અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ભૂતકાળમાં અનેક ગુજરાતીઓ ઝડપાઈ ચુકયા છે ત્યારે ફરી એક વાર 150 ગુજરાતી પેસેન્જરો પાસપોર્ટ પર મેકસિકોના નકસી સ્ટેમ્પ મારીને યુએસમાં ઘુસણખોરી કરતા ઝડપાઈ ગયા છે. સાત દિવસ અગાઉ ડિટેઈન થયેલા પેસેન્જરોના પાસપોર્ટ પર મેક્સિકોના ખોટા સ્ટેમ્પ માર્યાનો ઘટસ્ફોટ થયો છે.
આ સમગ્ર ઘટનાને પગલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ પણ સક્રિય થઈ છે. દિલ્હી એમ્બેસી પાસેથી વિગત લઈ પેસેન્જરો ડિપોર્ટ થશે ત્યારે તેઓના નિવેદન લઈ એજન્ટો સામે ગુનો નોંધાશે તેમ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે. ઉત્તર ગુજરાતના 150 જેટલા યુવાનો એક મહિના પહેલા અમેરિકા જવા માટે નિકળ્યા હતા. યુરોપથી તેઓ ચાર્ટડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં એજન્ટો મારફતે ઉતર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ યુવકો ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકોમાં પ્રવેશ્યા બાદ એજન્ટોએ તેઓના પાસપોર્ટ પર મેક્સિકોના નકલી સ્ટેમ્પ મારી દીધા હતા. મેક્સિકો બોર્ડર ક્રોસ કરી આ તમામ પેસન્જરો અમેરિકામાં પહોંચ્યા ત્યાં પોલીસે તમામને ડિટેઈન કરી લીધા હતા. જોકે, અમેરિકા બોર્ડર પોલીસ દ્વારા હવે અમેરિકામાં રાજ્યાશ્રય વિઝા મેળવવા ગયેલા પેસેન્જરો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. આ પેસેન્જરોને ડિપોર્ટ કરાશે કે નહી તે અંગે હજુ અસ્પષ્ટતા છે.
મેકિસકોના નકલી સ્ટેમ્પે મુશ્કેલી વધારી
પેસેન્જરોએ અસાયલમ (રાજયાશ્રય) મેળવવા આવ્યાનું જણાવ્યું હતું. અમેરિકાના કાયદા મુજબ આવા લોકોને રાજયાશ્રય મળે પણ પાસપોર્ટ પર લાગેલા મેક્સિકોના નકલી સ્ટેમ્પે તેઓની મુશ્કેલી વધારી છે. મેક્સિકો પહોંચેલા તમામ યુવકોને દિલ્હીના એજન્ટએ તેઓના પાસપોર્ટ પર મેક્સિકોનો નકલી સ્ટેમ્પ મારી બોર્ડર ક્રોસ કરાવતા પહેલા રૂપિયા લઈ લીધા હતા. બોર્ડર ક્રોસ કરાવ્યા બાદ એજન્ટની જવાબદારી પુરી થઈ જતી હોય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફ્રાંસના વિટ્રી એરપોર્ટ પર શંકાસ્પદ પેસેન્જરો હોવાની માહિતી આધારે ફ્રાંસની સુરક્ષા એજન્સીઓએ ફલાઈટ રોકી તપાસ શરૂ કરી હતી. આ ફલાઈટમાં ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયાસ કરતા ભારતીય પેસેન્જરો ઝડપાયા હતા.
આ પેસેન્જરોને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમે ગુજરાતી પેસેન્જરોના નિવેદનો લઈને કિરણ પટેલ સહિતના એજન્ટો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં હજુ પણ અનેક એજન્ટો ફરાર હોવાની વિગતો મળી છે.
ઉલ્લેખનીય છે કે યુએસ-મેક્સિકો સરહદની દીવાલને ઓળંગીને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસમાં ડિસેમ્બર 2022 માં બ્રિજકુમાર યાદવ નામની વ્યક્તિનું મોત થયું હતું. તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ જ પ્રકારે ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામનો ચાર જણનો પરિવાર કેનેડાથી યુએસમાં ગેરકાયદે પ્રવેશવાના પ્રયાસ કરતી વેળા કાતિલ ઠંડીના કારણે મોતને ભેટ્યો હતો.
અગાઉ 66 ગુજરાતીઓ સાથે નિકારાગુઆ જતી ચાર્ટર્ડ ફ્લાઇટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. તેમાં મુખ્ય આરોપી તરીકે અમૃતપાલ સિંહ નામની વ્યક્તિનું નામ મુખ્ય આરોપી તરીકે ખુલ્યું હતું. તેણે દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરી હતી અને તે કેનેડામાં છુપાઈ ગયો હોવાનું કહેવાય છે.