અંબાજી: પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરની ગુજરાતનું પ્રથમ ISO-૯૦૦૧ પ્રમાણપત્ર માટે પસંદગી કરાઈ છે. મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ, પ્રસાદ-અન્ય ખાદ્યસામગ્રી તેમજ યાત્રા નિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડેડાઈઝેશન ISO એ યુકે બેઝ્ડ સંગઠન છે. જે તે સંસ્થા સંગઠનોને તેની ગુણવત્તાયુક્ત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો, સુરક્ષા સલામતીની બાબતોના મુલ્યાંકનના આધારે ISO સર્ટિફિકેટ માટે પસંદગી કરે છે. અંબાજી મંદિર ટ્રસ્ટે ISO-૯૦૦૧-ર૦૧પ સર્ટિફિકેશન માટે યાત્રાધામ વિકાસ પ્રધાન દિલીપકુમાર ઠાકોર, રાજય પ્રધાન વિભાવરીબહેન દવેના માર્ગદર્શનમાં રજૂઆત કરી હતી.
તેની ફલશ્રતિએ ISOના માપદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે તે ૩ વર્ષ માટે માન્ય રહેશે. દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી થતી હોય છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આ સર્ટિફિકેટ અહીં આવતા યાત્રિકોને પૂજા યજ્ઞ, પાર્કિંગ, દાન-ભંડોળ, તત્કાલ તબીબી સેવાઓની ઉપલબ્ધિ, પ્રસાદ વ્યવસ્થા વગેરે બાબતોની જાણકારી માટે ડેડિકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા, સાયન્ટિફિક એપ્રોચ સાથેના સીસીટીવી સર્વેલન્સ તથા સ્ટ્રેટેજિક લોકેશન ઉપર સુરક્ષા તેમજ હાઈજેનિક આરોગ્યપ્રદ ખોરાક ભોજન પ્રસાદ જેવી સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.