અદાણી એરોસ્પેસ પાર્કમાં ઇઝરાયલનાં હર્મેસ-900 ડ્રોન તૈયાર થશે

Wednesday 29th November 2023 07:49 EST
 
 

નવી દિલ્હીઃ ઇઝરાયલના સર્વેલન્સ એરક્રાફ્ટ હર્મીઝ-900 યુએવી (ડ્રોન) ત્રણ-ચાર મહિનામાં આર્મી અને નેવીને આપવામાં આવશે. પ્રથમ એરક્રાફ્ટ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અપાશે. આ ડ્રોનને હૈદરાબાદના અદાણી એરોસ્પેસ પાર્કમાં એસેમ્બલ કરાશે. આવાં 12 હર્મીઝ-900 યુએવી આ પાર્કમાં તૈયાર થશે. આ પાર્ક અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને ઇઝરાયલની એલ્બિટ કંપનીનું સંયુક્ત સાહસ છે.
2018માં રૂ. 100 કરોડના ખર્ચે પાર્ક બનાવાયો હતો. 50 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું આ દેશનું પ્રથમ ખાનગી યુએવી ઉત્પાદન એકમ છે. એલ્બિટ અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વચ્ચે 2021માં 12 યુએવી માટે કરાર કર્યો હતો. 2500 કરોડ રૂપિયાના આ સોદામાં ઇઝરાયલ પાસેથી યુએવી ખરીદાશે, તેમાંથી 6 યુએવી આર્મી અને 6 નેવીને અપાશે.

યુએવીના તમામ પાર્ટ્સ એલ્બિટ ભારત લાવશે. ત્યાર બાદ અદાણી પાર્કમાં એસેમ્બિલિંગ કરાશે. આ વ્હીકલ્સની મદદથી નૌકાદળ પશ્ચિમ-ઉત્તરીય સરહદે લાંબા અંતર સુધી સમુદ્ર અને સેના પર નજર રાખી શકશે. આ ડિફેન્સ ડીલ હેઠળ બંને સેનાઓને એક-એક ગ્રાઉન્ડ સ્ટેશન પણ મળશે, જ્યાંથી આ ડ્રોનને નિયંત્રિત કરી શકાશે.

હર્મેસ-900ની વિશેષતા
• 30 હજાર ફૂટની ઊંચાઈએ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન
• અત્યાધુનિક રડાર અને મેરિટાઇમ રિકોનિસન્સ ક્ષમતાથી સજ્જ
• 30 કલાકથી વધુ ઉડાન માટે સક્ષમ
• પાંખની પહોળાઈ 49 ફૂટ
• વજન 970 કિલો અને ભારવહન ક્ષમતા 300 કિલો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter