અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક દાંડીકૂચ દિને સવારે શહેરના સુપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં, તેમના ૪૦ મિનિટના અસ્ખલિત વક્તવ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવને રાષ્ટ્રજાગરણ, આત્મનિર્ભરતાનો મહોત્સવ ગણાવ્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટ ૨૦૨૨થી ૭૫ સપ્તાહ પૂર્વે, આજથી શરૂ થતો આ મહોત્સવ લગભગ અઢી વર્ષ એટલે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે. જેમ મહાત્મા ગાંધીજીએ ઈમાનદારી, વિશ્વાસ, વફાદારીના પ્રતીક એવા નમકના મુદ્દે દાંડીકૂચ આંદોલનથી દેશના આઝાદી સંગ્રામની આહલેક જગાવીને દરેક ભારતીયનું આંદોલન બનાવ્યું તેમ આઝાદીના પર્વની ૭૫ વર્ષની ઉજવણી દરમિયાન આપણને પણ એવું અમૃત પ્રાપ્ત થશે કે જે દેશને માટે જીવવાની, દેશને માટે કંઈ કરી છૂટવાની સતત પ્રેરણા આપતું રહેશે.
તેમણે કહ્યું કે જેમ વેદોમાં કહ્યું છે કે, આપણે દુઃખ, કષ્ટ, ક્લેશ, વિનાશથી નીકળીને અમૃત તરફ અમ્રત્ય તરફ આગળ વધીએ તેમ, આઝાદીનો આ અમૃત મહોત્સવ એટલે નવી ઊર્જા આપનારો, સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓના જીવનોમાંથી પ્રેરણા લેવાનો, નવા વિચારોનો - નવા સંકલ્પોનો આત્મનિર્ભરતાનો મહોત્સવ છે, આ મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો, સુશાસનના સપનાં પૂરાં કરવાનો તેમજ વૈશ્વિક શાંતિ તરફ આગળ વધી વિકાસ સાધવાનો મહોત્સવ છે.
અસંખ્ય લોકોનું અથાક યોગદાન
વડા પ્રધાન મોદીએ આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીજી, પંડિત નેહરુ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ સહિત મંગલ પાંડેથી માંડીને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે સૌ કોઈનો ફાળો હોવાનું ઉલ્લેખી આ લડવૈયાઓને પથદર્શક તરીકે ઓળખાવતા જણાવ્યું હતું કે, આવું જ અથાક યોગદાન ગુજરાત, નોર્થ ઇસ્ટ, તામિલનાડુ સહિત ઘણા બધાં રાજ્યોમાં અસંખ્ય લોકોએ ભારે સંઘર્ષ વેઠી પોતાના જીવન આહુત કરીને આપ્યું છે, જેને ઇતિહાસમાં કંઈક અંશે નજરઅંદાજ કરાયો છે, ત્યારે નવી પેઢીને આ જણાવવાની તાતી જરૂરિયાત છે.
જેમ કે, ગુજરાતમાં વડોદરા નજીક માનગઢ ખાતે ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ અંગ્રેજો સામે ચાલેલી લડત કે જેમાં જલિયાંવાલા બાગના નરસંહાર જેટલા લોકોએ બલિદાન આપ્યાં છે, તામિલનાડુમાં ૩૨ વર્ષીય યુવાન કોડી કાથ્ કુમરન કે જેમણે અંગ્રેજોની ગોળી ખાધા પછીયે દેશનો ઝંડો જમીન ઉપર પડવા નહોતો દીધો. આ જ રીતે તામિલનાડુના વેલુ નાચિયાર મહારાણીનું, ગુજરાતમાં ગાંધી વિચારથી લડત છેડનારા લક્ષ્મણ નાયકનું, આદિવાસી સમાજમાં ચેતના જગાવનાર ઝારખંડના ભગવાન બિરસા મુંડાનું, ઓડિસામાં સાંથલ લડત છેડનારા મૂરમુ ભાઈઓનું, એવી જ રીતે નોર્થ-ઇસ્ટમાં પણ અનેક ઓછા જાણીતા શહીદવીરોનું આઝાદીના સંગ્રામમાં ખૂબ મોટું યોગદાન છે.
વડા પ્રધાને કહ્યું હતું કે અમે આ દિશામાં કેટલું કામ કર્યું છે, ઘણા સ્થળોનું સમારકામ કર્યું છે. જેમ કે વર્ષો સુધી શ્યામજી કૃષ્ણવર્માના નહીં લવાયેલા અસ્થિ હું ૨૦૦૩માં લાવ્યો હતો અને તેમના વતન કચ્છ-માંડવી ખાતે મેમોરિયલ બનાવ્યું છે, દાંડી ખાતે સ્મારક બે વર્ષ પહેલાં ઊભું કરાયું છે, જલિયાંવાલા બાગ હોય, પાઈકા આંદોલન સ્મૃતિ હોય કે બાબાસાહેબ સાથે જોડાયેલા સ્થાનો હોય, અમે આ કેટલાક સ્થળોએ પુનર્જીવિત કર્યા છે, એમ વડા પ્રધાને ગૌરવ સાથે જણાવ્યું હતું.
‘દેશના સંવિધાન પર ગર્વ’
દેશના સંવિધાન ઉપર, દેશની લોકશાહી પરંપરા ઉપર અમને ગર્વ છે અને તે જ દિશામાં ભારત આગળ વધી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને ઉમેર્યું હતું કે, કોરોના કાળમાં આપણે આત્મનિર્ભરતાનો પરિચય આપતા વેક્સિન નિર્માણનું માનવતાનું કાર્ય કર્યું છે, જેનો લાભ આખી દુનિયાને મળી રહ્યો છે, આપણે કોઈને દુઃખ દીધું નથી, ઊલટાનું બીજાંનું દુઃખ આપણે પોતાની ઉપર લીધું છે.
‘પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ મજબૂત બને છે’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન સાથે કરાવ્યો હતો. આ તબક્કે ગાંધી આશ્રમની મુલાકાત નોંધમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરી બાપુને ભાવાંજલિ આપી હતી.
વડા પ્રધાને સંદેશામાં જણાવ્યું હતું કે, ‘ગાંધી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત બને છે, અહીંના પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓથી જ્યારે આપણે એકાકાર થઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે, સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો પણ સંદેશો આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્ય સ્થળ પર ફરી વાર આવીને હું ધન્યતા અનુભવું છું.
આઝાદીનો અમૃત મહોત્સવ ભારતના સ્વતંત્રતા સંગ્રામને કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવી રહેલી કાર્યાંજલિ છે, આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્ત્વની ક્ષણને તો યાદ કરશે જ, સાથે જ ભવિષ્યના નિર્માણ માટે નવી ઊર્જા સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે, પૂજ્ય બાપુના આશીર્વાદથી આપણે ભારતવાસીઓ પોતાના કર્તવ્યોનું પાલન કરવાની સાથે અમૃત મહોત્સવના ઉદ્દેશ્યોને ચોક્કસ સિદ્ધ કરીશું.’
આ મોતીના દાણાં જેવા અક્ષર કોના?
ગાંધી આશ્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો. આ સંદેશાના મોતી જેવા સુંદર શબ્દોએ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું. એટલુ જ નહીં, સોશિયલ મીડિયામાં આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે, સંદેશાના અક્ષર કોના... વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કે પછી કોઇ અન્ય વ્યક્તિના...
સામાન્ય રીતે ગાંધી આશ્રમની મુલાકાતે આવતા મહાનુભાવો વિઝિટર બુકમાં સ્વહસ્તે સંદેશો લખતા હોય છે. પરંતુ વિઝીટર બુકમાં લખાયેલાં સંદેશાના અક્ષર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નથી બલ્કે આ સંદેશો કોઇ અન્ય વ્યક્તિએ લખેલો છે. તેનું કારણ એ છે કે, વડા પ્રધાન મોદીએ વિઝીટર બુકમાં કરેલી સહીના હસ્તાક્ષર અને સંદેશોના શબ્દો વચ્ચે જમીન આસમાનનો ફરક છે.
આ મુદ્દે ગાંધી આશ્રમના ડાયરેકટર અતુલ પંડયાએ એવો ફોડ પાડયો કે, પહેલી વાર સારા અક્ષરમાં લખી શકે તેવા એક પ્રોફેસર પાસે વિઝીટર બુકમાં સંદેશો લખાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો માત્ર હસ્તાક્ષર જ કર્યાં છે. આમ, સોશિયલ મીડિયામાં જે મુદ્દે વાત ચાલી રહી હતી તે વાત ખરી સાબિત થઇ હતી કે, વડા પ્રધાને સ્વહસ્તાક્ષરમાં સંદેશો લખ્યો નથી, માત્ર સહી જ કરી છે.