સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયમાં માદરે વતનની મુલાકાતે આવે છે.
વતનપ્રવાસે આવતા આ એનઆરઆઇના મુખ્ય ઉદ્દેશ માત્ર બે જ હોય છે - સ્વજનો અને મિત્રો સાથે મિલન-મુલાકાત અને કપડાં-જ્વેલરી સહિતની વિવિધ ચીજવસ્તુઓની ધૂમ ખરીદી. આ ઉપરાંત નાની-મોટી બીમારીની સારવાર, વિવિધ સ્થળોના યાત્રા-પ્રવાસ, પારિવારિક લગ્ન પ્રસંગોમાં હાજરી વગેરે તો ખરું જ.
જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પર આકરા નિયંત્રણો અમલી હોવાથી એનઆરઆઇ માદરે વતનની મુલાકાતે આવી શક્યા નથી.
આમ તેમને તો વતન-વિરહ સહન કરવો પડ્યો જ છે, સાથોસાથ ગુજરાતના વેપારીઓને પણ આકરો આર્થિક ફટકો ખમવો પડ્યો છે. વર્ષભરની કમાણીનો મહત્તમ હિસ્સો એનઆરઆઇ સિઝન દરમિયાન રળી લેતા વેપારી વર્ગની વ્યથા-કથા તેમના જ શબ્દોમાંઃ
NRI પેશન્ટ્સને સારવાર મેળવવામાં મુશ્કેલી
અમદાવાદની શેલ્બી હોસ્પિટલ્સમાં સીનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશ બી. પારેખ કહે છે કે કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ થઈ જવાથી તેમજ લોકડાઉન્સના નિયંત્રણો લદાવાથી વિદેશી અને નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ અને ખાસ કરીને ગુજરાતી પેશન્ટ્સને તબીબી સારવાર મેળવવાની તકલીફ ઉભી થઈ છે. વિલંબ કરી ન શકાય તેવી બીમારી હોય તો જ પેશન્ટ અહીં આવવાનું સાહસ કરે છે. અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ગયા મહિને એક કેન્સર પેશન્ટ આફ્રિકાથી આવ્યા હતા. સામાન્યપણે ૨૦થી ૨૫ કેન્સર પેશન્ટ કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મસ્કતથી સારવાર માટે આવે છે. માર્ચ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ના ગાળામાં લગભગ ૬૦ ટકા પેશન્ટ્સ ઘટાડો થશે. ઓપરેશન અગાઉ કોરોના વાઈરસ ટેસ્ટ કરાવવો આવશ્યક હોવાથી અને ક્વોરેન્ટાઈન થવું પડશે તેવો ભય પણ પેશન્ટ્સમાં રહે છે તેથી તેઓ આવવાનું ટાળે છે. ગુજરાતીઓ લગ્નો માણવા વતન આવતા હોય ત્યારે પણ દાંતની સારવાર અને હેલ્થ ચેક-અપ કરાવી લેતા હોય છે. જોકે, ૧૦ મહિનાના ગાળામાં આ પણ શક્ય બન્યું નથી.
- ડો. ભાવેશ બી. પારેખ (સીનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ, શેલ્બી હોસ્પિટલ્સ)
--
માત્ર સ્થાનિકો જ સારવાર માટે આવ્યા
કોરોનાની સ્થિતિમાં માર્ચ, ૨૦૨૦થી લગભગ બે મહિના ડેન્ટલ કેર સર્વિસ બંધ જ રહી હતી. છેટ દિવાળી પછી અમારે ત્યાં ૯૦ ટકા ડેન્ટલ સર્વિસમાં ટર્નઓવર શરૂ થયું હતું એમાં પણ ૧૦૦ ટકા સ્થાનિક દર્દીઓના ડેન્ટલ કેસ રહ્યા હતા. મે મહિનાથી દિવાળી સુધીમાં કોરોનાની ગાઈડલાઈન અનુસરીને ડેન્ટલ કેર – ટ્રીટમેન્ટ શરૂ કરાઈ અને દર વર્ષની સરખામણીએ ૭૦થી ૮૦ ટકા જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી. દિવાળી પછી વ્યવસ્થિત કામકાજ શરૂ થયું જેમાં સ્થાનિક દર્દીઓએ જ સારવાર લીધી છે. સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ૩૦૦થી ૩૫૦ જેટલા એનઆરઆઈ દર્દીઓ દાંતની સારવાર માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવે છે જે સંખ્યા આ વર્ષે કોરોનાની મહામારીના લીધે, લોકડાઉનના લીધે, દેશી વિદેશી અવરજવરના પ્રતિબંધના કારણે નહીંવત રહી છે. - ડો. આણંદ જસાણી (ડિરેક્ટર, સિટી ડેન્ટલ હોસ્પિટલ, રાજકોટ)
--
