દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે એનઆરઆઇ સિઝન. વિવિધ દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયે વતનની મુલાકાતે આવે છે. આ એનઆરઆઇના બે જ મુખ્ય ઉદ્દેશ હોય છે - સ્વજનો સાથે મિલન-મુલાકાત અને કપડાં - જ્વેલરી સહિતની વિવિધ ચીજવસ્તુઓની ધૂમ ખરીદી. તે ઉપરાંત પ્રોપર્ટીની ખરીદી તેમજ નાની-મોટી બીમારીની સારવાર, વિવિધ સ્થળોના યાત્રા-પ્રવાસ વગેરે તો ખરું જ. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પર આકરા નિયંત્રણો અમલી હોવાથી એનઆરઆઇ તેમના વતનની મુલાકાતે પહોંચી શક્યા નથી. આમ તેમને તો વતન-વિરહ સહન કરવો પડ્યો જ છે, સાથેસાથે ગુજરાતના વેપારીઓને પણ આકરો આર્થિક ફટકો ખમવો પડ્યો છે. તેમાં વિવિધ પ્રકારના વ્યવસાયનો સમાવેશ થાય છે. વર્ષભરની કમાણીનો મહત્તમ હિસ્સો એનઆરઆઇ સિઝન દરમિયાન રળી લેતા વેપારી વર્ગની વ્યથા-કથા તેમના જ શબ્દોમાંઃ
સરેરાશ ૯૦ ટકા જેટલી ખોટ
કોવિડ – ૧૯ના કારણે લોકડાઉન જાહેર થતાં જ ફોટોગ્રાફી - વીડિયોગ્રાફીનો વ્યવસાય ૧૦૦ ટકા બંધ રહ્યો હતો. લોકડાઉન ખૂલવા છતાં સ્થાનિક ફંક્શનના ઓર્ડર મળતાં થયાં, પણ તે દર વર્ષની સરખામણીએ માત્ર ૧૦થી ૧૫ ટકા જેટલાં જ છે. વળી પડતામાં પાટુની જેમ અન્ય દેશોમાં અને ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને વિદેશવાસીઓની ભારતમાં અવરજવર પણ ખૂબ જ ઓછી કે નહીંવત ગણી શકાય તેવી જ રહી. સામાન્ય રીતે વિદેશવાસીઓ ભારત આવે ત્યારે તેઓ વતનમાં લગ્નથી માંડીને ઘણા પારંપરિક ફંક્શનનું આયોજન કરે છે. દર વર્ષે સામાન્ય રીતે એનઆરઆઈના ૩૦થી વધુ પ્રસંગોનાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના ફંક્શનના ઓર્ડર હોય છે. એમાં પણ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી જેવા ગાળામાં એક મહિનામાં ૩ કે તેથી વધુ એનઆરઆઈના ફંક્શનના ઓર્ડર હોય છે. એનઆરઆઈ ગ્રાહકોને ફંકશન્સ માટે પ્રીમિયમ પેકેજ પરવડી શકે તેમ હોવાથી તેઓ ફંક્શન માટે હજારોથી લાખો રૂપિયાના પેકેજ લેતા હોય છે. આ વર્ષે એક પણ એનઆરઆઈ ફંક્શનનું બુકિંગ આવ્યું નથી તેથી કહી શકાય કે વ્યવસાયમાં સરેરાશ ૯૦ ટકા જેટલી ખોટ થઈ છે અને એનઆરઆઈ ફંક્શન્સ મામલે તો ૧૦૦ ટકા જેટલી ખોટ નોંધાઈ છે. - સાગર ભાવસાર (ફોટોગ્રાફર- વીડિયોગ્રાફર, અમદાવાદ)
એનઆરઆઈ લગ્નો - ફંક્શન ન થતાં આર્થિક નુક્સાન
વૈશ્વિક ધોરણે કોરોનાની મહામારીના કારણે આમ તો દરેક વ્યવસાયને ઓછા-વત્તા પ્રમાણમાં મંદી આવી છે. લોકડાઉન પછી તો બ્યુટી કેર – બ્યુટી પાર્લરનો બિઝનેસ બેથી ૩ મહિના ૧૦૦ ટકા બંધ જ રહ્યો હતો. અંશતઃ લોકડાઉન ખૂલ્યા પછી અને બ્યુટી પાર્લરમાં ગ્રાહકોને કોરોનાની ગાઈડલાઈન અનુસરવા સાથે મંજૂરી મળતાં બ્યુટી પાર્લર ખોલવામાં આવ્યું છે. જોકે વિદેશથી એનઆરઆઈ આ વર્ષે ભારત આવી શક્યા નથી તેથી સ્થાનિક ગ્રાહકોની અવર-જવર જ બ્યુટી પાર્લરમાં વધુ રહે છે. સામાન્ય રીતે દર વર્ષે એનઆરઆઈ લગ્નો કે ફંક્શન્સમાં પણ બ્યુટિશિયન્સની સારી એવી માગ રહે છે, પણ આ વખતે એનઆરઆઈ લગ્નો કે ફંક્શન્સ માટેના બુકિંગ પણ નહીંવત જેવા મળતાં બ્યુટિશિયન્સને ભારે આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે. - રેખાબહેન શાહ (રોશની બ્યુટી પાર્લર, અમદાવાદ)
