FBIનું સુકાન સંભાળશે ભાદરણના કાશ પટેલ

Wednesday 04th December 2024 05:17 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. મૂળે મધ્ય ગુજરાતના ચરોતરના વતની કાશ પટેલ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પટેલને એફબીઆઇ ચીફ બનાવવા વાયદો કર્યો હતો જે હવે પૂરો કર્યો છે.
ટ્રમ્પે કાશ પટેલની વરણીની જાહેરાત કરતાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતુંઃ મને એ જાહેરાત કરતાં ગર્વ છે કે કાશ FBIના આગામી ડિરેક્ટર તરીકે કામ કરશે. કાશ એક શાનદાર વકીલ, ઈન્વેસ્ટિગેટર અને અમેરિકા ફર્સ્ટ વોરિયર છે જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ખર્ચી છે.
કાશ પટેલ એફબીઆઈના વર્તમાન ડિરેક્ટર ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે. ક્રિસ્ટોફરને 2017માં ટ્રમ્પ દ્વારા જ FBIના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા, પરંતુ હવે ટ્રમ્પ ક્રિસ્ટોફર રેના કામથી ખુશ ન હોવાના અહેવાલ છે.
ટ્રમ્પ ટીમમાં નિર્ણાયક ભૂમિકા
ટ્રમ્પના આ વખતના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન કાશ પટેલે તેમના લીગલ એડવાઈઝર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પ્રચાર અભિયાન દરમિયાન ટ્રમ્પ સામે ઊભા થતા સવાલો સંદર્ભે પટેલ જ મીડિયાને જવાબ આપતા હતા. FBI અમેરિકાની સર્વોચ્ચ રાષ્ટ્રીય તપાસનીશ એજન્સી છે.
કાશ પટેલે રશિયન કાવતરાંના કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે આ મુદ્દે સત્ય, જવાબદારી અને બંધારણ પ્રત્યે તેમના સમર્પણ તરીકે કાશ પટેલની પ્રશંસા કરી હતી. કાશ પટેલે ગુપ્ત માહિતી લીક કરનારા સરકારી અધિકારીઓ પર આકરી કાર્યવાહી અને પત્રકારો વિરુદ્ધના કાયદામાં સુધારાની ભલામણ કરી છે. કાશ પટેલે કહ્યું હતું કે, અમે સરકાર અને મીડિયામાં રહેલા ટ્રમ્પના વિરોધી કાવતરાંખોરોને શોધી કાઢીશું. અમે તેમના વિરુદ્ધ ફોજદારી અથવા દિવાની કાર્યવાહી કરીશું.
કાશ પટેલ ટ્રમ્પના પ્રમુખ તરીકેના પાછલા કાર્યકાળમાં પણ મહત્વના પદો પર કામ કરી ચૂક્યા છે. 2017માં ટ્રમ્પ તંત્રના છેલ્લા કેટલાક સપ્તાહોમાં કાશ પટેલ સંરક્ષણ પ્રધાનના ચીફ ઓફ સ્ટાક તરીકે સેવા આપી ચૂક્યા છે. તે સમયે કાશ પટેલે આઈએસઆઈએસ, અલ-બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદાના આતંકીને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અમેરિકન બંધકોને સ્વદેશ લાવવામાં પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, કાશ પટેલે મારા પહેલાં કાર્યકાળમાં અભૂતપૂર્વ કામગીરી કરી હતી, જેમાં તેમણે સંરક્ષણ વિભાગમાં ચીફ ઓફ સ્ટાફ અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં કાઉન્ટર ટેરરિઝમના સિનિયર ડિરેક્ટર તથા નેશનલ ઈન્ટેલિજન્સના ડેપ્યુટી ડિરેક્ટર તરીકેની કામગીરીનો સમાવેશ થાય છે. કાશ પટેલના નેતૃત્વમાં એફબીઆઈ સરહદ પારથી ચાલતા ડ્રગ ટ્રાફિકિંગ અને માનવ તસ્કરી જેવાં દૂષણો અટકાવશે અને માઈગ્રન્ટ કિમિનલ ગેંગ્સનો સફાયો કરીને અમેરિકામાં વધતી ગૂનાખોરીનો અંત લાવશે.
સેનેટથી મંજૂરી જરૂરી
કાશ પટેલના નોમિનેશનની સેનેટમાં મંજૂરી લેવી પડશે. સેનેટમાં ટ્રમ્પના 100માંથી 53 સેનેટર છે. કાશ પટેલની નિમણૂંકનો કાર્યકાળ 10 વર્ષનો થશે. હાલના એફબીઆઈ ચીફ ક્રિસ્ટોફરને ટ્રમ્પે જ 2017માં નિયુક્ત કર્યા હતા. હવે તેમને રાજીનામું આપવું પડશે અને ટ્રમ્પ તેમને હટાવી દેશે.
કોણ છે કાશ પટેલ?
કાશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ (44વર્ષ) છે. તેમનો પરિવાર મધ્ય ગુજરાતના ભાદરણનો વતની છે. કાશ પટેલના વડવાઓ એક સમયે મોટી ખડકીમાં રહેતા હતા. જ્યારે તેમના ફુઆ અરુણભાઇ ધર્મજના વતની છે.
