ગાંધીનગરઃ નવરાત્રિ પૂર્વે માતાજીને પોતાના ગામ અને ઘરે પધારવાના આમંત્રણરૂપે ઉજવાતો ભાદરવી પૂનમ પદયાત્રા મહોત્સવ ૧૪મીએ અંબાજીમાં રંગેચંગે પૂર્ણ થયો હતો. પદયાત્રા મેળા દરમિયાન ૨૩ લાખથી વધારે ભક્તોએ અરવલ્લીની ગિરિકંદરામાં સુર્વણ શિખરે મઢેલા અંબાજી મંદિરમાં શ્રી યંત્ર સન્મુખ માતાજીનાં દર્શન કર્યાં હતાં. અંબાજી પદયાત્રા મેળા મહોત્સવમાં પૂનમના સંઘો અને માઈભક્તોએ મંદિરના સુર્વણ શિખરે ૮,૨૬૪ ધ્વજા આરોહણ કરાવી હતી. મહોત્સવ દરમિયાન સળંગ વરસાદ છતાં દૂર દૂરથી પદયાત્રીઓ ઉમટયા હતા અને પૂનમે આદ્યશક્તિને નવરાત્રિમાં પોતાના ગામ પધારી શરદની અજવાળી રાતોમાં શક્તિપૂંજ ભરી આપવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. સૈકાઓથી ચાલતી પરંપરા મુજબ ભાદરવી પૂનમે પદયાત્રા સંપન્ન થતાં અનેક ગામોમાં સામૂહિક નવરાત્રિના આયોજનના સ્થળે મંડપના ધ્વજદંડનું રોપણ કરવામાં આવ્યું હતું.
પદયાત્રા મહોત્સવ નિર્વિધ્ને સંપન્ન થતા બનાસકાંઠા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં સળંગ સાત દિવસથી પદયાત્રીઓ માટે ખડેપગે સેવારત વહીવટી તંત્ર, પોલીસ સહિત અનેકવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વેપારી સંસ્થાઓએ ચાચર ચોકમાં ગરબે રમી, ગુલાલની છોળો ઉછાળી ઉમંગ વેરીને માતાજીની આરાધના કરી હતી.
ભક્તિના ભાવમાં પોલીસકર્મીઓ પણ પોતાને રોકી શક્યા નહોતા. પોલીસ બેન્ડ દ્વારા માતાજીને અપાતી સલામી સુરાવલીઓ વચ્ચે પોલીસ કર્મચારી- અધિકારીઓ પણ ગરબે રમ્યા હતા. ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ વચ્ચે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ સુર્વણ ધ્વજદંડ પર ધજા ચઢાવી પરિવાર સાથે દર્શન કર્યાં હતાં.