અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી

હિંદુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિનો સમન્વય ધરાવતા ઐતિહાસિક શહેરને યુનેસ્કોનું બહુમાન

Tuesday 11th July 2017 09:49 EDT
 

અમદાવાદઃ ૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને આ સન્માન મળ્યું છે. અમદાવાદને હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપવાનો પ્રસ્તાવ આ વિસ્તારની અંદર આવેલા ૨૬ સ્થળોને ધ્યાનમાં રાખીને મૂકાયો હતો. 

ગયા શનિવારે પોલેન્ડના ક્રેકોવ શહેરમાં મળેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ યાદીમાં અમદાવાદનું નામ ઉમેરાતાં શહેરની બ્રાન્ડ વેલ્યૂ વધશે અને સાથે સાથે પ્રવાસ-પર્યટનમાં પણ વધારો થશે. શહેરનાં વારસાને દુનિયાએ બિરદાવ્યો હોય તેવું આ સન્માન છે.
શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતા ઐતિહાસિક ઇમારતો, પુરાતત્ત્વના વારસા જેવી હવેલીઓ, જુના પુરાણા મકાનોની બાંધણી વગેરેનું રક્ષણ થશે. તેમજ વિદેશી પ્રર્યટકો અમદાવાદના હેરિટેજને જોવા માટે ખાસ આવશે તેમ મનાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચેક વર્ષથી મ્યુનિસિપલ તંત્ર ડોઝિયર તૈયાર કરવા કાર્યરત હતું. હેરિટેજ મકાનોની ત્રણેક વખત ગણતરી કરીને તેમાં એ, બી, સી, એવા પાર્ટ પાડયા હતા. આખરે નિષ્ણાતોની મદદથી તૈયાર કરેલ સામગ્રીનો સ્વીકાર થયો છે.

અમદાવાદનાં સ્થાપત્યોમાં જોવા મળતી ભાત આખા ભારતમાં જુદી છે. અહીંના સ્થાપત્યોમાં જૈન, હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારનાં સ્થાપત્યો આખા ભારતમાં ક્યાંય જોવા મળતા નથી. અહમદ શાહના કાળથી અમદાવાદની એક વ્યાપારી શહેર તરીકે દુનિયાભરમાં નામના હતી, પરંતુ સાથે સાથે તેના સ્થાપત્યો પણ એટલા જ સુંદર અને નોખાં છે. બીજું કે કોટ વિસ્તારમાં અનેક જાતિ અને ધર્મનાં લોકો રહે છે. અમદાવાદની પોળો અને તેના મકાનોની બાંધણીઓને કારણે પણ શહેરને હેરિટેજ સિટી તરીકે માન્યતા અપાઇ છે.
સમગ્ર વિશ્વને શાંતિનો પાઠ આપતા મહાત્મા ગાંધી પણ કોટ વિસ્તાર સાથે જોડાયેલા હતા. ગાંધીજી હયાત હતા ત્યારે કોટ વિસ્તારમાં ચાલેલી લડતોના પ્રતીકોને પણ આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા હતા. અલબત્ત, મહાત્મા ગાંધીનો સાબરમતી આશ્રમ કોટ વિસ્તારની બહાર છે.
હિંદુ અને જૈન મંદિરો અને ભારતીય સ્થાપત્ય અને કલાવારસાનાં અદૂભૂત સમન્વય સાથે શહેર એકતાનું પ્રતીક પણ રહ્યું છે. તેથી પણ વિશેષ અમદાવાદ પોતાનાં પ્રાચીન વારસાને જાળવી રાખીને ભારતનું પહેલું સ્માર્ટ સિટી બન્યું છે. અને આમ તેણે ટકાઉ વિકાસનો યુનાઇટેડ નેશન્સનો હેતુ મૂર્તિમંત કર્યો છે.
સતત છસો વર્ષથી લોકો અમદાવાદમાં વસવાટ કરે છે. આટલું જૂનું શહેર કે જે મેટ્રો સમકક્ષ હોય તેવું માત્ર એક દિલ્હી છે. અમદાવાદ તમામ અડચણો પાર કરીને સતત વિકસતું રહ્યું છે. અમદાવાદની આ ખાસિયતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. યુનેસ્કોમાં ૨૦૧૧માં અમદાવાદને હંગામી ધોરણે આ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સમાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૧૭માં વિધિવત્ રીતે તેની પસંદગી આ યાદીમાં થઇ છે.

શહેર શાંતિનું પ્રતીક

પોલેન્ડ ખાતેના સત્રમાં ભારતની ટીમ સાથે ઉપસ્થિત યુનેસ્કો ખાતેના ભારતના પ્રતિનિધી રુચિરા ખંભોજે આ જાહેરાત બાદ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘વર્ષ ૨૦૧૦માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદનો પ્રસ્તાવ યુનેસ્કોને મોકલ્યો હતો તે સાથે આ દિશામાં સાચી શરૂઆત થઇ હતી. અમદાવાદ ભારતીય વારસાની સ્વયં અભિવ્યક્તિ છે. અમદાવાદ છસો વર્ષથી શાંતિનું પ્રતીક બની રહ્યું છે. અહીં મહાત્મા ગાંધીએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રારંભ કર્યો હતો.

નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર

ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ થાય તેવું સ્વપ્ન નિહાળ્યું હતું. નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે બિરાજ્યા બાદ તેમની સૂચના અને પ્રયાસોથી અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોમાંથી માન્યતા પ્રાપ્ત થાય તે માટે કેન્દ્ર, રાજય અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિષ્ણાતોની મદદ લઇને શહેરનાં પ્રાચીન વારસા સહિતની વિગતો દર્શાવતું ડોઝિયર તૈયાર કરીને ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલય થકી યુનેસ્કોમાં રજૂ કરવામાં આવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે તે જાણીને હું ખૂબ રોમાંચિત થઇ ઉઠ્યો છું. ભારતમાં પહેલી વાર કોઇ શહેરને આ દરજ્જો પ્રાપ્ત થયો છે. શહેરના મેયર ગૌતમ શાહે કહ્યું હતું કે અમદાવાદ હવે હેરિટેજ સિટી તરીકેની ઓળખ સાથે સ્માર્ટ સિટી તરફની વિકાસકૂચમાં આગળ ધપશે. અમદાવાદને મળેલાં દરજ્જાની ભવ્ય રીતે ઉજવણી થશે.

રાજ્યમાં હવે ૩ હેરિટેજ સાઈટ

અમદાવાદને મળેલા વર્લ્ડ હેરિટેજ શહેરના દરજ્જા પછી ગુજરાતમાં હેરિટેજ સાઈટની સંખ્યા વધીને ૩ થઈ છે. આ પહેલા ચાંપાનેરના પુરાતત્ત્વીય અવશેષો અને પાટણમાં આવેલી ૧૧મી સદીની રાણીની વાવને વૈશ્વિક વારસાનો દરજ્જો મળી ચૂક્યો છે. ભારતની કુલ હેરિટેજ સાઈટની સંખ્યા ૩૫ છે. ભારતમાંથી હેરિટેજનો દરજ્જો મેળવનારી સૌ પ્રથમ બે સાઈટ આગ્રાનો કિલ્લો અને અજંતાની ગુફાઓ હતી. આ બન્ને સાઈટોને ૧૯૮૩માં હેરિટેજ દરજ્જો મળ્યો હતો. ચાંપાનેરના અવશેષોને ૨૦૦૪માં વૈશ્વિક ધરોહરનો દરજ્જો મળ્યો હતો.

હેરિટેજ હોવાનો શું ફાયદો?

હેરિટેજ સાઈટ હોવાનો દેખીતો કોઈ ફાયદો નથી, પરંતુ તેનાથી જે-તે વિસ્તારને એક વૈશ્વિક ઓળખ મળે છે. જગતને એ શહેર કે વિસ્તાર સાંસ્કૃતિક-પ્રાકૃતિક રીતે મહત્ત્વનો હોવાની જાણ પણ મળે છે. આ ઓળખને કારણે પ્રવાસીઓ વધે એ આડકતરો ફાયદો છે. યુનેસ્કો દ્વારા આ હેરિટેજ સાઈટને ખાસ ફંડ મળતું નથી, પરંતુ અન્ય વૈશ્વિક સંસ્થાઓ સંસ્કૃતિના રક્ષણ માટે ફંડ આપતી થાય છે. તો વળી યુદ્ધ જેવા સમયે આવા સ્થળો પર હુમલો થતો નથી. એવા કેટલાક ફાયદાઓ સામે હેરિટેજ હોવાના ગેરફાયદા પણ છે. જેમ કે એ સ્થળે પછીથી નવું બાંધકામ કરવા માટે જરૂરી મંજૂરી મેળવવામાં ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. જૂના બાંધકામમાં ફેરફાર પણ કરી શકાતો નથી. આથી જ ચાંપાનેર હેરિટેજ હોવા છતાં ત્યાંના ઘણા ખરા રહેવાસીઓ તેનાથી ખુશ નથી.

હેરિટેજ સ્ટેટસ કોને મળે?

યુનેસ્કો દ્વારા દર વર્ષે વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠક મળે છે અને તેમાં ક્યા ક્યા નવા સ્થળો ઉમેરવા એ નક્કી થાય છે. હાલ સમગ્ર જગતમાં ૧૦૦૦થી વધારે હેરિટેજ સ્થળો છે. હેરિટેજ સ્થળોના ૩ ભાગ છે, એક સાંસ્કૃતિ સ્થળો (અમદાવાદ જેવા શહેરો), બીજા પ્રાકૃતિક (સુંદરવન જેવા જંગલો) સ્થળો અને ત્રીજા મિક્સ (કાંચનજંગા નેશનલ પાર્ક). વિશ્વની સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટે ઈતિહાસ સાચવવો જરૂરી છે. ઈતિહાસ સાચવવા માટે ઐતિહાસિક બાંધકામો સાચવવા જરૂરી છે. એટલા માટે જે સ્થળે એમ લાગે કે જગતના ઈતિહાસમાં તેનું મહત્ત્વનું પ્રદાન છે, તેને હેરિટેજ જાહેર કરાય છે. અમદાવાદ ૬૦૦ વર્ષ કરતા વધારે જૂનું છે, માટે હેરિટેજ જાહેર કરવામાં આવે તો એ યથાયોગ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter