ગાંધીનગરઃ લાંબી ચર્ચા વિચારણા અને સસ્પેન્સ બાદ ગુરુવારે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિનભાઇ પટેલના નામની જાહેરાત તો થઇ ચૂકી છે. પરંતુ આ જાહેરાત પૂર્વે ગુજરાત ભાજપના વડા મથક કમલમમાં ભજવાયેલા રાજકીય નાટકની વિગતો હવે બહાર આવી છે. અહેવાલ અનુસાર, મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપનારા આનંદીબહેન પટેલે વિજય રૂપાણીને બદલે નીતિન પટેલને જ મુખ્ય પ્રધાન પદ સોંપવાનો આગ્રહ રાખ્યો ત્યારે એક તબક્કે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉગ્ર સૂરે આનંદીબહેનને સીધેસીધું સંભળાવી દીધું હતું કે, ‘જો તમે ૨૦૧૭ની જવાબદારી લેતાં હો તો મારે આમાં કશું જ કરવાનું રહેતું નથી, તમે કહો છો એમ જ ફાઈનલ કરીએ.’ અધ્યક્ષના આ પ્રકારનું વલણ નિહાળીને છેવટે આનંદીબહેને સઘળી બાબતમાંથી હાથ ખંખેરતા જણાવ્યું હતું કે, ‘જો આવું જ હોય તો પછી હવે તમે જે નક્કી કરો તે.’
આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, અમિત શાહ અને આનંદીબહેન વચ્ચે આ બોલાચાલી થઈ એ પછી તરત જ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતીષ ઊઠીને બહાર ગયા હતા અને એમણે મોબાઈલ ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવત સાથે વાતચીત કરી હતી. બાદમાં તેમની સૂચના પ્રમાણે મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણીની તથા નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિન પટેલના નામની ઘોષણા થઈ હતી. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન પદના નામના જાહેરાત સાંજે ચાર વાગ્યે થવાની હતી. આ સમયે જ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઇ હતી. જોકે એક નામ પર સંમતિ સાધવામાં પક્ષના મોવડીઓ વચ્ચે મતભેદ સર્જાતા જાહેરાત કરવામાં વિલંબ થયો હતો.
આ સૂત્રો વધુ ફોડ પાડતાં કહે છે કે, અમિત શાહે કમલમ્ ખાતે ૫-૦૦ વાગે શરૂ થયેલી બેઠકમાં જેવું વિજય રૂપાણીનું નામ મુખ્ય પ્રધાન પદ માટે તરતું મૂક્યું એ જ ઘડીએ આનંદીબહેન ગુસ્સે ભરાયા હતા. તેમણે ત્યાં સુધી અમિત શાહને કહી દીધું હતું કે, ‘આજકાલના મંત્રી બનેલા રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવાને બદલે લાંબા સમયથી કેબિનેટ મંત્રી રહેલા નીતિન પટેલને મુખ્ય મંત્રી બનાવવા જોઈએ.’ અલબત્ત, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓની બીક બતાવી આનંદીબહેનને ચૂપ કરી દેવાયા હતા.
કમલમ્ કાર્યાલયમાં બંધબારણે થતી ચર્ચાનો અવાજ પણ બહાર આવતાં અંદર શું ચાલી રહ્યું છે તેનો અંદાજ સૌ કોઈને આવી ગયો હતો. પાછળથી તો વી. સતીષને બહાર આવીને દિલ્હી ફોન કરવો પડ્યો હતો. આ જોઇને અંદર કંઈક ગડમથલ ચાલી રહી હોવાનું પદાધિકારીઓથી માંડીને તમામને ખબર પડી ગઈ હતી.
આ બેઠકમાં કોણ કોણ હતું?
પક્ષના અધ્યક્ષ અમિત શાહ અને વિદાય લઇ રહેલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ વચ્ચે થયેલી આ ચડભડવાળી બેઠકમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સરોજ પાંડે, રાષ્ટ્રીય સગંઠન મહામંત્રી વી. સતીષ, દિનેશ શર્મા, નીતિન પટેલ, વિજય રૂપાણી, ભીખુ દલસાણિયા, આર. સી. ફળદુ, સુરેન્દ્ર પટેલ વગેરે હાજર હતા. આ બેઠક પછી તરત ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ઉપરોક્ત નેતાઓ પણ હાજર હતા.
આનંદીબહેનની વધુ એક વખત ઉપેક્ષા
મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવાના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શિસ્તબદ્ધ પક્ષ હોવાનો ભાજપનો દાવો ખોખલો સાબિત થયો છે. અગાઉ વિજય રૂપાણીને પક્ષપ્રમુખ બનાવાયા ત્યારે આનંદીબહેને સર્વમાન્ય પ્રમુખ મૂકવાની માગણી કરી હતી, તે પણ સ્વીકારવામાં આવી નહોતી. અને હવે આનંદીબહેનની નામરજી છતાં મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણીની વરણી થઇ છે. સામાન્ય રીતે ભાજપનો શિરસ્તો રહ્યો છે કે કોઇ નેતા પક્ષ પ્રમુખ બને એટલે સરકારનાં પ્રધાન પદેથી રાજીનામું આપી દેવું પડે છે, પણ વિજય રૂપાણીના કિસ્સામાં તેમ નહોતું થયું. આ સમયે જ નક્કી થઈ ગયું હતું કે, વિજય રૂપાણીને રાષ્ટ્રીય અધ્યક્ષ મહત્ત્વ આપવા માગે છે.