આગામી સિઝનમાં વધુ NRI આવશે
નડિયાદમાં છેલ્લાં દોઢ વર્ષથી પાર્થ પાર્ટી પ્લોટનું સંચાલન કરતા વિરલભાઇ પરીખ નું કહેવું છે કે તેમણે તો આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારો બિઝનેસ કર્યો હતો. તેમણે લગભગ ૧૭ ફંકશનો કર્યા હતા જેમાં ત્રણ એનઆરઆઈના ફંક્શન હતા. તેમણે કહ્યું કે હાલ સોમાંથી લગભગ 99 પાર્ટી પ્લોટની હાલત ખૂબ ખરાબ છે. આ વર્ષે એનઆરઆઈ નથી આવ્યા તેના તેમણે બે કારણો જણાવ્યા હતા. તેમણે કહ્યું કે એક તો કોરોનાને હિસાબે તેઓ આવી શક્યા નથી. બીજું એ કે ઘણા એન.આર.આઇ લગ્ન પ્રસંગ કરવા માટે આવવા માગે છે. પરંતુ ફ્લાઇટની તકલીફને લીધે તેઓ આવી શકતા નથી. તેમણે આ સીઝન દરમિયાન તેમના પાર્ટીપ્લોટમાં સર્વિસ આપતા માળી, મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સને પણ બિઝનેસ આપ્યો હતો. તેમનું માનવું છે કે પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ તેમાં આપણે હિંમત હારવાને બદલે તેને અનુરૂપ રહીને બદલાઈને કામ કરીએ તો સફળતા મળે જ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવતી સિઝનમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ આવશે અને તેમના પ્રસંગો પાર પાડશે. - વિરલભાઈ પરીખ (પાર્થ પાર્ટી પ્લોટ, નડિયાદ)
--
આત્મખોજનો અવસર મળ્યો
વડોદરામાં કોરોના મહામારીના કારણે આવેલા લોકડાઉનમાં દેશ-વિદેશમાં ભારે આર્થિક, સામાજિક, માનસિક સંઘર્ષમાં લોકો ગર્ત થઈ ગયા હતા. ગુજરાતી અભિનય ક્ષેત્રની વાત કરીએ તો આ સમયગાળામાં આર્થિક – માનસિક મુશ્કેલી સર્જાતાં ઈન્ડસ્ટ્રીમાંથી કેટલાકે આત્મહત્યા કરી, કેટલાય લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા અને કેટલાય લોકોએ પોતાનો વ્યવસાય બદલાવી નાંખ્યો. જોકે મારા માટે લોકડાઉન આંતરિક આત્મખોજ સમાન રહ્યું. લોકડાઉનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ મેં તો કર્યો જ, પણ આધ્યાત્મિક, ભક્તિમય વાતાવરણે જ મને લોકડાઉનમાં સોશિયલ મીડિયા લાઈવ કરવાની પ્રેરણા આપી હતી. હાલમાં એ લાઈવ બંધ થયા ત્યારે કેનેડામાં રહેતા એક મહિલા કરુણાબહેન નરુલાએ પૂછ્યું કે કેમ તમે લાઈવ બંધ કર્યું? તો એમને મેં કહ્યું કે, એ તો ભોળા શંભુની મરજી હતી કે આપણે સોશિયલ મીડિયા થકી લાઈવ કરતા રહ્યા અને મળતા રહ્યા. હું આશરે ૪૩ વર્ષથી અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલી છું. ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ લોકડાઉનમાં અહેસાસ થયો કે ચાહકવર્ગ સમક્ષ ન હોય તો પણ મોજમાં રહી શકાય. લોકડાઉન પહેલાં જોકે મારા ઘરે આશરે ૩૦ માણસ જમી શકે એટલા રોટલા અને શાક બનાવીને વહેંચવાનું કામ કરતા હતા તે લોકડાઉનમાં બંધ કરવું પડ્યું એનું દુઃખ પણ થયું. આ ઉપરાંત મારા ચેરિટેબલ ટ્રસ્ટ ‘માવજત’ થકી લંડન - અમેરિકા સહિત દેશવિદેશમાં શોઝ દ્વારા ફંડ એકત્ર થાય છે એ આ વર્ષના ગાળામાં શક્ય ન થયું. આ ઉપરાંત મુંબઈના નાટકોના શોઝ સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ – મે મહિનાના ગાળામાં વિદેશમાં યોજાય છે આ શોઝ પણ આ વર્ષે ન યોજાઈ શક્યા જેથી આ નાટકના ઓર્ગેનાઈઝર્સ સહિતની ટીમને પણ ભારે આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે. - ભાવિનીબહેન જાની (અભિનેત્રી, અમદાવાદ)
--
૧૦ ટકા પણ NRI આવ્યા નથી...
