અમદાવાદ: શહેરના ઘાટલોડિયાના જય ભોલે ગ્રૂપના 122 સભ્યોએ અંબાજી મંદિરમાં માતાજીને 23 તોલાની સોનાની પાદુકા અર્પણ કરી છે. ગ્રૂપના ફાઉન્ડર દીપેશ પટેલે જણાવ્યું કે, અમે જ્યારે મંદિરે દર્શન માટે ગયા હતા ત્યારે મંદિર આખું સોને મઢેલું હતું. અમે જોયું કે, અંબાજી મંદિર પર કળશ સોનાનાં છે, સાથે માતાજીને ભોગ ધરાવવા માટેનો થાળ પણ સોનાનો છે, પરંતુ માતાની પાદુકા ચાંદીની છે. આથી અમારા ગ્રૂપે માતાજીને સોનાની પાદુકા અર્પણ કરવાનું નક્કી કર્યું હતું. અમારો આ સંકલ્પ પૂરો થયો છે. આ પાદુકાની અંદાજિત કિંમત રૂ. 11.41 લાખ જેટલી છે. જય ભોલે ગ્રૂપ 2006થી કાર્યરત છે, જેના સભ્યો દેશભરનાં જાણીતાં મંદિરોની યાત્રા કરીને તે મંદિરમાં એક અનોખી ભેટ અર્પણ કરે છે.