અમદાવાદઃ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ ૪૦ વર્ષથી વિશ્વ બંધુત્વની ભાવના દ્વારા વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને ધ્યાનમાં રાખી ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એસોસિએશન (આઈપીઆરએ) દ્વારા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં યોજાયેલા વર્લ્ડ પીસ કોન્ફરન્સમાં ‘વર્લ્ડ પીસ એમ્બેસેડર’ તરીકે સન્માનિત કરાયા હતા. કોન્ફરન્સમાં ૩૩ દેશોના ૧૫૦ જેટલા રિસર્ચર્સ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત આફ્રિકા પીસ રિસર્ચ એન્ડ એજ્યુકેશન એસોસિએશન, એશિયા પેસિફિક પીસ રીસર્ચ એસોસિએશન, લેટિન અમેરિકા પીસ રિસર્ચ એસોસિએશન, નોર્થ અમેરિકા પીસ રિસર્ચ એસોસિએશન અને યુરોપીયન પીસ રિસર્ચ એસોસિએશનના હોદ્દેદારો પણ આ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એસોસિએશનની સ્થાપના ૧૯૯૦માં કરવામાં આવી હતી. ઠઆ સંસ્થા વિશ્વ શાંતિ માટે કામગીરી કરવાની સાથે તેને પ્રોત્સાહન પણ આપે છે.