નડિયાદમાં સખી ડ્રેસીસ શોપના માલિક કૌશલભાઇ પટેલનું માનવું છે કે આ વખતે એનઆરઆઈ આવ્યા જ નથી. દર વર્ષે તો તેમની શોપ ઉપર દરરોજ ઓછામાં ઓછા પાંચથી સાત એન.આર.આઇ ખરીદી કરવા માટે આવતા હતા. તેમાં લગ્ન પ્રસંગ માટે ની ખરીદી અહીં આવ્યા હોય તો સગા-સંબંધી અને મિત્રો વર્તુળમાં ભેટ આપવા માટે સાડી અને ડ્રેસીસની તેઓ ખરીદી કરતા હતા. તેમણે કહ્યું કે આ વર્ષે તો ૧૦ ટકા પણ એન્ડ આર આઈ આવ્યા નથી. ઇમર્જન્સીમાં એકલદોકલ એન.આર.આઇ આવે છે પરંતુ ખરીદી કરવા માટે કોઈ આવતું નથી. તેમણે કહ્યું કે દર વર્ષના બિઝનેસમાં એનઆરઆઈ ન આવવાથી તેમને લગભગ ૨૦થી ૩૦ ટકાનો ફેર પડ્યો છે. તેમને આશા વ્યક્ત કરી હતી કે આવતા વર્ષે મોટી સંખ્યામાં એન.આર.આઇ આવશે અને બિઝનેસમાં લગભગ દસ ગણો વધારો થશે. તેની પાછળના કારણમાં તેમણે કહ્યું કે એક બે વર્ષથી એનઆરઆઈ ન આવ્યા હોય એટલે સ્વાભાવિક છે તેમને પણ આવવાની ઈચ્છા થાય પછી એ લગ્ન પ્રસંગ હોય કે અન્ય પ્રસંગ હોય તેઓ આવશે એ વાત ચોક્કસ છે. - કૌશલભાઇ પટેલ (સખી ડ્રેસીસ, નડિયાદ)
--
સોના ચાંદીના બિઝનેસમાં ઘટાડો
આણંદમાં સોના - ચાંદીના દાગીનાના મોટા શો રૂમના માલિક નીલય સોનીએ જણાવ્યું હતું કે એનઆરઆઈની સીઝન દરમિયાન તેમનો ૭૦ ટકા બિઝનેસ એનઆરઆઈનો હોય છે. જે આ વર્ષે કોરોનાને લીધે માત્ર ૫થી ૧૦ ટકા થયો છે. તેમના શો રૂમ પર આ સીઝનમાં દરરોજ લગભગ ૧૦૦થી ૧૫૦ ગ્રાહકો આવતા હોય છે, તેમાં ૭૦ ટકા એનઆરઆઈ હોય છે. તેમના જણાવ્યુ મુજબ આ વર્ષે તેમને એનઆરઆઈ બિઝનેસમાં ૬૦થી ૬૫ ટકા લોસ ગયો છે. તેમણે ઉમેર્યું કે લોકલ બિઝનેસ પણ મર્યાદિત રહ્યો છે. આ વખતે લગ્નમાં મહેમાનોની સંખ્યા પર નિયંત્રણ છે તેની પણ ઘરાકી પર અસર થઈ રહી છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી બે મહિનામાં પરિસ્થિતિ બદલાઈ જશે. તેમના માનવા મુજબ આવતી એનઆરઆઈ સીઝનમાં બમણી સંખ્યામાં એનઆરઆઈ ભારત આવશે અને આ વર્ષનું નુક્સાન તે સીઝનમાં ભરપાઈ થઈ જશે. - નીલય સોની (ઝવેરાત, આણંદ)
--
ડોનેશનનો પ્રવાહ થંભી ગયો હતો
રાજસ્થાનના ઉદયપૂર સ્થિત નારાયણ સેવા સંસ્થાનના પ્રશાંતભાઈએ જણાવ્યું કે તેમની સંસ્થામાં દાતાઓ ચેક,પોસ્ટ સર્વિસ અને બેંક ટ્રાન્ઝેક્શન્સ મારફતે ડોનેશન આપતા હતા. જોકે, ગયા માર્ચથી કોરોનાને લીધે અને તે પછી લોકડાઉનમાં આ સેવાઓ બંધ થતાં ડોનેશનનો પ્રવાહ ખૂબ ઘટી ગયો હતો. માર્ચથી ઓગસ્ટ દરમિયાન માત્ર ૩૦ ટકા ડોનેશન આવ્યું હતું. જોકે, સપ્ટેમ્બરથી પરિસ્થિતિ બદલાઈ છે અને ૭૦ ટકા જેટલું ડોનેશન તે મહિનામાં