અમદાવાદઃ શહેર કે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં પોતાનાં લોકકાર્યો માટે જાણીતા અને ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન પંકજ પટેલને શિક્ષણક્ષેત્રે મહત્ત્વની કામગીરી સોંપવામાં આવી છે. IIMના અમદાવાદ બોર્ડના ચેરમેનપદે કુમાર મંગલમ્ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પંકજ પટેલને ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે.
ઝાયડસ કેડિલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પંકજ પટેલ સતત 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યપદે હતા. આમ ચરોતરના ભાદરણના વતની હવે IIM અમદાવાદના 14મા અધ્યક્ષ બન્યા છે.
દેશની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ અબજોપતિ ઉદ્યોગપતિ છે. ગુજરાત યુનિવર્સિટીથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ પંકજ પટેલ તેમના પિતા રમણભાઈ પટેલ દ્વારા 1952માં સ્થાપિત કરવામાં આવેલી કેડિલા હેલ્થકેરમાં જોડાયા.
જોકે પંકજભાઇ પોતાના વિઝન અને જાતમહેનતથી કંપનીને એક નવી જ ઊંચાઇએ લઇ ગયા. આજે ઝાયડસ ગ્રૂપ ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપરાંત હોસ્પિટલ ચેઇન, રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, શિક્ષણ સંસ્થાન સહિત અનેકવિધ ક્ષેત્રે કાર્યરત છે. ઝાયડસ ગ્રૂપ આજે પંકજભાઇ અને તેમના પુત્ર શર્વિલભાઇના નેતૃત્વમાં સફળતા પંથે હરણફાળ ભરી રહ્યું છે.
પંકજ પટેલે વર્ષ 1961થી શરૂ કરેલી તેમની સફરમાં અનેક પડાવ આવ્યા, જેમાં તેઓ સતત સફળતાનાં નીતનવા શિખરો પ્રાપ્ત કરતા રહ્યા. વર્ષ 2017માં પંકજ પટેલને FICCIના ચેરમેન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ - કોલકાતા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી - ભુવનેશ્વરના બોર્ડ ઓફ ગવર્નન્સ, IIM ઉદયપુરના અધ્યક્ષ, અમદાવાદ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીનું સભ્યપદ પણ તેઓ શોભાવી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સના પ્રમુખ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્ય, ગુજરાત કેન્સર સોસાયટીના કાર્યકારી અધ્યક્ષ અને ટ્રસ્ટી ઉપરાંત ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થાના અધ્યક્ષ પણ છે.
ફાર્મા ક્ષેત્રે તેમના પ્રદાન બદલ પંકજ પટેલને ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એન્ડ ઇકોનોમિસ્ટ દ્વારા ‘ફાર્મા મેન ઓફ ધ યર - 2003’જાહેર કરવામાં આવ્યા હતા. આ સમયે પંકજ પટેલે ઝાયડસ કેડિલા 2005 સુધીમાં દેશની ત્રીજી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની બનાવવાની આગાહી કરી હતી.
2015માં અમદાવાદમાં શરૂ કરેલી ઝાયડસ કેડિલા હોસ્પિટલ બાદ હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રે કંપનીએ એક મોટી સાંકળ રચી. જેમાં અન્ય એકમો આણંદ અને બરોડા ખાતે ખોલવામાં આવ્યાં. આ ઉપરાંત ઝાયડસ ગ્રૂપે સુઝુકી સાથેના સંયુક્ત સાહસરૂપે સીતાપુરમાં પણ એક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ કરી. આ સાથે ગરીબોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પંકજ પટેલ અને તેમની કંપનીએ ગુજરાત સરકાર સાથે મેડિકલ કોલેજ આરોગ્ય નીતિ - 2016 અંતર્ગત PPP ધોરણે સેલ્ફ ફાઇનાન્સ બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરી.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર
સંપત્તિની દૃષ્ટિએ વાત કરીએ તો પંકજ પટેલ $4.2 બિલિયન ડોલરથી વધુ છે અને વિશ્વમાં 661મું સ્થાન ધરાવે છે. કેડિલા હેલ્થકેરની વાર્ષિક આવક $1.1 બિલિયન છે અને તે યુનાઇટેડ સ્ટેટ્સમાં હેપેટાઇટિસ-સી દવા સોવાલ્ડીના અગ્રણી વિક્રેતા કંપની છે. આ સિવાય કોરોનાના કપરા કાળમાં પંકજ પટેલની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીને ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ઝાયડસ કેડિલાને કોવિડ-19 વેક્સિનના ફેઝ-1 અને ફેઝ-2ના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે દેશની બીજી કંપનીને આ મંજૂરી અપાઈ હતી. જે બાદ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીએ વિશ્વની સૌપ્રથમ ડીએનએ આધારિત કોવિડ-19 વેક્સિન ZyCoV-D લોન્ચ કરી હતી, જે બાદ બાળકોના ઝડપી રસીકરણમાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
મારા માટે ગૌરવની ઘડીઃ પંકજ પટેલ
પંકજ પટેલ આ અંગે જણાવે છે કે અત્યારે વૃદ્ધિનો તબક્કો ચાલી રહ્યો છે અને આ તબક્કામાં મારી નિમણૂક IIM-Aના અધ્યક્ષપદે થઈ છે તે ખૂબ મહત્ત્વનું છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં મહત્ત્વનું પદ અપાતાં હું ખૂબ ઉત્સાહમાં છું. મને ગૌરવ છે કે મને બોર્ડ ઓફ ગવર્નન્સ, ફેકલ્ટી મેમ્બર, વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર સાથે કામ કરવાની વધુ એક તક પ્રાપ્ત થઈ. મને આશા છે કે મારા અનુભવથી સંસ્થાને ફાયદો થશે. આ સાથે પંકજ પટેલે IIMને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવાની પણ નેમ વ્યક્ત કરી છે. પંકજ પટેલે જણાવ્યું કે, હવે IIMને ગ્લોબલ બનાવવા તરફનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ IIMને વિશ્વની ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા હવે સતત પ્રયત્નશીલ રહીશ. બની શકે કે IIMને હવે દુબઈમાં પણ ખોલવામાં આવે.
વિશ્વસ્તરે આઇઆઇએમનું નામ શોભાવતા દિગ્ગજો
ઉલ્લેખનીય છે કે, IIMના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં લગભગ તમામ ક્ષેત્રે પોતાની અને IIMની અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે. જેમાં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, Info Edge અને નોકરી.કોમના સ્થાપક અને અશોકા યુનિ.ના સહસ્થાપક સંજીવ બિખચંદાની, ઇન્ફોસિસ અને ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક ઓફ બ્રિક્સના ચીફ તરીકે સેવા આપી ચૂકેલા કે.વી. કામથ, ભારત સરકારના ચીફ ઇકોનોમિક એડવાઇસર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ, MakeMyTripના સ્થાપક દીપ કાલરા, જાણીતા લેખક ચેતન ભગત, ક્રિકેટ કોમેન્ટેટર અને પત્રકાર હર્ષા ભોગલે, નાસ્કોમના પૂર્વ અધ્યક્ષ કિરણ કર્ણિક, માસ્ટરકાર્ડના CEO અજયપાલસિંહ બાંગા અને ઉદ્યોગપતિ મનવિન્દરસિંહ બાંગા પણ IIM-Aના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે.
આઇઆઇએમ-અમદાવાદઃ ઇતિહાસમાં ડોકિયું
ગુજરાતમાં એક જમાનામાં જ્યારે સંસ્કારી નગરી વડોદરાનો શિક્ષણક્ષેત્રે ડંકો વાગતો હતો, ત્યારે અમદાવાદમાં શિક્ષણક્ષેત્રે ખાસ કોઈ વ્યવસ્થા ન હોવાથી મેધાવી વિદ્યાર્થીઓને વધુ ભણતર માટે રાજ્ય અને દેશનાં અન્ય શહેરો અથવા વિદેશ કૂચ કરવી પડતી હતી. આ સ્થિતિને ડો. વિક્રમ સારાભાઈ ઉપરાંત અમદાવાદ શહેરના જૈન શ્રેષ્ઠીઓ સહિતના ઉદ્યોગપતિઓએ ગંભીરતાથી લીધી. તેઓ મક્કમપણે માની રહ્યા હતા કે શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, પરિવહન ગુજરાતી સમાજ માટે ખૂબ મહત્ત્વનાં છે, જે તેમને પ્રાપ્ત થઈ રહ્યાં નથી. આ વિભૂતિઓના અથાગ પરિશ્રમથી 1961માં ભારત સરકાર, ગુજરાત સરકાર અને ઉદ્યોગકારોની સક્રિય ભાગીદારીથી એક સ્વાયત્ત સંસ્થા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદ (IIM-A)ની સ્થાપના કરવામાં આવી. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિશાળપાયે જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી, જેમાં એચ.એલ. કોલેજ, એલ.ડી. આર્ટ્સ, એમ.જી. સાયન્સ, એલ.એમ. ફાર્મસી. એ.જી. ટીચર્સ, એ.જી. હાઇસ્કૂલ, સ્કૂલ ઓફ આર્કિટેક્ટ, સ્કૂલ ઓફ પ્લાનિંગ, સ્કૂલ ઓફ બિલ્ડિંગ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, હઠીસિંહ આર્ટ ગેલેરી, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, એ.ઈ.એસ. ઇંગ્લિશ સ્કૂલ બાદ આકાર પામ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજનેન્ટ – અમદાવાદ.