મોડાસાઃ અરવલલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ ગણાતા ટીંટોઇના આહોજ માતાજીને પ્રતિવર્ષ માઇભક્તો દ્વારા સોનાના આભૂષણો સહિત ચાંદીના ગરબા માતાજીને અર્પણ કરાય છે. ગત વર્ષે એક માઇભક્ત દ્વારા માતાજીને સોનાનો ગરબો અર્પણ કરાયો હતો. આ વર્ષે પ્રથમ નોરતે મૂળ ટીંટોઇના અને મુંબઇમાં રહેતા સ્વર્ગસ્થ પ્રફુલચંદ્ર યશવંતલાલ ઠાકરના પરિવારે ૭.૫ કિલો ચાંદીમાંથી તૈયાર કરાયેલા રૂ. ૧.૨૫ લાખની કિંમતના છ ગરબા આહોજમાને અર્પણ કર્યાં હતાં. માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતો આ ઠાકર પરિવાર મુંબઇથી માનતા પૂર્ણ કરવા ટીંટોઇમાં પહોંચતાં જ નવરાત્રી મહોત્સવ ટીંટોઇ માઇ મંડળના પ્રમુખ દીપકભાઇ ચુનીલાલ ભટ્ટ, મંત્રી જયેશભાઇ વાડીલાલ સોની તેમજ કારોબારી સભ્યોએ દાતા પરિવારનું અભિવાદન કર્યું હતું.
ટીંટોઇ માઇ મંડળને અત્યાર સુધીમાં ચાંદીના ગરબા ૧૮ જેટલા અર્પણ કરાતાં મંડળે માતાજીની ચાંદીની ફરતી માંડવીમાં ગોઠવણ કરી છે. આહોજ માતાજીના મંદિરના શિખર લાઇટ માટે અને એલઇડી ડેકોરેશન માટે ઇન્દિરાબહેન બાલકૃષ્ણ મેવાડા પરિવાર તરફથી રૂ. ૨.૧૧ લાખનું દાન આપવામાં આવ્યું હતું.