મળ્યું હતું. ભારત ઉપરાંત યુકે, યુએસએ, કેનેડા, આફ્રિકા, હોંગકોંગથી ડોનેશન મળે છે. કોરોના દરમિયાન સંસ્થા દ્વારા માનવસેવાની પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી. લોકડાઉન દરમિયાન સંસ્થા દ્વારા ૧૫૦,૦૦૦ ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું. ૧૯,૦૦૦ ઘરોને રેશનીંગ પહોંચાડ્યુ હતું. સંસ્થા દ્વારા ૧,૨૦૦ પીપીઈ કીટ અને ૮૦,૦૦૦ માસ્કનું વિતરણ કરાયું હતું. લોકડાઉન દરમિયાન સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતા. તે સપ્ટેમ્બરથી ફરી શરૂ થઈ છે. સંસ્થાન દ્વારા હોસ્પિટલ, નારાયણ ચીલ્ડ્રન એકેડમી ચલાવવામાં આવે છે. આ એકેડમીમાં મૂકબધિર, માનસિક રોગોના દર્દીઓ અને અંધ વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. સપ્ટેમ્બરથી ૧૧૦૦ બેડની હોસ્પિટલ ફરી શરૂ થઈ છે. તેમાં ૪૫૦ બેડ દિવ્યાંગો માટે છે. અનલોક પછી પેશન્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે. - પ્રશાંતભાઈ અગરવાલ (નારાયણ સેવા સંસ્થાન, ઉદયપૂર)
--
તબિયત પ્રત્યે લોકો વધુ સજાગ થયાં
રાજકોટથી ૧૨ કિ.મી દૂર રાજકોટ - જામનગર હાઈવે નજીક આવેલા નેચરોપથી સેન્ટર આત્મનીમ પ્રોજેક્ટના સંજયભાઈએ જણાવ્યું કે નવેમ્બરથી ફેબ્રુઆરીની એનઆરઆઈ સિઝનમાં યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, મીડલ ઈસ્ટ અને આફ્રિકા સહિત ૮થી ૧૦ દેશોમાંથી દર્દીઓ આવે છે. તેમાંથી ૫૦ ટકા અમેરિકાના જ હોય છે. ૧૭ એકર જમીનમાં પથરાયેલું સેન્ટર કોરોના મહામારીને લીધે લગભગ ૮ મહિના બંધ રહ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૦થી ૨૫થી ૩૦ ટકા ક્ષમતા સાથે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ સાથે સેન્ટર ફરી શરૂ કરાયું હતું. ૫૦ ટકા દર્દીઓ ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, સુરત અને ભોપાલથી આવે છે. સેન્ટરમાં ૫૦થી વધુની વયના લોકો આવે છે. ખાસ કરીને મહિલાઓ વધારે આવે છે. સેન્ટરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો સહિત વિવિધ રોગોની ૫૫૦થી ૬૦૦ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સેન્ટરમાં આવતા દરેક NRIએ જે તે દેશમાંથી આવવાના ૨૪ કલાક પહેલા RT- PCR ટેસ્ટ કરાવવો પડે છે. તે સેન્ટર પર આવે એટલે ફરી તેમનો RT- PCR ટેસ્ટ કરવામાં આવે છે, તે નેગેટિવ આવે તો જ તેમને પ્રવેશ અપાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાય છે.
- સંજયભાઈ ધમસાણિયા (આત્મનીમ પ્રોજેક્ટ, રાજકોટ)