યુએસ – યુકેના દર્દીઓની સંખ્યા ઝીરો
કોરોનાની સ્થિતિમાં માર્ચ, ૨૦૨૦થી લગભગ દોઢથી બે મહિના તો અમારી ડેન્ટલ કેર સર્વિસ સાવ બંધ જ રહી હતી. મે મહિનાથી દિવાળી સુધીમાં કોરોનાની ગાઈડલાઈન અનુસરીને ડેન્ટલ કેર – ટ્રીટમેન્ટ શરૂ કરાઈ અને દર વર્ષની સરખામણીએ ૬૦થી ૭૦ ટકા જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી. પાંચ ટકા જેટલા એનઆરઆઈ દર્દીઓ પણ આફ્રિકા - દુબઈના રહ્યા. યુએસ, યુકે - યુરોપિયન દેશોમાંથી ડેન્ટલના દર્દીઓની સંખ્યા નહીંવત રહી છે. સામાન્ય રીતે વિદેશમાંથી આવતા દાંતનાં દર્દીઓ વતનમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવાના આગ્રહી એ માટે હોય છે કે, તેમને અહીં વેઈટિંગમાં રહેવું પડતું નથી અને અપોઈન્ટમેન્ટ સરળતાથી મળી રહેતી હોય છે જેથી ઝડપી ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ શકે છે. આર્થિક રીતે પણ ભારતમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ સોંઘી પડે છે. કોરોનાની મુશ્કેલીના કારણે એનઆરઆઈ દર્દીઓ ભારત આવી શક્યા નથી તેથી તેમને મુશ્કેલી પડી છે તો અહીં ડેન્ટલ કેર વ્યવસાયને પણ આર્થિક ખોટ ઊભી થઈ જ છે. આ ઉપરાંત કેટલાક ડેન્ટલ પેશન્ટ નવેમ્બર, ડિસેમ્બર - ૨૦૧૯ કે જાન્યુઆરી - ૨૦૨૦માં ઈમ્પ્લાન્ટ માટેની સર્જરી કરાવીને વિદેશ પાછા ફર્યા હતા. તેઓ ફરી વખત ભારત આવે ત્યારે દાંત ફિટ કરાવશે તેવીગણતરી હોય એ દર્દીઓ દાંત ફિટ કરાવવા માટે ભારત આવી શક્યા નથી. - ડો. મેહુલ ખાખરિયા અને ડો. શ્વાતિ મેહુલ ખાખરિયા (માધવ ડેન્ટલ ક્લિનિક, જામનગર)
એનઆરઆઈની ઘરાકી ૨૦ ટકા પણ નથી
વડોદરામાં આવેલા ગણદેવીકર જ્વેલર્સના માલિક સુનીલ ગણદેવીકરે જણાવ્યું કે શહેરમાં તેમના પરિવારના ચાર શોરૂમ છે અને નવેમ્બરથી ફેબ્રુઆરીની સિઝનમાં તેમના દરેક શો રૂમમાં રૂ. ૫૦ લાખનું ટર્નઓવર થતું હોય છે. જેમાં અંદાજે રૂ. ૨૦ લાખ એનઆરઆઈનું અને રૂ. ૩૦ લાખ લોકલ રહે છે. તેમના માંડવી ખાતે આવેલા શો રૂમ પર આ સીઝનમાં દરરોજ લગભગ ૧૦ એનઆરઆઈ આવતા હોય છે. તે જોતાં ત્રણ મહિનામાં અંદાજે ૭૫૦ એનઆરઆઈની ઘરાકી રહેતી હતી. જોકે, આ વર્ષે તેમની ૨૦ ટકા પણ ઘરાકી નથી. જે એનઆરઆઈ આવ્યા છે તે કોરોના અને બર્ડફ્લૂના ગભરાટભર્યા વાતાવરણમાં બહાર નીકળવાનું ટાળે છે. સામાન્ય રીતે લોકો લગ્નપ્રસંગે પહેરવા માટે ઘરેણાં લેતા હોય છે. પરંતુ, હાલ તો લગ્નમાં પણ ખૂબ ઓછાં લોકોને પરવાનગી અપાતી હોવાથી તેઓ દાગીનાની ખરીદી કરવાનું ટાળે છે. તેમણે કહ્યું કે મંદીને લીધે ઘણાં જ્વેલર્સે બિઝનેસ બદલી નાખ્યો છે. કેટલાંક રીયલ એસ્ટેટમાં તો કેટલાંક અન્ય ક્ષેત્રોમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. - સુનીલ ગણદેવીકર (ગણદેવીકર જ્વેલર્સ, વડોદરા)
અમેરિકાથી દર્દી આવી રહ્યાાં છે
