વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી સરકારમાં ભારતવંશી કાશ પટેલને ટોચની જાસૂસી એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર પદે નામાંકિત કર્યા છે. તેઓ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભ બાદ કાર્યભાર સંભાળશે પરંતુ ઇરાને તે પહેલા જ પટેલને પોતાના નિશાન પર લીધા છે. ઇરાની સાઇબર હેકર્સે કાશ પટેલના કમ્યુનિકેશન સાધનો પર સતત તાબડતોબ સાઈબર હુમલા કર્યા છે. હાલ એફબીઆઇ આ તપાસ કરી રહી છે કે ઈરાનના હેકર્સના હુમલામાં પટેલ સાથે જોડાયેલા ડેટા અથવા અન્ય સંપત્તિને કેટલું નુકસાન થયું છે. અહેવાલો અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા એફબીઆઈનું નેતૃત્વ સંભાળવા માટે પસંદ કરાયેલા કાશ પટેલને તાજેતરમાં જ સૂચના અપાઈ હતી કે તેઓ સંભવતઃ ઇરાન સમર્થિત સાઇબર હેકર્સના ટારગેટ પર છે. એફબીઆઇએ હાલ આ મુદ્દે કોઇ કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો છે.