અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક ડોમેસ્ટિક સેક્ટરની રિજનલ એરલાઈનના શટર પડવાની સંભાવના છે. હૈદ્રાબાદ બેઝ ટ્રુ જેટ એરલાઈનના હાલમાં અમદાવાદ સહિત દેશમાં તમામ શહેરોમાં ઓપરેશન બંધ છે. હવે એરલાઈનના બચાવવા માટે કોઈ નવો ઈન્વેસ્ટર આવે તો જ બચી શકાય તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
હૈદ્રાબાદની ટર્બો એવિએશન પ્રા.લિ.ની ટ્રુ જેટ એરલાઈન ઉડાન અને આરસીએસ રૂટ વર્ષ 2015માં શરૂ કરાઈ હતી. જે દેશના 25 શહેરોને કનેક્ટ કરતી હતી. કંપની પાસે એટીઆર-72 પ્રકારના 7 લીઝ એરક્રાફ્ટ હતા. અમદાવાદ એરપોર્ટથી પોરબંદર, જેસલમેર, કંડલા, નાસિક, ઈન્દોર જેવા રૂટ પર સેવા આપતી હતી. નવા રૂટ તરીકે કેશોદ પણ શરૂ કરવાની તૈયારી હતી પણ ધીમેધીમે ફંડના અભાવે એરલાઈન કંપનીએ ઈન્દરો સેક્ટર ફ્લાઈટ બંધ કર્યા બાદ ધીમેધીમે તમામ સેક્ટર પર ઓપરેશન બંધ કરી દીધા હતા. ગત ડિસેમ્બરમાં અમદાવાદ એરપોર્ટ પર ટ્રુ જેટનું એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કર્યા બાદ આજે આઠ મહિના સુધી ધૂળ ખાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટના ટેકઓફ-લેન્ડિંગ સહિત પાર્કિંગ અન્ય કુલ 15 લાખથી વધુના ચાર્જિસ પેટે ચુકવાયા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.