અમદાવાદઃ અદાણી ગ્રૂપે કેરળ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમિટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે. જેમાં ઈન્ફાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સ સામેલ છે.
અદાણીનું જૂથ મધ્યપ્રદેશ રાજ્યમાં સિમેન્ટ, માઇનિંગ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જી સેક્ટર્સમાં પણ રોકાણ કરશે, જેનાથી 2030 સુધીમાં 1,20,000થી વધુ નોકરીઓનું સર્જન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં અદાણીએ મધ્યપ્રદેશને ભારતના સૌથી વધુ રોકાણ માટે તૈયાર રાજ્યોમાંના એકમાં પરિવર્તિત કરવાની જૂથની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. મધ્યપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2025ને સંબોધતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ ફક્ત રોકાણો નથી, આ એક સહિયારી યાત્રામાં સીમાચિહ્નો છે, એક એવી યાત્રા જે મધ્યપ્રદેશને ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં રાષ્ટ્રીયસ્તરે લીડર બનાવશે.