અમદાવાદ: ઓહાયો યુનિવર્સિટીમાંથી સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેનિંગના કલ્ચરલ સ્ટડી કાર્યક્રમ માટે અમેરિકન સિટિઝન સ્ટુડન્ટ લિડિયા (ઉં ૨૧) ૨૯મી જાન્યુઆરીએ અમદાવાદ આવી હતી. સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેનિંગના સોનલબેન મહેતાના વડપણમાં ટ્રેનિંગ લેતી અને લો ગાર્ડન પાસે સ્મિતાબેન કુકરિયાને ત્યાં રહેતી લિડિયા માનસિક બીમારીની વધુ પડતી દવા લેતી હોવાની જણાયું હતું. એ પછી તેને દત્તક લેનાર અમેરિકન માતા-પિતાનો સંપર્ક કરતાં તેમણે લિડિયાને અમેરિકા પરત મોકલી આપવા જણાવ્યું હતું. ડિપ્રેશનનો શિકાર લિડિયા ૭મીએ પરત અમેરિકા જવા અમદાવાદ એર પોર્ટ ઉપર પહોંચીને એર પોર્ટ સ્ટાફ સાથે ઝઘડતાં તેને ફ્લાઈટમાં બેસવા દેવાઈ નહોતી. મેડિકલ હિસ્ટ્રીના કારણે તેને સાયકાયટ્રિસ્ટને બતાવાતાં તબીબે તેની તત્કાળ સારવાર જરૂરી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેથી તેને એચસીજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ડિપ્રેશનમાં લિડિયાએ હોસ્પિટલના ત્રીજા માળેથી ભૂસકો માર્યો હતો અને છાપરાં પર પડતાં તેની હાલત ગંભીર ગણાવાઈ છે. આ કેસની નવરંગપુરા પોલીસમાં જાણવાજોગ નોંધ કરાઈ છે.