વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર પદ માટે મધ્ય ગુજરાતના ભાદરણના વતની એવા કશ્યપ પટેલની પસંદગી કરી છે. મિત્રો-સ્વજનોમાં કાશ પટેલના નામે કશ્યપ પટેલ નિમણૂંક પ્રક્રિયાના ભાગરૂપે 30 જાન્યુઆરીએ કન્ફર્મેશન હિયરીંગ માટે સેનેટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ સમયે તેમણે કહેલા શબ્દો ‘જય શ્રી કૃષ્ણ’ અને તેમની કહેવાતી ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સની ઉપસ્થિતિ સમાચારોમાં છે.
કન્ફર્મેશન હિયરીંગ એ અમેરિકામાં ફેડરલ ગવર્મેન્ટના પદે નિમણૂંક પહેલા સેનેટની મંજૂરી માટેની પ્રક્રિયા છે. સેનેટ સમક્ષ બોલતા કાશ પટેલે પોતાના માતા-પિતા અંજનાબહેન અને પ્રમોદભાઇ આ પ્રસંગ માટે ખાસ ભારતથી આવ્યા હોવાનું તેમજ બહેન દરિયાપારથી આવી હોવાનું જણાવીને ‘જય શ્રી કૃષ્ણ’ કહ્યું હતું. સાથે જ તેમણે એફબીઆઇના વડા તરીકે નવા સુધારા લાગુ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરીને એફબીઆઈની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવાની ખાતરી આપી હતી.
કાશ પટેલના જય શ્રી કૃષ્ણ સાથે જ હિયરીંગ દરમિયાન તેમના સ્ત્રીમિત્ર એવા કન્ટ્રી મ્યુઝિક સિંગર એલેક્સિસ વિલ્કિન્સની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઈન્ટરનેટ પર કાશ પટેલ અને ગર્લફ્રેન્ડ વિલ્કિન્સના પ્રેમપ્રકરણ વિશે શોધખોળ ચાલતી રહી છે.
કાશ-એલેક્સિસ 2023થી સંપર્કમાં
અહેવાલો અનુસાર કાશ પટેલ અને 25 વર્ષીય એલેક્સિસ વિલ્કિન્સ જાન્યુઆરી 2023થી ડેટિંગ કરી રહ્યાં છે. કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની મુલાકાત 2022માં રીઅવેકન અમેરિકા ઈવેન્ટમાં થઈ હતી. બંને પ્રોફેશનલ જીવન ભારે વ્યસ્ત હોવાં છતાં તેમણે મજબૂત સંબંધો જાળવી રાખ્યા છે અને રિલેશનશિપ આગળ જાળવી રાખવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાય છે.
વિલ્કિન્સ કન્ઝર્વેટિવ વર્તુળો અને જમણેરી ઈવેન્ટ્સમાં જાણીતો ચહેરો છે. મીડિયા પર્સનાલિટી વિલ્કિન્સ રાજકીય અને સલાહકાર કામગીરીની સાથોસાથ કન્ટ્રી મ્યુઝિક સિંગર તરીકેની કારકિર્દીની સમતુલા સાધી રહી છે. મ્યુઝિક કારકિર્દી ઉપરાંત, વિલ્કિન્સ પોલિટિકલ કોમ્યુનિકેશન્સ, પોડકાસ્ટિંગ, ફીલાન્થ્રોપી અને જ્હોન વાયને કેન્સર ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલી છે. એલેક્સિસ વિલ્કિન્સનો ઉછેર મુખ્યત્વે આર્કાન્સાસમાં થયો છે પરંતુ, ઈંગ્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ તેણે બાળપણનો સમય વીતાવ્યો છે.