ્ય ડો. ભાવેશભાઈ ૨૦થી વધુ વર્ષનો ક્લિનિકલ અનુભવ ધરાવે છે. તેઓ પાલીતાણાની છ ગાઉની યાત્રા કર્યા પછી છેલ્લા ૧૮ વર્ષથી જૈન સાધાર્મિક ભક્તિ કરવા સાથે જૈન સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ અને કેન્સરની સારવાર સાથે સંકળાયેલા છે.
• ડો. ઉર્વિબહેન બી. પારેખઃ ABPL ગ્રૂપના શુભચિંતક અને વરિષ્ઠ પત્રકાર સ્વર્ગસ્થ ભૂપતભાઈ ટી. પારેખના પુત્રવધુ અને ડો. ભાવેશ બી. પારેખના પત્ની ડો. ઉર્વિબહેન બી. પારેખ અમદાવાદના નિષ્ણાત ડાયાબેટોલોજિસ્ટ છે. તેઓ અનિયંત્રિત ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોન્સ સંબંધિત અનિયમિતતા સહિત વિવિધ મેડિકલ સારવારના નિષ્ણાત ડોક્ટર છે. ડો. ઉર્વિબહેન એબી પબ્લિકેશન ઇંડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.
• અંકિત શાહઃ અંકિત શાહ ગુજરાત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ સહિત તમામ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા સ્વતંત્ર ધારાશાસ્ત્રી છે. તેઓ નાણા મંત્રાલય તેમજ ભારત સરકાર અને ઈન્સ્યુરન્સ કંપની સહિત અનેક સંસ્થાઓમાં પેનલ એડવોકેટ તરીકે સ્થાન ધરાવે છે. તેમણે વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સમાં પણ કામગીરી બજાવી છે. અંકિતભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ (૨૦૦૧-૨૦૦૪) થયા પછી LLB (૨૦૦૪-૨૦૦૭) યુકેની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ કોમર્શિયલ લો વિષયમાં LLM (૨૦૦૭-૨૦૦૮)ની પદવી હાંસલ કરેલી છે. અંકિતભાઈ ગુજરાત હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુબોધચંદ્ર શાહ અને નોન-પ્રેક્ટિસિંગ લોયર આશાબહેન શાહના પુત્ર છે.
• હિરલ શાહઃ હિરલબહેન શાહ એબીપીએલ ગ્રૂપની અમદાવાદસ્થિત સહયોગી કંપની હોરાઈઝન એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગના ડાયરેક્ટર છે. તેઓ શૈક્ષણિક અને કોર્પોરેટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામગીરીનો વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે શૈક્ષણિક સંસ્થામાં મેનેજિંગ ડાયરેકટરનો હોદ્દો પણ સંભાળ્યો છે. તેમણે ૨૦૦૪માં કોમર્સ શાખાના સ્નાતક થયાં પછી બેન્કિંગ ડિપ્લોમા (AMA ૨૦૦૫), કાયદાના સ્નાતક (૨૦૦૭), MBA (ઓપરેશન્સ- ICFAI- ૨૦૧૨)ની પદવીઓ પ્રાપ્ત કરી છે. હિરલબહેન શાહે યુકેની કંપનીમાં ઓપરેશન્સ મેનેજર, એકાઉન્ટન્ટની કામગીરી પણ સુપેરે સંભાળી છે.

સ્થાપનાદિન પ્રસંગે દેશવિદેશથી ઓનલાઇન ઉપસ્થિતિ

ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ સુબોધચંદ્ર શાહ • આશાબહેન સુબોધચંદ્ર શાહ • ડો. ભાવેશ બી. પારેખ • ડો. ઉર્વિબહેન બી. પારેખ • અજીતભાઇ ગાંધી (અમદાવાદ) • ઋષિલ બી. પારેખ • જાણીતા ગાયિકા માયાબહેન દીપકભાઈ • દીપકભાઈ પંચાલ • ગુજરાત હાઈ કોર્ટના વકીલ અંકિત શાહ • હિરલબહેન એ. શાહ • જાણીતા પત્રકાર દિગંત સોમપુરા • ધીરુભાઈ ગઢવી, ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાઈટનના પ્રમુખ • અમદાવાદ કાર્યાલયના ભૂતપૂર્વ સીઇઓ શ્રી કમલેશભાઈ અમીન (વડોદરા) • બીનાબહેન કામદાર (કેન્યા) • જયેન્દ્રભાઈ પટેલ (માન્ચેસ્ટર-યુકે) • ભૂપતભાઈ મહેતા (માન્ચેસ્ટર-યુકે) • ચંદ્રકાન્તભાઈ મહેતા (બ્રાઈટન-યુકે) • અશ્વિનભાઈ દોશી (મોમ્બાસા-આફ્રિકા) • રાકેશભાઈ શેઠ (હોંગ કોંગ) • અમદાવાદ કાર્યાલયના પ્રથમ બ્યૂરો ચીફ ડો. સુરેશભાઈ સામાણી (રાજકોટ) • મોન્ટુભાઇ ઠક્કર (સત્યનારાયણ ડ્રાયફ્રૂટ્સ) • કૃણાલ ઠક્કર (દાસ ખમણ) • જય કાપડિયા (ડેલ્ટા એમાલ્ગમેશન) • પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ • કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહ • મેને. એડિટર કોકિલાબહેન પટેલ • એન્કર તુષાર જોષી • અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ નીલેશ પરમાર
• હાર્દિક શાહ • શ્રીજિત રાજન • કે.કે. જોસેફ • અચ્યુત સંઘવી • ખુશાલી દવે • જીતેન્દ્ર ઉમતિયા • કુંજન પંચાલ • સંદીપ ભાવસાર • કૌશલ ડાભી • જગદીશ અરોરા • હેમાંગ બારોટ • દિનેશ કડિયા • વિક્રમ નાયક

(તમામ ફોટો સૌજન્યઃ જાટકિયા સ્ટુડિયો)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter