સુરતઃ એક હીરાવેપારી પાસે ગણેશજીની એવી પ્રતિમા છે જેની કિંમત આશરે રૂ. ૫૦૦ કરોડ આંકવામાં આવી છે. ઓરીજીનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની ટ્રાન્સફર પ્રતિમા ૨૭.૭૪ કેરેટની છે. મહત્ત્વનું એ પણ છે કે ડાયમંડના આ ગણેશજીની મૂર્તિના દર્શનનો લહાવો આ ગણેશત્સોવમાં સુરતીઓને પણ મળશે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારના વેપારી કહે છે કે, શ્રદ્ધા હોય ત્યાં પુરવાની જરૂર નથી હોતી. તેમ છતાં આ મૂર્તિ જોતાં તેમાં ગણેશજી નરી આંખે દેખાશે. ૧૨ વર્ષ પહેલાં રફ ડાયમંડની ખરીદી વખતે મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. રફ ડાયમંડમાં ગણેશજીની આકૃતિ દેખાતા મેં ખૂબ શ્રદ્ધાભાવ સાથે ગણેશની પ્રાકૃતિક ડાયમંડની પ્રતિમાને ખરીદી લીધી અને કાયમ માટે મંદિરમાં મૂકી દીધી હતી. ગજરાજ સમુ મસ્તક, જમણી સૂંઢ, બે હાથ, બે પગ વચ્ચે જગ્યા, ડાબી બાજુમાં એકદંતના દર્શન પણ થાય છે. ૨૪.૧૧ મિલીમીટર ઉંચાઇ અને ૧૬.૪૯ પહોળાઇ ધરાવતા શ્રીજીનો કલર યલો ગ્રે પ્રકારનો છે. આ પ્રતિમાને આઇડીઆઇ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી દ્વારા નેચરલ ડાયમંડ તરીકેનું સર્ટિફિકેટ મળ્યું છે. સ્પાર્કલમાં તેને ‘રાઇટ ટ્રન્ક, નેચરલ ટ્રાન્સપ્રન્ટ ડાયમંડ વેઇટ- ૨૭.૭૪'નું સર્ટિફિકેટ એનાયત કરાયું છે. આફ્રિકાની કોંગો કન્ટ્રીના મ્બુઝીમાઇનનો આ ડાયમંડ છે. હાલ જ્યારે ગણેશ ઉત્સવના શ્રીગણેશ થયા છે ત્યારે સુરતની આ દુર્લભ અને અનમોલ ગણેશની રફ ડાયમંડની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
દુનિયાની સંભવિત સૌથી મોંઘી પ્રતિમા
હીરા રત્નજડિત ગણેશજીની પ્રતિમાઓ ગણેશ ઉત્સવમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ કિંમતની દૃષ્ટિએ જોઇએ તો આ રફ ડાયમંડ પ્રાકૃતિક અને પારદર્શક ગણેશજીની પ્રતિમાની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. હીરાના મૂલ્યમાં તેની પારદર્શિતાનું મહત્ત્વ ઘણું હોય છે. આ હીરો આખો જ પારદર્શક હોવાથી તેનું મૂલ્ય એ રીતે પણ વધી જાય છે.