આણંદ ખાતે આવેલી આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. નયનાબેન જણાવ્યું કે ગયા માર્ચથી તેમની હોસ્પિટલમાં આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવા આવતા પેશન્ટ્સની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. કોવિડને લીધે ઘણાં દર્દીઓએ તેમની ટ્રીટમેન્ટ રદ કરાવી હતી. તેમને ત્યાં આવતા એનઆરઆઈની સંખ્યામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રોજના ૧૦ જેટલાં એનઆરઆઈ આવતા હોય છે. તેને બદલે આ વર્ષે માત્ર ૭૦થી ૭૨ પેશન્ટ આવ્યા છે. તેમને ત્યાં આ સારવાર માટે યુકે, યુએસએ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી દર્દીઓ આવે છે. તેમણે ઉમેર્યું કે, હાલ અમેરિકાથી પેશન્ટ આવે છે. યુકેથી અગાઉ પેશન્ટ્સ આવી ગયા. પરંતુ, હવે ત્યાં ફરી લોકડાઉન હોવાથી દર્દીઓ તેમની એપોઈન્ટમેન્ટ કેન્સલ કરાવે છે. બાકીના દેશોમાંથી એક પણ પેશન્ટ આવ્યું નથી. ડો.નયનાબેનના જણાવ્યા મુજબ ઘણાં દર્દીઓ કોવિડના ગાળામાં પ્રેગનન્સી ધારણ કરતા ગભરાતા હતા હવે તેઓ ટ્રાવેલ નિયંત્રણોને લીધે તેમજ વેક્સિન લીધા પછી તરત જ પ્રેગનન્સી રાખવી કે નહીં તે બાબતે અવઢવ અનુભવતા હોવાથી પણ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે, જે લોકો આ સારવાર મેળવવા માટે ઉત્સુક છે તેઓ આ સમયમાં ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે.
- ડો. નયનાબેન પટેલ (આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, આણંદ)
કોરોના કાળનો ઉપયોગ ડાઈવર્સિફિકેશનમાં કર્યો
ફ્લેમિંગો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર રત્નાબહેન શાહ કહે છે કે ટુરિઝમ અને ટ્રાવેલિંગ બિઝનેસને કોરોના કાળમાં વિપરીત અસર ચોક્કસ નડી છે અને ડિસેમ્બર ૨૦૨૧ સુધી તેની અસર રહેવાની સંભાવના પણ છે. જોકે, તેમની કંપનીએ કોરોના મહામારીના ગાળાનો ઉપયોગ ભાવિ આયોજનો માટે કર્યો છે અને મેડિકલ ટુરિઝમ, વેલનેસ, સ્ટુડન્ટ એજ્યુકેશન તેમજ વેબસાઈટ્સ, ડિજિટલ કન્સલ્ટન્સી સહિતના ક્ષેત્રોમાં ડાઈવર્સિફિકેશન કર્યું છે. આગામી NRI સીઝનમાં કસ્ટમર્સને તેની સેવાઓ પણ આપવામાં આવશે.
- રત્નાબહેન શાહ (બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ફ્લેમિંગો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ)
એનઆરઆઈ બિઝનેસમાં કોઈ ઘટાડો નથી
વડોદરામાં પ્રોપર્ટી બિઝનેસ સાથે સંકળાયેલા પંડિત રિયલ્ટી એન્ડ ઈન્ફ્રા સોલ્યુશન્સના રાજુભાઈ પંડિતે જણાવ્યું કે કોરોનાના કારણે એનઆરઆઈ બિઝનેસમાં કોઈ જ ઘટાડો થયો નથી. ઉપરથી તેમાં ભારે વધારો થયો છે. તેમના જણાવ્યા મુજબ રેસિડેન્સિયલ પ્રોપર્ટીની ખરીદીમાં એનઆરઆઈનો ઝોક ખૂબ વધી ગયો છે. એનઆરઆઈની વીકેન્ડ હાઉસ જેવી ઈન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી તથા ફ્લેટની માંગમાં ભારે વધારો થયો છે. અગાઉ રેસિડેન્સિયલ માર્કેટ ખૂબ મંદીમાં હતું. તેમાં હાલ ૨૫થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સામે કોમર્શિયલ માર્કેટ ૨૫થી ૩૦ ટકા ડાઉન થયું છે. તેમણે ઉમેર્યું કે કોરોનાની સ્થિતિનો ભારતે જે રીતે સામનો કર્યો છે તેનાથી સૌ પ્રભાવિત છે. સૌના મતે આ સ્થિતિમાં અન્ય દેશો કરતાં ભારત ખૂબ સુરક્ષિત છે. હવે તો લગભગ દરેક એનઆરઆઈ માને છે કે વતનમાં પોતાનું ઘર હોવું જ જોઈએ જેથી મુશ્કેલીના સમયમાં ત્યાં શિફ્ટ થઈ શકાય. એનઆરઆઈની પસંદગીના શહેરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, આણંદ અને નાસિકનો સમાવેશ થાય છે. જોકે, એનઆરઆઈની તકલીફ એટલી છે કે હાલ તેઓ કોવિડના નિયંત્રણોને લીધે ભારત આવી શકતા નથી.
