અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નયનરમ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત બીજા વર્ષે ગિનીસ બુકમાં નોંધાવ્યું છે. શહેરના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં પ્રદર્શિત ગુલદસ્તાએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકેનો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. 10.24 મીટર ઊંચા અને 10.84 મીટરની ત્રિજ્યા ધરાવતા આ ગુલદસ્તાએ યુનાઇટેડ આરબ એમિરેટસ (યુએઇ)ના નામે નોંધાયેલો રેકોર્ડ તોડ્યો છે. 18 ફેબ્રુઆરી 2024ના રોજ યુએઇની અલ-એઇન મ્યુનિસિપાલિટીએ 7.7 મીટરના ફલાવર સ્ટ્રકચર ઉભું કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું હતું. ફ્લાવર શોમાં પ્રથમ દિવસથી જ વિશાળકાય ગુલદસ્તો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.