બારડોલીઃ તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં કપુરા ગામના વતની ઉમેશભાઈ બચુભાઈ ભક્તા, છેલ્લા દસ વર્ષથી પત્ની જ્યોતિબેન, મોટા પુત્ર દીપ અને નાના પુત્ર રાજ સાથે અમેરિકાના ઓકલાહમાં સ્ટેટના બ્લેકવેલમાં સ્થાયી થયા છે. ત્યાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨૪મી જુલાઈના રોજ દીપ તેમની બેસ્ટવે ઇન મોટેલમાં હાજર હતો ત્યારે મોટલ પાર્કિંગ લોટમાં એક નશામાં ધૂત મહિલાએ ખોટી રીતે કાર પાર્ક કરી હતી. જે બાબતે દીપે ૯૧૧ પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ દીપ પાર્કિંગ લોટમાં પહોંચ્યો હતો. જ્યાં થોડા સમય બાદ પોલીસ આવી પહોંચી હતી અને સ્થળ પર જોયું તો દીપ મૃત હાલતમાં પડ્યો હતો.
આ ઘટના અંગે પોલીસને જાણ થઈ હતી, પરંતુ પરિવારના સભ્યોને જાણ થઈ શકી ન હતી.
પાર્કિંગમાં મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓનો કાફલો જોઈ પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે જોયું તો દીપ મૃત હાલતમાં હતો. દીપને માથામાં ગંભીર ઇજાના નિશાન મળી આવતા, તેની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. બીજી તરફ ઘટનાના થોડા અંતરે જ એક મહિલા પણ કાર એક્સિડન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. જે નશાની હાલતમાં હોવાનું પોલીસે સ્થાનિક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. પોલીસ તપાસ બાદ અમેરિકામાં દીપના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.