સુરતઃ યુક્રેનમાં રશિયન સૈન્ય ચોમેર તબાહી વેરી રહ્યું છે અને બન્ને દેશોએ પાટનગર કીવમાં આમનેસામને મોરચો માંડ્યો છે ત્યારે લોકો સુરક્ષિત સ્થાનની શોધમાં ભાગદોડ કરી રહ્યા છે. આમાં પણ વિદેશીઓ તો સ્વદેશ પહોંચવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે એક ગુજરાતી ભાયડો એવો છે કે યુદ્વનું સમરાંગણ બનેલું કીવ છોડીને નાસવાના બદલે દિવસ રાત લોકોની મદદ કરી રહ્યા છે. મૂળ સુરતના ગુજરાતી એવા મનીષભાઇ દવે ‘સાથિયા’ નામની હોટેલ ચલાવે છે અને બોમ્બધડાકા તથા ધાણીફૂટ ગોળીબાર વચ્ચે પણ તેમણે પોતાની હોટેલમાં ૧૦૦થી વધુ યુક્રેનિયનને આશરો આપીને ભારતીય – ગુજરાતી હોવાની ખુમારી અને સંસ્કારનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મનીષભાઇ દવેએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તે મુજબ શુક્રવારની આખી રાત અમે કોઇ સૂતા નહોતા, સતત બોમ્બના ધડાકા અને ગોળીબારીના અવાજ સંભળાતા હતા. થોડી થોડી વારે સાયરનો સંભળાતી હતી. બોમ્બ ફૂટે ત્યારે વીજળીના ચમકારા જેવી લાઇટો દેખાતી હતી. તેમણે જણાવ્યું હતું કે યુક્રેનિયન લોકો - સૈનિકો બરાબરની લડત આપી રહ્યા છે.’
કીવમાં તેમની હોટેલથી થોડા અંતરે સુલીપાસ્કા મેટ્રો સ્ટેશન નજીક જ જંગ મંડાયો હતો. આ સ્થિતિમાં યૂક્રેનના સ્થાનિક લોકો પોતાની ઉંચી બિલ્ડિંગો છોડીને બેઝમેન્ટમાં આવેલી સાથિયા હોટેલમાં આશરો લેવા પહોંચી ગયા હતા. જેમાં બાળકો, મહિલાઓ ઉપરાંત એક સગર્ભા સ્ત્રી પણ છે.
તેમની હોટેલમાં ૬૦ લોકોની ક્ષમતા હોવા છતાં ૨૦ જેટલા ભારતીય સહિત ૧૨૫ જેટલા લોકોને આશ્રય આપ્યો છે. યૂક્રેનના લોકો પોતાના બાળકો અને ભવિષ્યની ચિંતાની રોઇ પડ્યા હતા.
પરપ્રાંતમાં જઇ વસેલા મનીષભાઇ દવેએ કટોકટીના સમયે મેદાન છોડવાને બદલે વીરતા અને સમતાનો પરિચય આપતાં યૂક્રેનના લોકોને મદદ કરવાનો અભિગમ અપનાવ્યો છે. મનીષભાઇએ જણાવ્યું હું મારી હોસ્ટેલમાં રહેતો હતો.
પરંતુ એરસ્ટ્રાઇકને કારણે સુરક્ષાની ખાતરી ન હતી માટે મનીષભાઇએ ફોન આવ્યો એટલે હું તેમની હોટલમાં જતો રહ્યો છું.
સ્ટોક ખાલી થઇ રહ્યો છે
મનીષભાઇની હોટેલમાં આશ્રિતોને રહેવા ઉપરાંત નિઃશૂલ્ક જમવાનું પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. બપોરના દુકાનો-માર્કેટ ખુલ્લી રાખવાની થોડીક છૂટ મળતાં જ રાઇસ પેકેટ ખરીદીને ભોજનની વ્યવસ્થા કરાઇ રહી છે. દુકાનોમાં જીવનજરૂરી વસ્તુઓને સ્ટોક ખાલી થઇ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભારતીયો પહેરો ભરે છે
ભારતના રશિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યા છે. આ સંજોગોમાં રશિયન સૈન્ય ભારતીયોને નુકસાન નહીં પહોંચાડે એવા વિશ્વાસ સાથે કડકડતી ઠંડીમાં પણ મનિષભાઇ તેમજ અન્ય ભારતીયો વારાફરતી હોટેલની બહાર એકાદ-બે કલાક પહેરો ભરે છે અને યુક્રેનિયન લોકોને બેઝમેન્ટમાં સલામત રાખે છે. રખેને યૂક્રેનના લોકો પર રશિયન સૈન્ય અત્યાચાર ગુજારે તેવું ન બને તે માટે તેઓ આ કામગીરી બજાવી રહ્યાં છે. વળી જો ખતરો દેખાય તો તરત જ અંદર રહેલા લોકોને સાવચેત કરી રહ્યાં છે. જોકે યૂક્રેનના લોકોને તો તેમની સુરક્ષાને ધ્યાને લઇ અગત્યનાં કામકાજ સિવાય હોટેલની બહાર જ નીકળવા દેવાતા નથી.