નવસારીઃ દક્ષિણ નવસારીના આલીપોર ગામના યુવાનોને વારસામાં જમીન-જાયદાદ સાથે જૈન મંદિરની રખેવાળી એટલે કે દેરાસરની સેવાની જવાબદારી પણ મળી છે. આજે ત્રણ પેઢીથી આ ગામના મુસ્લિમ સમાજના લોકો જૈન દેરાસરને પોતાનું માનીને એની જવાબદારી ઉઠાવી રહ્યા છે.
નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નજીકના ચીખલી તાલુકાના આલીપોર ગામમાં ૯૫ ટકા વસ્તી મુસ્લિમોની છે. આશરે ૭૦૦૦ જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં બે મોટી મદરેસા અને પાંચ મોટી મસ્જિદ સાથે અન્ય નાની-મોટી અનેક મસ્જિદો અને મદરેસા છે.
૫૦ વર્ષથી જૈન પરિવાર નથી
ગામમાં એક પણ જૈન પરિવાર નથી, આમ છતાં વર્ષો જૂનું શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે જેનો ઈતિહાસ પણ બહુ જૂનો છે. વર્ષો પહેલાં જ્યારે આ મંદિરનું નિર્માણ થયું ત્યારે ગામમાં જૈનોનો વસવાટ હતો, જે સમયાંતરે ઓછો થતો ગયો અને આજે છેલ્લા ૫૦ વર્ષથી આ ગામમાં એક પણ જૈન પરિવાર નથી. મંદિરના પ્રમુખ અને ટ્રસ્ટીઓ પણ બીજા ગામમાં રહીને સંચાલન કરે છે. દેરાસરને કારણે વિહાર કરતા જૈન મુનિઓ-સાધુઓને વિસામો આપવા ધર્મશાળા બનાવાઈ છે.
સદભાવનાનું પ્રતીક
ગામના આ દેરાસરને કારણે આલીપોર ગામ સદ્ભાવનાના પ્રતીક તરીકે ઓળખાવા લાગ્યું છે. જિલ્લાના સરકારી રેકોર્ડમાં ‘સંવેદનશીલ ગામ’ તરીકે ઓળખાતું આ ગામ ખરેખર તો કોમી એકતાની મિસાલ છે. બાબરી મસ્જિદ ધ્વંસ થઈ એ સમયે રાજ્યમાં જે પરિસ્થિતિ હતી એને જોતાં અહીં લશ્કર ગોઠવાયું હતું અને તે સમયે સમાજના આગેવાનોએ આ દેરાસરની જવાબદારી માથે લીધી હતી અને કહ્યું હતું કે જો આ દેરાસરને નુકસાન થાય તો અમને સજા કરજો. ગામમાં વસતા મુસ્લિમ બિરાદરોના મનમાં જેટલું મહત્ત્વ મસ્જિદનું છે એટલું જ આ મંદિરનું પણ છે કેમ કે આજે ગામમાં વસતા દરેક લોકોએ તેમના જન્મથી જ આ મંદિર જોયું છે.
સ્થળાંતરનો નિર્ણય રદ
ગામમાં આવતાં જૈન સાધુ-સાધ્વીજીની લોકો બારેમાસ શાતા પૂછે છે એટલે કોઈ પણ જાતના ડર વિના તેઓ અહીં રહેતાં હોવાનો સ્વીકાર કરે છે. હાઈવેથી બે કિ.મી. અંદર ગામની વચ્ચે આવેલા લાકડાના પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર વખતે તેને હાઈવે નજીક લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે મુસ્લિમ આગેવાનોએ ભારપૂર્વક અને લાગણી સાથે મંદિરને ગામમાં જ રાખવાની જીદ પકડી હતી. આ સંજોગોમાં મહારાજ સાહેબ અને સાધુ-સંતોની હાજરીમાં શ્રી ગોડીજી ભગવાનને ચિઠ્ઠી નાંખતા જવાબ મળ્યો કે ‘મારે અહીં જ રહેવું છે, ગામની બહાર જવું નથી.’ અને એટલે જ આજે જૈન પરિવાર વિનાના આ ગામમાં વર્ષોથી જૈન મંદિર સદ્ભાવનાનું પ્રતીક બન્યું છે.
દેરાસરમાં વરસ દરમિયાન ઉત્સવ સમયે ગામના મુસ્લિમો બહારગામથી આવતા જૈન ભાઈઓને આવકારે છે અને ઉત્સવ વેળા દેરાસર આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે એનું ખાસ ધ્યાન રાખે છે.
આ મંદિર અમારું જ...
એક અહેવાલમાં ગામના આગેવાન અને વેપારી સલીમ પટેલને ટાંકીને જણાવાયું છે કે ૧૯૯૨માં કોમી તોફાનો વચ્ચે મુસ્લિમોએ દેરાસરની રખેવાળી કરી હતી, એની રક્ષા કરવા માટે ગામના લોકો કાયમ તૈયાર હોય છે. વિહાર કરતા કોઈ સાધુ-મહાત્મા રાતે હાઈવેથી અંદર ગામમાં આવતા હોય ત્યારે અમારા યુવાનો તેમને રસ્તો બતાવીને મંદિર સુધી લઈ આવે છે. દીપક શાહ નામના જૈન અગ્રણીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે આલીપોરમાં વર્ષો પૂર્વે જૈનો રહેતાં હતાં, પરંતુ છેલ્લા ૫૦ વર્ષથી અહીં એક પણ જૈન પરિવાર નથી. ૯૫ ટકા મુસ્લિમ વસ્તી છે. વર્ષમાં એક મોટો ઉત્સવ એટલે કે મેળો થાય છે અને દર માસની પૂનમ અને એકમે તિથિ ભરવા મોટી સંખ્યામાં જૈનો આવે છે છતાં આજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો.