અમદાવાદઃ દેશ ત્યારે થોડા દિવસ પૂર્વે જ આઝાદ થયો હતો, અને માદરે વતનથી સેંકડો માઇલ દૂર સિંગાપોરમાં વસેલાં કેટલાક ગુજરાતીઓ ખાસ ચર્ચા માટે એકત્ર થયા હતા. 1947ની 24મી સપ્ટેમ્બરનો એ દિવસ હતો. બેઠકમાં હાજર સહુ કોઇને લાગતું હતું કે વેપાર-રોજગાર માટે વતનથી દૂર આવીને વસ્યા તો છીએ પણ બાળકો માતૃભાષાથી વંચિત રહે એ કેમ ચાલે?
બેઠકમાં ચર્ચાવિચારણાના અંતે નક્કી કર્યું કે પરદેશની ધરતી પર ગુજરાતી શાળા શરૂ કરીએ. શરૂઆતનો દિવસ પણ નક્કી કર્યો, મહાત્મા ગાંધીનો જન્મદિવસ. 1947ની બીજી ઓક્ટોબરે સિંગાપોરની 79, વોટર લૂ સ્ટ્રીટમાં ગુજરાતી શાળાનો પ્રારંભ થયો. આજે 76 વર્ષે પણ આ શાળા અડીખમ છે અને નવા મકાનમાં ચાલી રહી છે. નામ છે ‘સિંગાપોર ગુજરાતી સ્કૂલ લિમિટેડ’.
આ શાળાના લોગોમાં પણ લખેલું છે કે ‘સા વિદ્યા યા વિમુક્તયે’. સિંગાપોરમાં અંદાજે 8 હજારથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. 1960ની 19 જાન્યુઆરીએ શાળાની વિધિવત્ નોંધણી થઈ હતી.
ઉમદા વિચારને સહુએ સાથે મળી સાકાર કર્યો
શાળાના ડાયરેક્ટર વિનાયકભાઇ ધનસુખલાલ અને મેનેજમેન્ટના જણાવ્યા મુજબ 1940ના દાયકામાં પણ ગુજરાતીઓએ સિંગાપોરમાં ધંધા-વેપારમાં મજબૂત રીતે પગ જમાવી દીધો હતો. એ સમયે જો દેશમાં આવવું હોય તો દરિયા મારફતે જ આવવાનું થતું હતું અને એમાં વધારે સમય જતો હતો. મોટા ભાગના પરિવારો દેશ આવી શકતા જ નહોતા જેના કારણે દરેકને લાગતું હતું કે સિંગાપોરમાં પણ પોતાનાં બાળકો માતૃભાષા સાથે જોડાયેલાં રહે એ માટે શાળા હોવી જોઈએ.
આ માટે 13 ગુજરાતીઓએ 1947ની 24મી સપ્ટેમ્બરના રોજ પ્રમુખ તરીકે રતિલાલભાઈ અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદજીભાઈની વરણી કરી હતી. 1950માં શાળા મંડળ પાસે 33 હજાર સિંગાપોર ડોલરનું ફંડ એકત્ર થયું હતું. શાળાની પોતાની જમીન પણ ખરીદવામાં આવી હતી.
શિક્ષિત ગુજરાતી બહેનોએ જવાબદારી ઉઠાવી
જોકે આ સમયે લાખ રૂપિયાનો સવાલ એ હતો કે શાળા તો શરૂ થઈ પણ ભણાવશે કોણ? આથી સાબરમતી આશ્રમના મનુભાઈ વિનોદી અને શાંતાબહેન વિનોદીને શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી. જોકે શાળાની સફર પણ સરળ ન હોતી. 1954માં વિદ્યાર્થીઓ ઘટતાં શાળા બંધ થઈ અને 1958માં ફરી શરૂ કરવામાં આવી. 1993માં સિંગાપોર શિક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય ભાષાઓ ભણાવવા માટે મંજૂરી આપવામાં આવી, અને શાળા ફરી શરૂ થઇ. આજે આ શાળામાં બીજી ભાષા તરીકે ગુજરાતી, બંગાળી, હિન્દી, પંજાબી, ઉર્દૂ, તમિળ ભણાવવામાં આવે છે. એક સમય એવો પણ હતો કે ગૃહિણીઓએ પણ બાળકોને ગુજરાતી ભણાવવાની જવાબદારી નિભાવી હતી.