અંબાજીઃ આદ્યશક્તિ અંબાજીના ધામમાં પરંપરાગત રીતે ઉજવાતો ભાદરવી પૂનમનો મેળો ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બંધ રહેશે. ગાંધીનગરથી ગુજરાત સરકારે આ મહામેળાને રદ કરવાની વિધિવત જાહેરાત કરી છે. સામાન્ય સંજોગોમાં સાત દિવસીય યોજાતા આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત ભારતભરમાંથી અંદાજે ૨૦થી ૨૫ લાખ ભાવિકો પગપાળા આવે છે.
મા અંબાને પોતાને ઘેર આમંત્રણ આપવા કે માનતા પૂરી કરવા ભાદરવી પૂનમે ભક્તો અંબાજી આવે છે. મેળામાં ૨૦૦૦થી વધુ સંઘ આવે છે. પદયાત્રીઓની સેવા માટે વિશાળ પંડાળ અને સેવાકેમ્પ ચાલે છે. ૧૯૯૫થી સરકારી તંત્ર વિધિવત રીતે મેળો યોજી જુદી જુદી વ્યવસ્થાઓ પર પાડવા ૩થી ૪ કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી કરી યાત્રિકોનું રક્ષણ કરે છે.
૪૦ વર્ષ પહેલાં ભારે વરસાદ છતાં મેળો હતો
અમદાવાદ - વિસનગરા નાગર સમાજના ભાદરવા પૂનમના સંઘવી અને પ્રમુખ નરેશ રાજાએ જણાવ્યું હતું કે, મેળામાં આવતા સંઘોના બે કે પાંચ પ્રતિનિધિઓ પોતાના વાહનોમાં ધ્વજા લઈને મા અંબાના મંદિરમાં અર્પણ કરી દર્શન કરીને પરત નીકળી શકે તો સારું છે.
આ રીતે પરંપરા સચવાઈ રહેશે અને કરવઠું પણ પૂરું થઈ જાય. ૪૦ વર્ષ પહેલાં ભયાનક વરસાદ છતાં મેળો રદ થયો નહોતો. અમદાવાદથી માત્ર બે જણાં પહોંચ્યાં હતા જેમાં મારા પિતાજી પણ સામેલ હતા.