અમદાવાદઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે અક્ષરધામની મુલાકાત લીધી હતી. અક્ષરધામમાં પ્રવેશથી જ તેઓ મંદિરના સૌંદર્ય અને સંદેશથી પ્રભાવિત હતા. મંદિરમાં ઈશ્વરચરણદાસ સ્વામી તથા અક્ષરધામના મહંત આનંદસ્વરૂપદાસ સ્વામીએ તેમનું પુષ્પહાર તથા કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું. મંદિરના મોડેલ રૂમમાં તેમણે સમગ્ર સંકુલનો પરિચય મેળવ્યો હતો. ટ્રુડો પરિવારે ભગવાન સ્વામીનારાયણના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યાં હતાં અને અહીં તેઓએ બંને દેશમાં પ્રગતિ, પરસ્પર સંપ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓએ અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી પર જળાભિષેક કર્યો હતો. અહીં વરિષ્ઠ સંતોએ તેઓને ભગવાનની પ્રાસાદિક નાડાછડી બાંધી આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રુડોએ મુલાકાત પોથીમાં લખ્યું કે, ‘આ શાંતિનું અદ્વિતીય સ્થાન છે. આ અનુભૂતિનો લાભ મને, મારા પરિવારને અને વિશ્વને પમાડવા બદલ આભાર! તેમનાં ધર્મપત્નીએ પણ અક્ષરધામની અનુભૂતિ વર્ણવતાં લખ્યુંઃ ‘એકતામાં શાંતિ!’