- રાજુભાઈ પંડિત (પંડિત રિયલ્ટી એન્ડ ઈન્ફ્રા સોલ્યુશન્સ, વડોદરા)
૯ મહિનામાં સર્જરી માટે કોઈ પેશન્ટ આવ્યા નથી
અમદાવાદમાં એશિયન બેરિયાટ્રિક સર્જરી સેન્ટરના સ્થાપક ડો. મહેન્દ્ર નારવરિયા દેશવિદેશમાં બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રખ્યાત છે. કોરોના કાળના ૯ મહિનામાં કોઈ પેશન્ટ બેરિયાટ્રિક સર્જરી માટે આવી શક્યા નથી. દર વર્ષે ૨૫ જેટલા NRI પેશન્ટ્સ શારીરિક સ્થૂળતા અને વજન ઘટાડવા માટે તેમના સેન્ટરની મુલાકાત લે છે. જોકે, મેડિકલ કન્સલ્ટેશન સર્વિસ તો ચાલુ જ રહી છે. ડો. નારવરિયાના કહેવા અનુસાર કોરોના વેક્સિન આવી ગયા પછી પરિસ્થિતિમાં ફેરફાર થશે.
- ડો. મહેન્દ્ર નારવરિયા (એશિયન બેરિયાટ્રિક સર્જરી સેન્ટરના સ્થાપક)
NRI સીઝન નિષ્ફળ ગઈ છે
અમદાવાદની અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મનીષભાઈ શર્મા કહે છે કે કોરોના વાઈરસ મહામારીના કારણે પ્રવાસ પર પાબંદી લાગી જવાથી નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીની NRI સીઝન નિષ્ફળ ગઈ છે. વિદેશી અને નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ અને ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓએ કોરોના સંક્રમણનું જોખમ લેવાનું ટાળ્યું છે. ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને અસર થવાની સાથે હોટેલ્સ અને ટ્રાવેલર્સ સહિતના આનુષાંગિક બિઝનેસીસને પણ ભારે નુકસાન થયું છે. ગુજરાતીઓ મુખ્યત્વે સોમનાથ, દ્વારકા અને કચ્છ સહિતના સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. વૈશ્વિક અસરના કારણે ટુરિઝમને હવે શૂન્યથી શરૂઆત કરવાની રહેશે. જોકે, હમણા લોકલ બિઝનેસ થોડો વધી રહ્યો છે. ગુજરાતીઓ ખમીરવંતી પ્રજા છે અને નવેસરથી સાહસ ખેડવામાં તેમનો જોટો જડે તેમ નથી.
- મનીષભાઈ શર્મા (મેનેજિંગ ડાયરેક્ટર, અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ)
લગ્નો-ફંક્શનનું બજેટ લાખો - કરોડોમાં હોય છે
સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિદેશમાં વસતા ભારતીયો સંપૂર્ણ રીત – રિવાજ પ્રમાણે વતનમાં બાળકોનાં લગ્ન માટે આવે છે. આ લગ્નો માટેનું બજેટ લાખોથી કરોડોમાં હોય છે. આ વખતે એક પણ એનઆરઆઈ લગ્નોનાં ફંક્શન ન હોવાથી ઘણા મોટા પ્રમાણમાં આર્થિક ખોટ થઈ છે. કોવિડ – ૧૯ની પરિસ્થિતિ વચ્ચે આમેય લાઈટ્સ, સાઉન્ડ, એલઈડી અને ઓડિયો વિઝ્યુઅલનું કામકાજ લોકડાઉન થતાં ૧૦૦ ટકા બંધ થયું હતું. એમાં પણ એનઆરઆઈ લગ્નો - ફંક્શન માટેનાં પણ ઓર્ડર ન મળતાં વ્યવસાયને ભારે નુક્સાન થયું છે. - જતીન રાયજાદા (શ્રીનાથજી સાઉન્ડ, જૂનાગઢ)