સુરત: દક્ષિણ ગુજરાતના કાકરાપારમાં ભારતનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી બનાવટનું ૭૦૦ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પરમાણુ રિએક્ટર કાર્યરત થયું છે. કાકરાપાર અણુમથક દેશનું ૨૩મુ પરમાણુ રિએક્ટર છે, જેમાં વીજળી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. અહીં ઉત્પન્ન થતી વીજળી ટૂંક સમયમાં જ લોકોના ઘર સુધી પહોંચી જશે. અત્યાર સુધી મહારાષ્ટ્રના તારાપોરમાં આવેલું અને ૫૪૦ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સૌથી વધુ ક્ષમતા ધરાવતા પરમાણુ રિએક્ટરનું બહુમાન ધરાવતું હતું, હવે આ સ્થાન ૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા કાકરાપારના આ પાવર પ્રોજેક્ટે મેળવ્યું છે.
કાકરાપાર પરમાણુ વીજળી ઘરના નવા બનેલા કંટ્રોલ રૂમમાં જ્યારે પાવર પ્રોજેક્ટ અને ગ્રીડને સિક્રોનાઇઝ કરીને જોડવામાં આવ્યા ત્યારે કંટ્રોલરૂમમાં હાજર વૈજ્ઞાનિકો, એન્જિનિયર અને કર્મચારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. વર્ષોની મહેનત પછી આ પરમાણુ રિએક્ટરનું નિર્માણ સાકાર થયું છે.
અણુઉર્જા નિગમના ચીફ મેનેજિંગ ડિરેક્ટર એમ. શર્માએ કહ્યું હતું કે, આ એક ઔતિહાસિક ક્ષણ છે. આ રિએક્ટર સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા નિર્મિત છે. રિએક્ટરની ડિઝાઇન તથા સામગ્રી વિશ્વ સ્તરના માપદંડોના આધારે તૈયાર કરવામાં આવી છે.
દેશનું ૨૩મુ પરમાણુ રિએક્ટર
ભારતના ૨૩મા પરમાણુ રિએક્ટર એનપીસીઆઇએલના સહ નિર્દેશક એ. કે. નેમાએ જણાવ્યું હતું કે, કાકરાપાર પરમાણુ રિએક્ટરનું આ ત્રીજું એકમ દેશનું ૨૩મુ પરમાણુ રિએક્ટર છે, જે હવે કાર્યરત થઇ ગયું છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, માર્ચ ૨૦૨૦માં એક રિએક્ટરમાં યુરેનિયમ ફ્યુલ ભરવાનું કામ શરૂ કરાવમાં આવ્યું હતું. આ પછી લોકડાઉનના સમયગાળા દરમિયાન જ ચકાસણીની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી હતી.
રૂ. ૧૬,૫૦૦ કરોડનો હતો પ્રોજેક્ટ
કાકરાપાર પરમાણુ વીજળી ઘરના અધિકારીઓએ જણાવ્યું હતું. કે, કાકરાપાર પરમાણુ વીજ મથકમાં ૭૦૦ - ૭૦૦ મેગાવોટના બંને એકમો પાછળ અંદાજે ૧૬,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટ પર નવેમ્બર ૨૦૧૦માં કામ શરૂ કરવામાં આવ્યું હતું.