સુરતઃ ૩.૫ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરીને ભાગી જનારા આરોપી અનિલ યાદવ (ઉં. ૨૬)ને ૩૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. એ પછી સેશન્સ કોર્ટની સજાના હુકમની કોપી હાઇ કોર્ટમાં પહોંચ્યા બાદ હાઇ કોર્ટે પણ ફાંસી યથાવત રાખી હતી. અનિલ યાદવને અમદાવાદની સાબરમતી જેલમાં ૨૯મી ફેબ્રુઆરીએ સવારે ૪-૩૦ વાગે ફાંસીના માંચડે લટકાવી દેવાનો હુકમ ૩૦મી જાન્યુઆરીએ અપાયો હતો. સેશન્સ કોર્ટના જજ એસ. પી. કાલાએ અનિલ યાદવને ઘટનાના ૨૯૦ દિવસ બાદ ફાંસી સંભળાવી જેને હાઈ કોર્ટે માન્ય રાખી પછી બંને કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. જોકે અનિલ યાદવે હવાતિયાં મારવાના શરૂ કરી દીધાં છે અને સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજાથી બચવા માટે અરજી કરી દીધી છે.
અપહરણ બળાત્કાર અને હત્યા
પરપ્રાંતીય અનિલ યાદવ વર્ષ ૨૦૧૮માં લિંબાયતમાં એક રૂમમાં રહેતો હતો. રૂમની નજીકના ઘરમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને તે પોતાના રૂમમાં લઇ ગયો હતો. બાળકી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાંખ્યા પછી બાળકીની લાશને કોથળામાં ભરીને એક પીપમાં નાંખીને પોતાના રૂમને બહારથી તાળું મારીને તે વતન નંદુરબાર ભાગી ગયો હતો.
બીજી તરફ બાળકી ન મળતાં પરિજનો અને પોલીસે ગુનો નોંધી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. અંતે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીનો મૃતદેહ આરોપીના રૂમમાંથી શોધી કઢાયો હતો. એ પછી અનિલ બિહારમાંથી પકડાયો હતો.