અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમેર રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવીને સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી હતી. હવે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે પાટીલ વિરુદ્ધ હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇ કોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેર હિતની ૩૬ પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને પણ પક્ષકાર બનાવીને ‘અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન’ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.