પાલનપુરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૪૦ કિલોગ્રામ સોનાથી સુશોભિત સુવર્ણમય શિખર ૨૫મીએ લોકાર્પિત કર્યું હતું. મુખ્ય પ્રધાને પત્ની અંજલિબહેન સાથે અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને શિશ ઝુકાવ્યું હતું અને એક તોલો સોનુ દાનમાં આપીને અંબાજી મંદિરમાં તમામ શિખરો સુવર્ણથી મઢવા સહયોગ આપવા માઈ ભકતોને ટહેલ પણ નાંખી હતી. ૨૫મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, સોનેથી મઢેલા દિવ્ય અને ભવ્ય યાત્રાધામોના આપણા ગૌરવપૂર્ણ ઈતિહાસને અમારે પુન: સ્થાપિત કરવો છે. તેથી સરકારે માત્ર એક શિખર જ નહીં અંબાજી મંદિરના તમામ શિખરો સુવર્ણથી મઢવાનો સંકલ્પ કર્યો છે.
સવા બે કિલો સોનું દાન
ફેઇઝ ટુમા મંદિરનું બીજા શિખર માટે દાન સ્વીકારવાનું જાહેર કરતાં જ તે જ દિવસે રાજકોટના ભક્ત હેતલભાઈ દ્વારા સવા બે કિલો સોનાના દાનની જાહેરાત કરાઈ હતી. જ્યારે રવિવારે ચેન્નાઈના મનિષભાઈ ધનાસાએ મા અંબાને ૪૪૪ ગ્રામ સોનાનો રૂ. ૧૩,૫૪,૨૦૦નો હાર ચડાવ્યો હતો.