વોશિંગ્ટનઃ અમદાવાદના બહુચર્ચિત કોલ સેન્ટર કૌભાંડમાં અમેરિકામાં સ્થાનિક કોર્ટે ગુજરાતી મૂળના ભરત પટેલને દોષી ઠેરવ્યા છે. ભરત પટેલ તથા દોષી ઠેરવાયેલા અન્ય આરોપીઓને ૭મી જુલાઇએ કોર્ટ સજા સંભળાવશે. સજા ભોગવ્યા બાદ ભરત પટેલને ભારત મોકલી દેવાશે. ભરત પટેલે અમેરિકી અદાલતમાં ગુનો કબૂલ્યો હતો. ટેક્સસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ ૪૩ વર્ષીય ભરત પટેલ અમદાવાદથી સંચાલિત કોલ સેન્ટર કૌભાંડના સૂત્રધારોના અમેરિકી સાથીદાર તરીકે કામ કરતો હતો.
શિકાગોમાં ભરત પટેલ એવા અમેરિકી નાગરિકોને શોધતો જેમની પાસેથી ધમકાવીને રકમ પડાવી શકાય. આ સાથે ભરત પટેલે અમેરિકીઓ પાસેથી પડાવેલાં નાણાં મેળવવા અયોગ્ય રીતે બેન્ક ખાતાં પણ ખોલાવ્યાં હતાં. ભરત પટેલના માત્ર એક બેન્ક ખાતામાં એક વર્ષના ગાળામાં ૧૫ લાખ ડોલર કરતાં પણ વધારે રકમ જમા થઈ હતી. જ્યારે બીજા એક ખાતામાં માત્ર પાંચ મહિનામાં ૪.૫૦ લાખ ડોલર જમા થયા હતા.