અમદાવાદઃ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે યોજાયેલી વિશાળ મહાક્રાંતિ રેલીમાં પાટીદાર સમાજે બુલંદ અવાજે અનામતની માગણી કરી છે. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા પાંચેક લાખ ભાઇઓ-બહેનોને સંબોધતાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો અમને અમારો (અનામત) અધિકાર નહીં મળે તો... અમને તે છીનવી લેશું. આ સાથે જ યુવા નેતાએ એલાન કર્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન ૪૮ કલાકમાં અહીં આવીને આવેદનપત્ર નહીં સ્વીકારે તો બીજા તબક્કામાં વધુ જલદ આંદોલનના મંડાણ કરાશે.
અનામત આંદોલને આજે અમદાવાદને સંપૂર્ણ બાનમાં લીધું છે. સવારથી જ જીએમડીસી મેદાન પર વિશાળ જનમેદની ઉમટી હતી. આંદોલનકારી નેતાઓના દાવા મુજબ ૧૮ લાખથી વધુ પાટીદારો આ રેલીમાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી અનામતની માંગને ઉગ્ર સ્વરૂપ આપનાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલે મંચ ઉપર એન્ટ્રી મારી અને ‘જય સરદાર’, ‘જય પાટીદાર’ના નારા લગાવ્યા તેનાથી લોકો હિલોળે ચડ્યા હતા. હાર્દિક પટેલે તેના આજના ભાષણમાં એવાં અનેક નિવેદનો કર્યા હતા, જેનાથી રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થઈ શકે છે. સરકારોએ પાટીદાર આંદોલન અંગે ગંભીરતાથી વિચાર્યા વગર છૂટકો નથી.
૪૮ કલાકમાં મુખ્ય પ્રધાન આવેઃ હાર્દિક પટેલ
મહાક્રાંતિ રેલીને સંબોધતાં હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન ખુદ આવીને આવેદન પત્ર સ્વીકારે તેવી માગણી કરતાં અનામત આંદોલનમાં અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો હતો. હાર્દિક પટેલે તેના વક્તવ્યના અંતમાં જાહેર કર્યું હતું કે જ્યાં સુધી મુખ્ય પ્રધાન પોતે અહીં આવીને આવેદન પત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચલાવાશે. તેમણે કહ્યું હતું કે ૪૮ કલાકમાં જો આ માગણી સ્વીકારાશે નહીં તો બીજા તબક્કામાં જલદ આંદોલનના મંડાણ કરાશે.
આયોજન મુજબ ખુદ કલેક્ટર પોતે રેલીના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ હાર્દિક પટેલે આવેદન પત્ર કલેક્ટરને આપવાને બદલે રાજ્યના મુખ્ય પ્રધાન પોતે અહીં આવે પછી સોંપવાની જાહેરાત કરી હતી. હાર્દિક પટેલના આ આહવાનને લાખો પાટીદારોએ હર્ષનાદ સાથે વધાવી લીધું હતું.
અનામત શક્ય નથીઃ મુખ્ય પ્રધાન
પાટીદાર અનામત આંદોલન સમિતિની આજની મહાક્રાંતિ રેલી પહેલા રાજ્ય સરકાર સાથેની તમામ વાટાઘાટો નિષ્ફળ રહી હતી. સરકારે ઓબીસી અનામતની માગણી માટે સાત પ્રધાનોની ખાસ સમિતિની પણ રચના કરી છે, પરંતુ છેક છેલ્લી ઘડીના પ્રયાસો છતાં સમાધાન શક્ય બન્યું નહોતું. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રવિવારે પ્રજાને સંદેશ આપીને અનામત બાબતે સરકારનો મત સ્પષ્ટ કર્યો હતો. તેમનું કહેવું છે કે, બંધારણ પ્રમાણે પાટીદાર સમાજને ઓબીસી અનામત આપી શકાય તેમ નથી. તેમણે આ પ્રશ્ન બાબતે વાટાઘાટો થકી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
જનજીવન ઠપ્પ
મહાક્રાંતિ રેલીના પગલે સમગ્ર અમદાવાદમાં જનજીવન લગભગ ઠપ્પ થઇ ગયું હતું. ખાસ કરીને શહેરના પશ્ચિમ ભાગમાં રેલીની વ્યાપક અસર જોવા મળી હતી. શહેરના આ ભાગમાં લાખો લોકોની રેલી અને સભાસ્થળ તરફ જતા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. પાટીદાર સમાજની રાજ્યભરમાં નીકળેલી ૧૬૨ રેલીઓ એકમાત્ર વિસનગરને બાદ કરતા શાંત જ રહી છે. અમદાવાદમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જોકે આમ છતાં ઇસ્કોન ચાર રસ્તા, પાલડી, જૂના વાડજ, માનસી સર્કલ, નિકોલ વિસ્તારમાં કાંકરીચાળાના છૂટાછવાયા બનાવો બન્યા છે.
દોઢ માસમાં ૧૬૨ રેલી
મહેસાણાથી છઠ્ઠી જુલાઈના રોજ શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન માત્ર દોઢ જ માસના ટૂંકા ગાળામાં સમગ્ર ગુજરાતના પાટીદારોને એક કરવામાં સફળ રહ્યું છે. રાજ્યભરમાં અનામતની માગણીને મળેલા વ્યાપક સમર્થનના પહેલા તબક્કાનો અંતિમ પડાવ અમદાવાદ બન્યો છે. રાજ્યભરમાં ૧૬૨ જાહેર રેલી અને અનેક સભાઓ થઈ છે. જેમાં અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ લોકો સીધી રીતે સામેલ થયા છે. આ પહેલા સુરતમાં થયેલી સાત લાખ લોકોની રેલીએ તેમના આંદોલનની સૌથી મોટી રેલી હતી. તંત્ર અને સરકાર માટે અમદાવાદની રેલીની વ્યવસ્થા એ મોટો પડકાર બની રહી છે. રાજ્યભરની પોલીસ આ રેલીનાં બંદોબસ્ત માટે અમદાવાદમાં છે. પાટીદાર રેલીનાં આયોજકોએ પણ હજારો સ્વયંસેવકોની ફોજ તૈયાર કરી છે. આ ઉપરાંત સભા અને રેલીમાં ભાગ લેવા આવનાર લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ મોટા પાયે કરાઇ છે.