અમદાવાદઃ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતી (NRG) કમિટીના ચેરમેનપદે અમદાવાદના દિગંત સોમપુરાની વરણી કરાઇ છે. રાજ્યના બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અંતર્ગત એનઆરજી ફાઉન્ડેશન સ્થપાયું છે. રાજ્ય બહાર વસતા ગુજરાતીને આર્થિક, વ્યાપારિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે રાજ્ય સાથે સાંકળવા માટે એનઆરજી ફાઉન્ડેશન રચાયું છે. આ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાં NRG કમિટી કાર્યરત છે. એનઆરજી ફાઉન્ડેશન ગુજરાત વેપારી મહામંડળના સહયોગથી NRG કમિટીનું સંચાલન કરીને બિનનિવાસી ગુજરાતીને ગુજરાત સાથે સાંકળે છે. જેમાં અમદાવાદમાં NRG કમિટીનાં ચેરમેન તરીકે દિગંત સોમપુરાની વરણી કરાઇ છે. દિગંત સોમપુરા અમેરિકાસ્થિત ભારતીય અખબારો અને વિશ્વભરનાં ગુજરાતી સંગઠનો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ અમદાવાદસ્થિત યુકે દૂતાવાસમાં રાજકીય સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.