અમેરિકામાં વસતા ગુજરાતીઓને માદરે વતન સાથે જોડાયેલા રહેવાની મુખ્યમંત્રીની અપીલ

Wednesday 14th August 2024 07:09 EDT
 
 

ગાંધીનગર: અમેરિકાના ડલાસ ખાતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન (FOGA) યુએસએનાં પ્રથમ કન્વેન્શનને વર્ચ્યુલી સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતીઓની આ પહેલને આવકારી અને આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર તરફથી એનઆરઆઈ માટે ધંધાકિય અને સામાજીક વ્યવસ્થા માટે સરકાર સહયોગી બનશે તેવી ખાત્રી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ફોગા’ની પહેલને આવકારી પત્ર દ્વારા શુભકામનાઓ પાઠવી હતી.
અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને એક તાંતણે બાંધી ગુજરાતની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક વિરાસતને ઉજાગર કરવાની નેમ લઈને, બીન રાજકીય કાર્યક્રમ સંબોધતાં મુખ્યમંત્રીએ વધુમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને તેમના માદરે વતન સાથે જોડાયેલ રહેવા અપીલ કરી હતી. તેની સાથે ખાસ કરીને યુવા પેઢીને પણ ગુજરાત સાથે જોડાઇને ગુજરાતના વિકાસ સાથે પણ સતત જોડાતા રહેવા માટે હાકલ કરી હતી. ગુજરાત સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ એનઆરઆઈને ગુજરાતમાં આવી રોકાણ કરવા પ્રેરીત કરતાં જણાવ્યું કે, ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં રોકાણકારો માટે સરકાર તમામ જાતની સુવિધા અને સરકારી સહયોગ આપે છે.
સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, હાલની સરકાર ગુજરાત આવતા ઉદ્યોગ સાહસિકો માટે લાલ ઝાજમ પાથરીને આવકારી રહી છે. ગુજરાતમાં આવતા ઉદ્યોગો માટે સલામતી, ચોવીસ કલાક વીજળી અને તમામ જાતની સરકારી પરવાનગીઓ ઝડપથી મેળવી આપે છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ આજના ગુજરાત વિશે અને દરેક ગુજરાતીને વિનંતી કરી કે, તેઓ ત્રણ ફોરેન ટુરિસ્ટને ગુજરાત લાવી પ્રવાસનના વિકાસ માટે સહયોગ આપે.
કન્વેન્શનમાં ખાસ ઉપસ્થિત રહેલ હ્યુસ્ટન ખાતેના ઈન્ડિયન કોન્સુલેટ જનરલ મંજુનાથે ભારતીયોને અમેરિકામાં ટ્રેડ શોથી લઈ ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ માટે જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાત્રી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર દ્વારા ‘ફોગા’ની આ પહેલને આવકારી હતી અને આવનારા સમયમાં આ સંગઠન અમેરિકામાં અને ભારત માટે એક સેતુ બની, એકવીસમી સદીના નવા ભારત માટે ઉપયોગી બની, વાયબ્રન્ટ ગુજરાતીઓ પોતાના દેશ અને રાજ્ય માટે કંઈક વિશેષ કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીની (વર્ચ્યુલ હાજરી), જ્ઞાનવત્સલ સ્વામી, ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય હાઇકમિશન વતી ફર્સ્ટ સેક્રેટરી જીગર રાવલ, કોન્સલ જનરલ મંજુનાથન, સોજીત્રાના ધારાસભય વિપુલ પટેલ તથા અમેરિકન કોન્ગ્રેસમેનો એ હાજર રહી પ્રસંગને શોભાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter