મહેસાણા જિલ્લાનું મોઢેરા સૂર્યમંદિર અને પરિસર ઉતરાર્ધ મહોત્સવ દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જોકે કોવિડ-૧૯ના ઓછાયા તળે શનિવારે યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ કલાવૃંદો દ્વારા રજૂ થયેલા મણિપુરી, ઓડીસી, કથકલી અને ભરતનાટ્યમના શાસ્ત્રીય નૃત્યો રજૂ કર્યા હતા. મણિપુરી જાગોઇ મરૂપના કલાકારો દ્વારા હિન્દુ વૈષ્ણ પરંપરા આધારિત રાધાકૃષ્ણની રાસલીલા તો સૌથી પ્રાચીન નૃત્ય ઓડીસીની રજૂઆત કલા કલ્પ સાંસ્કૃતિક સંસ્થાન દ્વારા થઇ હતી. કેરળ રાજ્યની સુપ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યશૈલી કથકલીની ઝલક મુદ્રા સ્કૂલના કલાકારોએ રજૂ કરી હતી તો ચેન્નઇના શ્રી દેવી નૃત્યાલયના કલાકારોએ દક્ષિણ ભારતીય તામિલનાડુ વિસ્તારના પાંજોટ ક્ષેત્રમાં વિકસીત ભરતનાટ્યમના માધ્યમથી હજારો મંદિરોમાં આરાધનારૂપે પ્રસ્તુતિ થતી નૃત્યનાટિકા રજૂ કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ રંગારંગ કાર્યક્રમનો આરંભ ગાંધીનગરથી ઓનલાઇન કરાવ્યો હતો.