ન્યૂ યોર્કઃ સાન ડીએગોના સ્થાનિક ટેકનિકલ ટ્રેનિંગ સ્કૂલના ગુજરાતી માલિક નિમેષ શાહે વેટરન્સ (પ્રૌઢ) માટે શિક્ષણના લાભ માટે અપાતા કરોડો ડોલરની છેતરપિંડી આચરી હોવાની કબુલાત તાજેતરમાં કરી હતી. બ્લુ સ્ટાર લર્નિંગ સ્કૂલના માલિક નિમેશ શાહે (ઉં ૩૬) ૯/૧૧ પછી ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ દ્વારા બનાવેલા જી-વન બિલમાં ૨.૯ કરોડ કરતાં વધુ ડોલરની છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી.
નિમેષ શાહના કબુલાતનામા પ્રમાણે માર્ચ ૨૦૧૬થી જૂન ૨૦૧૯ સુધી તેણે પોસ્ટ ૯/૧૧ જી-વન બિલના જે લાભ મળે છે તે લેવા ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેની પત્ની નિધિનો પણ સાથ હતો. નિમેષ શાહે સ્કૂલમાં તાલીમાર્થીઓની ખોટી હાજરીઓ દર્શાવીને સરકાર પાસેથી તગડી રકમ આંચકી હતી. તેણે નોન વેટરન્સ માટે ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કર્યાં હતાં અને તેમના નામ, સરનામા, તેમના જન્મ પ્રમાણ પત્ર, સિક્યોરિટી નંબર, ફોન નંબર અને દરેકના ઇ-મેલ પણ બનાવ્યા હતા. તેણે રજૂઆત કરી હતી કે, ટ્રેનિંગ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ આઈટી સંસ્થાઓમાં નોકરી કરે છે. નિમેષ શાહે કરેલી રજૂઆતમાં તમામની બનાવટી ઓળખ અને દસ્તાવેજો પણ બનાવીને સરકારને મોકલ્યા હતા. ઉપરાંત નિમેષ શાહે ૩૦ ભૂતિયા કંપનીઓ પણ બનાવી હતી જેમાં પ્રૌઢ લોકો નોકરી કરે છે તેવી રજૂઆત કરી હતી.