અમદાવાદનો અર્હમ વિશ્વનો સૌથી નાની વયનો કોમ્પ્યુટર પ્રોગ્રામર

Wednesday 25th November 2020 07:11 EST
 
 

અમદાવાદઃ શહેરના ટેણિયાએ વિક્રમજનક સિદ્ધિ પોતાના નામે કરી છે. સાત વર્ષથી પણ નાની વયનો અર્હમ તલસાણિયા વિશ્વનો સૌથી નાની વયનો કમ્પ્યુટર પ્રોગ્રામર બન્યો છે. શહેરની ઉદગમ સ્કૂલમાં હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરતા અર્હમે સાત વર્ષ કરતા ઓછી ઉંમરમાં પાયથન લેંગ્વેજ પ્રોગ્રામિંગની પરીક્ષા પાસ કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ તેણે બ્રિટનમાં વસતા અને મૂળ પાકિસ્તાનના સાત વર્ષીય બાળકનો યંગેસ્ટ પ્રોગ્રામરનો રેકોર્ડ તોડયો છે.
અર્હમના માતા અને પિતા બંને એન્જિનિયર છે. પિતા ઓમ તલસાણિયા ખુદ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમણે જ અર્હમને પ્રોગ્રામિંગ શિખવાડયું છે. તેમનું કહેવું છે કે મારી પાસે માઈક્રોસોફ્ટ કંપનીના ૧૨ સર્ટિફિકેટ છે અને હું પોતે કોડિંગ લેંગ્વેજ સારી રીતે જાણતો હોવાથી મને કામ કરતો જોઈને અર્હમને પણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ રસ પડવા લાગ્યો હતો. તેને કમ્પ્યુટર ગેમ્સ રમતા રમતા જાણવાની ઈચ્છા થઈ કે તે કઈ રીતે બને છે ત્યારે મેં તેને તેનું પ્રોગ્રામિંગ શીખવાડયું અને ધીરે ધીરે તે ઘણું સમજવા લાગ્યો હતો. નાની ઉંમરે તે જે પ્રકારે ઝડપભેર શીખવા અને સમજવા લાગ્યો હતો તે જોઈને મને થયું કે તે પ્રોગ્રામિંગમાં ઘણો આગળ વધશે. આથી મેં માઈક્રોસોફ્ટની પાયથોન લેંગ્વેજની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું અને લેંગ્વેજ પણ શીખવાડી. પિતા ઓમ તલસાણિયાનું કહેવું છે કે અર્હમે ક્યાંય પણ ખાનગી કોચિંગ કે ઈન્સ્ટિટયુટમાં પ્રોફેશનલ કમ્પ્યુટર કોચિંગ મેળવ્યું નથી. શહેરની ઉદગમ સ્કૂલમાં હાલ બીજા ધોરણમાં ભણતા અર્હમ જ્યારે ધોરણ એકમાં હતો ત્યારે ગત ૨૩મી જાન્યુઆરીએ પરીક્ષા આપી. આ પરીક્ષામાં અર્હમે કુલ ૧૦૦૦ માર્કસમાંથી ૯૦૦ માર્કસ મેળવ્યા હતા.
આ રિઝલ્ટ જાહેર થયા બાદ ૨૩ મી જાન્યુઆરીએ જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે અપ્લાય કર્યું હતું અને સાત વર્ષનો થાય તેના એક દિવસ પહેલા જ તેણે આ વિક્રમજનક સિદ્ધિ પોતાના નામે નોંધાવી લીધી હતી. આમ ૬ વર્ષ અને ૩૬૪ દિવસની વયે તે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને વિશ્વનો સૌથી નાની વયનો કમ્પ્યુટર પ્રોગ્રામર બન્યો છે.
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાળાઓ તમામ પ્રકારના વેરિફિકેશન બાદ તાજેતરમાં સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેવાયું છે. મહત્વનું છે કે ૨૦૧૬માં ગિનેસ બુકમાં બ્રિટનમાં રહેતા અને મૂળ પાકિસ્તાનના સાત વર્ષના બાળકે માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોફેશનલની પરીક્ષા પાસ કરીને યંગેસ્ટ પ્રોગ્રામરનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. હવે અમદાવાદના અર્હમે આ રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter