કેપ કેનરવેલઃ અમેરિકાના અવકાશ સંસ્થાન ‘નાસા’ના ટેસ્ટ પાઇલટ બુચ વિલમોર અને ભારતવંશી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 10 જુલાઈએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પત્રકારો સાથે વાતચીત કરતા આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમને પૂરો વિશ્વાસ છે કે બોઈંગ કંપનીની સ્પેસ કેપ્સુલ દ્વારા અમે બહુ જલ્દી એટલે કે જુલાઈના અંત સુધીમાં પૃથ્વી પર સંપૂર્ણ સુરક્ષિત પાછા ફરીશું.
પૃથ્વીથી 400 કિલોમીટરના દૂરના અંતરિક્ષમાં ફરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માંથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરે પહેલી વખત પત્રકાર પરિષદને સંબોધી હતી. સુનિતા અને વિલમોર ગયા જૂનમાં બોઇંગની ન્યુ સ્ટારલાઈનર કેપ્સુલ દ્વારા આઈએસએસમાં ગયાં છે, પણ ટેક્નિકલ ખામીના કારણે તેમના પૃથ્વી પર પરત ફરવામાં વિલંબ થયો છે. સુનિતા અને વિલમોરેએ કહ્યું હતું કે ખરેખર તો અમારે ઘણાં સપ્તાહ પહેલાં જ પૃથ્વી પર પરત ફરી જવાનું હતું, પરંતુ બોઇંગ કંપનીની ન્યુ સ્ટારલાઈનર કેપ્સુલમાં હિલિયમનું ગળતર થવાથી અને તેના થ્રસ્ટરની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં અમે નાછૂટકે અહીં આઈએસએસમાં રોકાઇ ગયાં છીએ. આ સમસ્યા ઉકેલવા નિષ્ણાતો દિવસરાત મહેનત કરી રહ્યા છે. એક વખત પૃથ્વી પરના થ્રસ્ટરનું વૈજ્ઞાનિક પરીક્ષણ થઇ ગયા બાદ અમે વહેલી તકે પૃથ્વી પર પાછાં આવી જ જઈશું.
બંને અવકાશયાત્રીઓએ ઉત્સાહભેર કહ્યું હતું કે અમને પૃથ્વી પર પાછાં આવવામાં વિલંબ થયો છે, પરંતુ આ મુદ્દે અમને કોઇ જ જાતની ફરિયાદ નથી. અમે અહીં આઈએસએસમાં ભરપૂર મોજમસ્તી કરી રહ્યાં છીએ. સાથોસાથ અમે આઈએસએસનાં ક્રૂ મેમ્બર્સને તેમના મિશનમાં મદદરૂપ પણ બની રહ્યાં છીએ.