નવી દિલ્હીઃ ગયા જાન્યુઆરી મહિનામાં હિન્ડેનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ દ્વારા પ્રાઇસ રિગિંગ અને મની લોન્ડરિંગ થયાનાં ગંભીર આક્ષેપો કર્યા બાદ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) નામની સંસ્થાએ આ દિગ્ગજ કોર્પોરેટ હાઉસ સામે આક્ષેપો કર્યા છે. OCCRPએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અદાણી ગ્રૂપે મોરેશિયસ સ્થિત ગુમનામ એવા ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ મારફતે લાખો ડોલરનું ગુપચુપ રોકાણ કરવા માટે ફેમિલી એસોસિએટ્સનો ઉપયોગ કર્યો હતો. જોકે અદાણી ગ્રૂપે આ આક્ષેપોને નકાર્યા છે. અહેવાલને પગલે અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીના શેરમાં નરમાશ જોવા મળતી હતી.
OCCRPએ કહ્યું છે કે તેણે મેળવેલા દસ્તાવેજોમાં માહિતી મળી છે તે મુજબ 2013થી 2018 દરમિયાન કંપનીના શેરને સપોર્ટ મળે તે માટે અદાણી ગ્રૂપના પ્રમોટર ફેમિલીના પાર્ટનર્સ દ્વારા મેનેજ્ડ મોરેશિયસ સ્થિત બે ફંડ્સમાં જટિલ પ્રકારના ઓફશોર ઓપરેશનની વિગતો બહાર આવી હતી. આ ગાળામાં ગ્રુપની કંપનીઓના શેર ઝડપથી વધ્યા હતા અને તેને પગલે અદાણી ગ્રૂપ દેશનું સૌથી મોટું અને સૌથી વગદાર બિઝનેસ ગ્રૂપ બન્યું હતું.
OCCRPએ કહ્યું કે મોરેશિયસ સ્થિત કંપનીઓ મારફતે જે નાણાંનો પ્રવાહ આવ્યો હોવાનું મનાય છે તેના લાભાર્થી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણીના બે નિકટના લોકો છે. યુએઇના નાસિર અલી શાબાન અને તાઈવાનના ચાંગ ચુંગ-લિંગે મોરેશિયસના બે ફંડ્સ મારફતે અદાણી ગ્રૂપના શેરોમાં વર્ષો સુધી લાખો ડોલરનું ટ્રેડિંગ કર્યું હતું. વિનોદ અદાણીના જાણીતા એક કર્મચારી દ્વારા દુબઈમાં સંચાલિત કંપની દ્વારા આ ટ્રેડિંગ પર દેખરેખ રખાતી હતી.
OCCRPએ એક પત્રને ટાંકીને કહ્યું હતું કે ‘સેબી’ને 2014ની શરૂઆતમાં અદાણી ગ્રૂપે સ્ટોક માર્કેટમાં કરેલી કથિત શંકાસ્પદ પ્રવૃત્તિનો પુરાવો અપાયો હતો. 2014માં ‘સેબી’ના ચેરમેન રહેલા યુ.કે. સિંહા હવે અદાણી ગ્રૂપની માલિકીની ન્યૂઝ બ્રોડકાસ્ટર એનડીટીવીના ડિરેક્ટર અને ચેરપર્સન છે.
OCCRPના આક્ષેપોને અદાણી ગ્રૂપે ‘નવેસરથી જૂના આક્ષેપો’ ગણાવ્યા હતા અને જ્યોર્જ સોરોસ દ્વારા ફંડેડ સ્થાપિત હિતો દ્વારા પાયાવગરના હિન્ડેનબર્ગ રિપોર્ટને ફરીથી ચર્ચામાં લાવવાનો વધુ એક પ્રયાસ ગણાવ્યો હતો, જેને વિદેશી મીડિયાના ચોક્કસ વર્ગનો સપોર્ટ છે.
મોરેશિયસના બે ફંડ્સ મારફતે થયેલા એક બિલિયન ડોલરના આર્થિક વ્યવહારના આક્ષેપ સંદર્ભે ગ્રૂપે કહ્યું હતું કે એક દાયકા પહેલાં બંધ કરાયેલા કેસને આધારે આ આક્ષેપ કરાયા છે. તે સમયે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ આક્ષેપ અંગે તપાસ કરી હતી. તેમાં માન્ય ઓથોરિટી અને એપેલેટ ટ્રિબ્યુનલ - બન્નેએ કહ્યું હતું કે ઓવરવેલ્યૂએશન નથી કરાયું અને કાયદા અનુસાર જ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. માર્ચ-2023માં સુપ્રીમ કોર્ટે ગ્રુપની તરફેણમાં ચુકાદો આપ્યો આપ્યો હતો.