અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષીય યુવાન પ્રયાગ મહેતા આર્કિટેક્ચર એન્જિનિયરિંગના અભ્યાસ માટે પોલેન્ડમાં રહેતો હતો. તે પોલેન્ડમાં એક ગરબાના કાર્યક્રમમાં ગયો તે પછીના બીજા દિવસે બસ સ્ટેન્ડ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પ્રયાગ ક્યાં હતો તેની તેના કોઈ મિત્રોને પણ ત્યારે ખબર નહોતી. પ્રયાગ પોલેન્ડના સુરક્ષાકર્મીઓને મળ્યો પછી તેને હોસ્પિટલમાં આઈસીસીયુમાં દાખલ કરાયો હતો. એ પછી તેના મિત્રોને પ્રયાગ અંગે જાણ કરાઈ હતી. યુનિવર્સિટીએ પ્રયાગના પિતાને આ મામલાની જાણ કરતાં તેઓ તાત્કાલિક વિઝા મેળવીને પોલેન્ડ પહોંચ્યા હતા. જ્યાં દિવસમાં એક કલાક તેમને પુત્રને મળવા દેવામાં આવતા હતા. જોકે દીકરાને શું થયું છે? તેની પિતાને પણ કોઈ માહિતી અપાઈ નહીં. એ પછી પ્રયાગનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, પરંતુ તેના મૃત્યુનું પણ કોઈ ચોક્કસ કારણ હોસ્પિટલ દ્વારા અપાયું નહોતું. પ્રયાગનો મૃતદેહ મેળવવા પણ તેના પિતાએ આકરી કસોટીમાંથી પસાર થતા રહેવું પડ્યું.
પ્રયાગના પિતાએ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ત્રણ વખત ટ્વિટ કરીને પુત્રનો મૃતદેહ મેળવવા આજીજી કરી હતી. એ પછી ભારત તરફથી પ્રયાગનો મૃતદેહ પિતાને મળે એ માટે પગલાં લેવાયા પરંતુ પોલેન્ડ તરફથી કોઈ મદદ મળી નહોતી.