વલ્લભવિદ્યાનગરઃ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર પદેથી કે. રથ્નમે અચાનક રાજીનામું આપી દીધા પછી શનિવારે બોર્ડની બેઠકમાં સર્વાનુમતે તેમનું રાજીનામું મંજૂર થયું હતું. મોડી રાત્રે ફેડરેશનમાં સિનિયર જનરલ મેનેજર પ્લનિંગ એન્ડ માર્કેટિંગ તરીકે ફરજ બજાવતા જયેન મહેતાને અમૂલ ડેરીના ઈન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરાયા હતા.
આંતરિક વિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રથ્નમનો ભોગ લેવાયો હોવાની ચર્ચા છે. જોકે ડેરીના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું છે કે, કેટલાક તત્ત્વો ડેરીને બદનામ કરવાના પ્રયાસ કરે છે અને પોતાના સ્વાર્થ માટે ડેરીના સભ્યોના હિતને જોખમમાં મૂકે તે ચિંતાજનક છે. સંસ્થાના ડિરેક્ટર તેજસ પટેલે કહ્યું કે, વ્યાપાક ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રથ્નમે રાજીનામું આપવું પડ્યું છે. જોકે ચેરમેન રામસિંહ પરમારે તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું. રથ્નમે જણાવ્યું હતું કે, ડેરીની જવાબદારીમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત અમેરિકા જવાનું હોઈ મારી અનુપસ્થિતિના કારણે હું વ્યવસ્થિત ફરજ નિભાવી શકું તેમ નથી તેથી સમયના અભાવે સ્વૈચ્છિકપણે રાજીનામું આપ્યું છે.