સમયાંતરે તેમના માતા-પિતા યુગાન્ડામાં સ્થાયી થયા હતા અને 1970ના અરસામાં અમેરિકા આવીને વસ્યા હતા. થોડા સમય માટે તેમનો પરિવાર કેનેડામાં પણ રહ્યો હતો.
કાશનો જન્મ 1980માં ન્યૂ યોર્કના ગાર્ડન સિટીમાં થયો હતો. કાશે કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાની રિચમંડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. લો ગ્રેજ્યુએશન બાદ 2005માં તેઓ ફ્લોરિડાના સરકારી વકીલ બન્યા હતા. આ પછી તેઓ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા, જ્યાં તેઓ હાઈપ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય આતંકવાદના કેસની જવાબદારી સંભાળતા હતા.
સમયના વહેવા સાથે 2015માં તેઓ ટ્રમ્પ સાથે જોડાયા અને થોડાક સમયમાં તેમણે ટ્રમ્પની કોર ટીમમાં સ્થાન મેળવી લીધું હતું. વર્ષ 2017માં, તેઓ ગુપ્તચર બાબતની ગૃહ સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા. તેમને રિપબ્લિકન પાર્ટી અને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે.
કાશ પટેલ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ પોલિસી’ પ્રખર સમર્થક છે. તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે કાશ પટેલને મહત્વની જવાબદારીઓ સોંપી હતી, કાશ પટેલે તે સુપેરે નિભાવી પણ હતી.
આજે પણ ગુજરાતી હોવાનું ગૌરવ
કાશ પટેલ આજે પણ ગુજરાતી હોવા અંગે ભારે ગૌરવ અનુભવે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું ગર્વ સાથે કહી શકું છું કે હું ગુજરાતી છું.
કાશ પટેલે અયોધ્યામાં રામ મંદિરનિર્માણના પણ સમર્થક રહ્યા છે. આ મુદ્દે તેમણે કરેલા નિવેદનથી ભારતીયોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. કાશ પટેલે કહ્યું હતું કે વિદેશી મીડિયા અયોધ્યાની 50 વર્ષોની વાતો કરી રહ્યું છે, પરંતુ તેઓ કદાચ એ નથી જાણતા કે રામ મંદિરનો ઇતિહાસ તો 500 વર્ષ જૂનો છે! તેઓ રામ મંદિરના ઐતિહાસિક મૂલ્યને હજુ ખરા અર્થમાં દર્શાવી જ શક્યા નથી. કાશ પટેલ રામ મંદિર નિર્માણને સતત સમર્થન આપ્યું છે, એટલું જ નહીં જ્યારે જ્યારે કોઇએ રામ મંદિર નિર્માણની વિરુદ્ધ નિવેદન આપ્યું છે ત્યારે તેમને જડબાતોડ જવાબો પણ આપ્યા હતા.
ટ્રમ્પ ટીમમાં હવે ત્રણ ભારતવંશી
એફબીઆઇના વડા તરીકે કાશ પટેલની નિમણૂક સાથે જ ટ્રમ્પ ટીમમાં મહત્ત્વના સ્થાનો ભારતવંશીઓની સંખ્યા ત્રણ થઇ છે. ટ્રમ્પ ટીમમાં સૌથી પહેલા વિવેક રામાસ્વામીની નિમણૂક થઇ હતી. તેઓ ભારતવંશી ઉદ્યમી છે. ટ્રમ્પની તરફેણમાં ચૂંટણી રેસથી હટ્યા હતા. હવે એલન મસ્કની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં સહપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટીમમાં બીજી મહત્ત્વની નિમણૂક ડો. જય ભટ્ટાચાર્યની કરી હતી. કોલકતામાં જન્મેલા ભટ્ટાચાર્યની વરણી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમના માથે અમેરિકાની સરકારી હોસ્પિટલની જવાબદારી હશે.

કાશ પટેલની નિમણૂકની સાથે સાથે...
• નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને પેન્ટાગોનમાં ડેપ્યૂટી રહી ચૂક્યા છે કાશ પટેલ. • ટ્રમ્પે પહેલા કાર્યકાળના અંતમાં 2020માં કાશ પટેલને એફબીઆઈ ચીફ બનાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ જરૂરી સમર્થન નહીં મળવાના કારણે તેઓ આવું નહોતા કરી શક્યા. • કાશ પટેલ એફબીઆઈ હેડક્વાર્ટરને બંધ કરી ત્યાં મ્યુઝિયમ ખોલવાનું વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે. • એફબીઆઈની કાર્યપ્રણાલીમાં પારદર્શિતાના હિમાયતી કાશ પટેલ કાર્યોને સીમિત કરવા માંગે છે. • એફબીઆઈ પાસે ટ્રમ્પની વિરુદ્ધ સિક્રેટ ફાઈલને પોતાના ફ્લોરિડાવાળા નિવાસસ્થાને લઈ જવાનો મામલો ચાલી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter